રાત્રે રસ્તા પર સામેની ગાડીની હાઈ બીમ લાઈટ આંખોમાં પડતાં થોડા સમય માટે રસ્તો દેખાતો બંધ થઈ જાય છે. આ સમસ્યા ઘટાડવા માટે કેન્દ્ર સરકાર વાહનોની હેડલાઈટ અંગેના નિયમોમાં મોટા ફેરફાર કરવાની તૈયારી કરી રહી છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે હેડલાઈટની તીવ્રતા, રંગ અને હાઈ બીમના ઉપયોગને લઈને નવા નિયમોનો પ્રસ્તાવ મૂક્યો છે. પ્રસ્તાવિત ફેરફારોનો હેતુ રાત્રિના સમયે ચમકતી લાઈટથી થતી તકલીફ ઘટાડીને માર્ગ સલામતી વધારવાનો છે.
હાઈ બીમ કરશો તો વાગશે અલાર્મ
પ્રસ્તાવમાં સૌથી ધ્યાન ખેંચતી બાબત હાઈ બીમને લઈને છે. શહેરોમાં વાહન ચલાવતી વખતે જો ડ્રાઈવર હાઈ બીમનો ઉપયોગ કરે તો વાહનમાં ધ્વનિ ચેતવણી આપતી વ્યવસ્થા રાખવાનો પ્રસ્તાવ છે. મળતી માહિતી પ્રમાણે 60 કિમી પ્રતિ કલાક સુધીની ઝડપે હાઈ બીમ ચાલુ કરવામાં આવે ત્યારે અલાર્મ દ્વારા ડ્રાઈવરને લો બીમ પર આવવાની ચેતવણી મળી શકે છે. જોકે અંતિમ નિયમોમાં આ વ્યવસ્થામાં ફેરફાર થઈ શકે છે. સરકારે આ પ્રસ્તાવ અંગે લોકો અને સંબંધિત પક્ષો પાસેથી 30 દિવસમાં સૂચનો અને વાંધા મંગાવ્યા છે. એટલે હાલ આ નિયમો અંતિમ નથી અને સત્તાવાર મંજૂરી બાદ જ તેનો અમલ થશે.
નવી બાઈકમાં હેડલાઈટ સીધી લો બીમ પર
નવા નિયમોની સૌથી મોટી અસર નવી બાઈકપર પડી શકે છે. નવી બાઈક અને સ્કૂટરમાં આપમેળે ચાલુ થતી હેડલાઈટ માત્ર લો બીમ એટલે કે પસાર થતી લાઈટના મોડમાં રહે તેવી જોગવાઈનો પ્રસ્તાવ છે. જરૂર પડે ત્યારે ચાલક તેને હાઈ બીમ પર કરી શકશે, પરંતુ વાહન સ્ટાર્ટ થતાં જ હેડલાઈટ આપમેળે હાઈ બીમ પર જતી રહે તેવી વ્યવસ્થા નહીં રહે. ખાસ કરીને સામેથી આવતા વાહનચાલકોની આંખોમાં સીધી તેજ લાઈટ ન પડે તે આ નિયમનો મુખ્ય હેતુ છે. આ જોગવાઈ મુખ્યત્વે નવા બે-ચક્રી વાહનો માટે છે; રસ્તા પર પહેલેથી ચાલી રહેલી બાઈક માટે તેને તરત લાગુ કરવાની વાત નથી.
હેડલાઈટની તેજી પણ ઘટાડાશે
સરકાર માત્ર હાઈ બીમના ઉપયોગ પર જ નહીં, પરંતુ હેડલાઈટ કેટલી તેજ હોઈ શકે તેના પર પણ નિયંત્રણ કડક કરવાની તૈયારીમાં છે.
પ્રસ્તાવિત મર્યાદા મુજબ:
- બે-ચક્રી વાહનોમાં મહત્તમ તીવ્રતા 1.5 લાખ કેન્ડેલા પરથી ઘટાડીને 1 લાખ કેન્ડેલા થઈ શકે છે.
- ચાર-ચક્રી વાહનોમાં 2.25 લાખ કેન્ડેલાની મર્યાદા ઘટાડીને 1.5 લાખ કેન્ડેલા કરવાની દરખાસ્ત છે.
- હેડલાઈટના રંગનું મહત્તમ તાપમાન 6,500 કેલ્વિન રાખવાનો પ્રસ્તાવ છે.
વધારે તીવ્ર અને વધુ સફેદ અથવા વાદળી પ્રકાશ સામે આવતા ડ્રાઈવરની આંખોને તકલીફ આપી શકે છે. સરકારનું માનવું છે કે આ મર્યાદા ઘટાડવાથી રાત્રે સામેથી આવતા વાહનો માટે દૃશ્યતા વધુ સારી થઈ શકે છે.
ટ્રક-બસ માટે પણ મોટો ફેરફાર
નવા પ્રસ્તાવમાં માત્ર કાર અને બાઈકને જ ધ્યાનમાં લેવામાં આવ્યા નથી. બસ અને અન્ય ભારે વાહનોમાં પ્રમાણભૂત રિફ્લેક્ટિવ પટ્ટી લગાવવી ફરજિયાત કરવાની પણ દરખાસ્ત છે. રાત્રે અથવા વરસાદ, ધુમ્મસ જેવી ઓછી દૃશ્યતા ધરાવતી સ્થિતિમાં મોટા વાહનો દૂરથી સરળતાથી દેખાય તે માટે આ પટ્ટીઓ મદદરૂપ બનશે. ખાસ કરીને પાછળથી આવતા વાહનોને ટ્રક અથવા બસની હાજરી વહેલી ખબર પડે તેનાથી અકસ્માતનું જોખમ ઘટાડવાનો પ્રયાસ છે.
મંત્રાલયનો ઉદ્દેશ અકસ્માતનું જોખમ ઘટાડવાનો
હાઈ બીમની વધુ પડતી ચમકથી સામેથી આવતા ડ્રાઈવરની દૃષ્ટિ થોડી ક્ષણો માટે પ્રભાવિત થઈ શકે છે. અંધારા રસ્તા અથવા હાઈવે પર આવી સ્થિતિમાં ડ્રાઈવર સામેનો રસ્તો, વળાંક અથવા અન્ય વાહન સમયસર જોઈ ન શકે અને અકસ્માતનું જોખમ વધી શકે છે. હાલના વાહન ધોરણોમાં પણ મુખ્ય અને લો બીમ માટે પ્રકાશની તીવ્રતા અને ગોઠવણી અંગે નિયમો છે. માર્ગ પરિવહન મંત્રાલયના વાહન ધોરણોમાં લો બીમ હેડલાઈટ માટે પ્રકાશ અન્ય માર્ગ વપરાશકર્તાઓને અસુવિધા ન કરે તેવી આવશ્યકતા પણ દર્શાવવામાં આવી છે.
એપ્રિલ 2027થી અમલની તૈયારી
આ નવા નિયમો અંતિમ મંજૂરી અને સત્તાવાર જાહેરનામા બાદ લાગુ થશે. હાલ સરકારનો પ્રસ્તાવ એપ્રિલ 2027થી નવા સલામતી નિયમો અમલમાં લાવવાની દિશામાં છે. જોકે 30 દિવસ દરમિયાન મળનારા સૂચનો બાદ અંતિમ નિયમોમાં ફેરફાર થઈ શકે છે. અટલે હાલમાં જૂના વાહનોના માલિકોએ કોઈ નવા નિયમને કારણે તરત હેડલાઈટ બદલવાની જરૂર નથી. પ્રસ્તાવનો મુખ્ય ભાર નવા વાહનોની રચના અને હેડલાઈટ વ્યવસ્થા પર છે. અંતિમ જાહેરનામું બહાર આવ્યા પછી જ ચોક્કસ રીતે કયા વાહન પર કયો નિયમ લાગુ પડશે તે સ્પષ્ટ થશે.