અમેરિકામાં બાળકો અને કિશોરો દ્વારા સોશિયલ મીડિયાના વધુ પડતા ઉપયોગને લઈને Meta સામે મોટો કાનૂની વિવાદ ચાલી રહ્યો હતો. હવે આ મામલામાં કંપની એક મોટા સમાધાન તરફ આગળ વધી હોવાનું સામે આવ્યું છે. આ સમાધાન હેઠળ 18 વર્ષથી ઓછી ઉંમરના યુઝર્સ માટે Facebook અને Instagramના ઉપયોગને લઈને કેટલાક કડક ફેરફારો કરવાની વાત કરવામાં આવી છે. તેમાં દરરોજના સ્ક્રીન ટાઈમની મર્યાદા, રાત્રે એપ્સના ઉપયોગ પર નિયંત્રણ, શાળાના સમય દરમિયાન નોટિફિકેશન મ્યૂટ રાખવા અને પેરેન્ટલ કંટ્રોલને વધુ મજબૂત બનાવવા જેવા પગલાં સામેલ છે. આ સમાચાર બાદ લોકોમાં સૌથી મોટો સવાલ એ ઊભો થયો છે કે શું હવે રાત્રે 12 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી Instagram અને Facebook સંપૂર્ણપણે બંધ થઈ જશે? હકીકતમાં આવું નથી. આ નિયમ તમામ યુઝર્સ માટે નહીં, પરંતુ મુખ્યત્વે 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો અને કિશોરોને ધ્યાનમાં રાખીને છે. એટલે કે પુખ્ત વયના લોકો માટે Facebook અને Instagram સંપૂર્ણપણે બંધ કરવાની કોઈ વાત નથી. રાત્રિના સમયનું નિયંત્રણ ખાસ કરીને બાળકો અને કિશોરો માટે લાગુ કરવામાં આવે તેવી શક્યતા છે.
2023માં અમેરિકાના અનેક રાજ્યોના એટર્ની જનરલોએ Meta સામે કેસ દાખલ કર્યો હતો. કંપની પર આરોપ હતો કે Facebook અને Instagramમાં એવી સુવિધાઓ અને ડિઝાઇનનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેના કારણે બાળકો અને કિશોરો લાંબા સમય સુધી સોશિયલ મીડિયા સાથે જોડાયેલા રહે છે અને તેમને તેનો વધુ પડતો ઉપયોગ કરવાની આદત પડી શકે છે. ફરિયાદમાં એવો પણ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો કે સોશિયલ મીડિયાના સતત અને વધુ પડતા ઉપયોગથી બાળકોના માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર થઈ શકે છે. Meta પર આ જોખમો અંગે માતાપિતા અને સામાન્ય લોકોને પૂરતી માહિતી ન આપવાનો પણ આરોપ મૂકવામાં આવ્યો હતો. આ કેસની સુનાવણી ઓગસ્ટ 2026માં કેલિફોર્નિયાની ફેડરલ કોર્ટમાં શરૂ થઈ હતી. હવે સમાધાન થયા બાદ કેસ ટ્રાયલ તરીકે આગળ ન વધે તેવી સ્થિતિ બની છે, જોકે આ સમાધાનને અંતિમ મંજૂરી કોર્ટ દ્વારા મળવાની બાકી છે. એટલે હાલ તમામ નિયમો તરત જ અમલમાં આવી ગયા છે તેમ માનવું યોગ્ય નથી.
આ સમાધાનની રકમને લઈને પણ અલગ-અલગ આંકડા સામે આવ્યા છે. કેટલાક અહેવાલોમાં આશરે 17 અબજ ડોલરની વાત કરવામાં આવી છે, જ્યારે કંપની તરફથી કુલ ચૂકવણીનો આંકડો લગભગ 18 અબજ ડોલર સુધીનો હોવાનું જણાવાયું છે. અન્ય અહેવાલોમાં આ રકમ લગભગ 16.68 અબજ ડોલર હોવાનું પણ કહેવામાં આવ્યું છે. રકમનો એક ભાગ નિશ્ચિત હોવાનું જણાવાયું છે, જ્યારે 5 અબજ ડોલરથી વધુની વધારાની રકમ કેટલીક ચોક્કસ શરતો સાથે જોડાયેલી હોઈ શકે છે. Metaએ 2026ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં આ સમાધાન માટે અંદાજે 10 અબજ ડોલરનો કાનૂની ખર્ચ નોંધવાની પણ વાત કરી છે. આ સમાધાન હેઠળ સૌથી મોટો ફેરફાર 18 વર્ષથી ઓછી ઉંમરના યુઝર્સ માટે થઈ શકે છે. Facebook અને Instagram પર મળીને દરરોજ બે કલાકની ડિફોલ્ટ સમયમર્યાદા રાખવાની વાત કરવામાં આવી છે. એટલે કે બંને એપ્સ પર વિતાવેલો સમય કુલ સ્ક્રીન ટાઈમમાં ગણવામાં આવશે. જો કોઈ કિશોર બે કલાકથી વધુ સમય સુધી બંને પ્લેટફોર્મનો ઉપયોગ કરવા માગશે તો માતાપિતાની પરવાનગી જરૂરી બની શકે છે.
રાત્રે 12 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કિશોરોના Facebook અને Instagram ઉપયોગ પર રોક અથવા નિયંત્રણ લાવવાની પણ વાત છે. જોકે, તેનો અર્થ એ નથી કે આખી દુનિયામાં Instagram અને Facebook બંધ થઈ જશે. આ નિયંત્રણ ખાસ કરીને મોડીરાત્રે બાળકો અને કિશોરો દ્વારા થતા સોશિયલ મીડિયાના ઉપયોગને ઘટાડવા માટે છે. તેનો હેતુ તેમની ઊંઘ અને રોજિંદી જીવનશૈલી પર પડતી નકારાત્મક અસરને ઘટાડવાનો છે. શાળાના સમય દરમિયાન પણ કિશોરોના સોશિયલ મીડિયા ઉપયોગમાં ઘટાડો લાવવા માટે સવારે 8 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી નોટિફિકેશન ડિફોલ્ટ રૂપે મ્યૂટ રાખવાની યોજના છે. જોકે, ડાયરેક્ટ મેસેજ અને સુરક્ષા સંબંધિત મહત્વપૂર્ણ સૂચનાઓ દેખાવાનું ચાલુ રહી શકે છે. આ ઉપરાંત, લાંબા સમય સુધી સતત એપનો ઉપયોગ કરતા યુઝર્સને સમયાંતરે બ્રેક લેવાની યાદ અપાવતી સૂચનાઓ પણ આપવામાં આવી શકે છે.
બાળકોની ઓનલાઈન સુરક્ષા વધારવા માટે ઉંમરની ચકાસણીની પ્રક્રિયા વધુ કડક બનાવવાની વાત છે. પેરેન્ટલ કંટ્રોલને પણ વધુ સરળ અને અસરકારક બનાવવામાં આવી શકે છે, જેથી માતાપિતા પોતાના બાળકોના સોશિયલ મીડિયા ઉપયોગ પર સારી રીતે નજર રાખી શકે. બાળકોને હાનિકારક સામગ્રીથી બચાવવા માટે વધારાના સુરક્ષા પગલાં પણ લેવામાં આવી શકે છે. જાહેર લાઇક કાઉન્ટ અને કેટલાક ખાસ બ્યુટી ફિલ્ટર્સ જેવી સુવિધાઓ પર પણ નિયંત્રણ મૂકવાની ચર્ચા છે, કારણ કે આવી કેટલીક સુવિધાઓ બાળકોના આત્મવિશ્વાસ અને માનસિક સ્વાસ્થ્યને અસર કરી શકે છે.
હવે સવાલ એ છે કે આ નિર્ણયની ભારત પર શું અસર થશે? હાલ અમેરિકામાં થયેલી આ કાનૂની સમજૂતીની ભારતમાં સીધી કાનૂની અસર નહીં થાય. એટલે ભારતમાં તમામ Instagram અને Facebook યુઝર્સ માટે રાત્રે 12 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી એપ્સ બંધ થઈ જશે તેવું માનવું ખોટું છે. ભારતમાં આવા નિયમો લાગુ કરવા માટે અલગ કાયદા, નિયમો અથવા કંપની દ્વારા ભારતીય બજાર માટે અલગ નીતિ બનાવવી પડશે. જોકે, અમેરિકામાં બાળકોની ઓનલાઈન સુરક્ષાને લઈને લેવામાં આવી રહેલા આ પગલાંની અસર દુનિયાભરની ટેક્નોલોજી કંપનીઓ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પડી શકે છે. ભારતમાં પણ બાળકોના ડેટા, ઓનલાઈન ગોપનીયતા અને ડિજિટલ સુરક્ષાને લઈને નિયમો પર સતત ચર્ચા ચાલી રહી છે. તેથી ભવિષ્યમાં ઉંમર ચકાસણી, સ્ક્રીન ટાઈમ લિમિટ અને પેરેન્ટલ કંટ્રોલ જેવા પગલાં ભારતીય યુઝર્સ માટે પણ વધુ મજબૂત થઈ શકે છે.
આ પ્રકારના નિયમોનો મુખ્ય હેતુ બાળકોને સોશિયલ મીડિયાથી સંપૂર્ણપણે દૂર કરવાનો નથી, પરંતુ તેનો સંતુલિત અને સુરક્ષિત ઉપયોગ સુનિશ્ચિત કરવાનો છે. સોશિયલ મીડિયા આજે માહિતી, શિક્ષણ અને મનોરંજનનું મહત્વપૂર્ણ માધ્યમ બની ગયું છે, પરંતુ તેનો વધુ પડતો ઉપયોગ બાળકોની ઊંઘ, અભ્યાસ, માનસિક સ્વાસ્થ્ય અને રોજિંદી જીવનશૈલીને અસર કરી શકે છે. હાલ ભારતીય યુઝર્સ માટે સૌથી મહત્વની વાત એ છે કે રાત્રે 12 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી Facebook અને Instagram સમગ્ર ભારતમાં બંધ થઈ જશે એ હાલ ભારતમાં અમલમાં નહીં આવે. હાલ આ નિયમો અમેરિકામાં બાળકો અને કિશોરોની સુરક્ષા હેતુ લેવામાં આવી રહ્યા છે. જો સમાધાનને કોર્ટની અંતિમ મંજૂરી મળે તો અમેરિકન કિશોરોના સોશિયલ મીડિયા ઉપયોગમાં મોટા ફેરફારો જોવા મળી શકે છે. ભવિષ્યમાં તેની અસર અન્ય દેશોમાં પણ જોવા મળી શકે છે, પરંતુ ભારતમાં આવા નિયમો ક્યારે અને કેવી રીતે લાગુ થશે તે અંગે હાલ કોઈ સ્પષ્ટ નિર્ણય સામે આવ્યો નથી.