સુરત શહેરના અડાજણ વિસ્તારમાં એલ.પી. સવાણી રોડ પર આવેલા પાલમોનાસ જ્વેલરી શોરૂમમાં વહેલી સવારે ચોરીની ઘટના સામે આવતા પોલીસ તંત્ર દોડતું થયું છે. બોલિવૂડ અભિનેત્રી શ્રદ્ધા કપૂર સાથે સંકળાયેલી જ્વેલરી બ્રાન્ડના શોરૂમને તસ્કરે નિશાન બનાવ્યો હતો. તસ્કરે શોરૂમનું શટરનું લોક તોડી અંદર પ્રવેશ કરી ડિસ્પ્લેમાં મુકેલા કાચના બોક્સ તોડી કિંમતી દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયો હતો.
વહેલી સવારે શટરનું લોક તોડી તસ્કર શોરૂમમાં ઘૂસ્યો
મળતી માહિતી મુજબ, અડાજણના એલ.પી. સવાણી રોડ નજીક વેલ સિટી બિઝનેસ હબના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા પાલમોનાસનો જ્વેલરી શોરૂમ માં વહેલી સવારે એક અજાણ્યો તસ્કર પહોંચ્યો હતો. તેણે મુખ્ય શટરનું લોક ટેક્નિકલ રીતે ખોલીને શોરૂમમાં પ્રવેશ કર્યો હતો.શોરૂમમાં પ્રવેશ્યા બાદ તસ્કરે ડિસ્પ્લેમાં રાખવામાં આવેલા કાચના બોક્સ તોડી નાખ્યા હતા. ત્યારબાદ તેમાં રાખેલા કિંમતી જ્વેલરીના દાગીના લઈ તસ્કર ફરાર થઈ ગયો હતો. ઘટનાના પગલે શોરૂમ સંચાલકોને મોટું આર્થિક નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે.
CCTVમાં સમગ્ર ઘટનાનો પુરાવો કેદ
ચોરીની સમગ્ર ઘટના શોરૂમમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. CCTV ફૂટેજમાં એક શખ્સ શોરૂમની અંદર પ્રવેશ કરતો સ્પષ્ટપણે જોવા મળે છે. ઘટનાની જાણ થતાં જ અડાજણ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને CCTV ફૂટેજ સહિતના પુરાવાના આધારે તપાસ શરૂ કરી હતી.પોલીસે શોરૂમની આસપાસના વિસ્તારો તેમજ મુખ્ય માર્ગો પર લાગેલા CCTV કેમેરાના ફૂટેજ પણ તપાસવાનું શરૂ કર્યું છે. તસ્કર કઈ દિશામાંથી આવ્યો હતો, ચોરી કર્યા બાદ કઈ દિશામાં ભાગ્યો હતો અને તેની સાથે અન્ય કોઈ સાગરીત હતો કે નહીં તે અંગે તપાસ ચાલી રહી છે.
QR કોડ અને બારકોડવાળી લાઇવ સિસ્ટમ છતાં ચોરી
પાલમોનાસ જ્વેલર્સમાં દાગીનાની સુરક્ષા અને સ્ટોકની ઓળખ માટે QR કોડ તથા બારકોડ સાથેની લાઇવ સિસ્ટમ કાર્યરત હોવાનું જાણવા મળ્યું છે. કંપનીના સોફ્ટવેર અને સ્ટોક ડેટાના આધારે કેટલા રૂપિયા અને કેટલી માત્રામાં જ્વેલરીની ચોરી થઈ છે તેની ચોક્કસ વિગતો મેળવવાની કામગીરી ચાલી રહી છે.જો કે હાલમાં શોરૂમમાંથી અંદાજે રૂ.15 લાખથી રૂ.20 લાખ જેટલી કિંમતના ઘરેણાંની ચોરી થઈ હોવાનું અનુમાન છે. જોકે, કંપની દ્વારા ચોરાયેલા તમામ દાગીનાનો ચોક્કસ હિસાબ જાહેર થયા બાદ જ નુકસાનની સાચી રકમ સ્પષ્ટ થશે.
પોલીસની ત્રણથી વધુ ટીમો તપાસમાં જોડાઈ
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ક્રાઇમ બ્રાન્ચ અને અડાજણ પોલીસ દ્વારા સંયુક્ત રીતે તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે શોરૂમ તેમજ આસપાસના વિસ્તારોના CCTV ફૂટેજ કબજે કરી તપાસ શરૂ કરી છે.તસ્કર ક્યાંથી આવ્યો હતો, તેની સાથે અન્ય કોઈ વ્યક્તિ હાજર હતી કે નહીં, ચોરી કર્યા બાદ તે કઈ દિશામાં ભાગ્યો અને તેને કોઈએ વાહન દ્વારા મદદ કરી હતી કે નહીં તે સહિતના મુદ્દાઓ પર પોલીસ તપાસ કરી રહી છે.પોલીસ દ્વારા આરોપીને ઝડપી પાડવા માટે ત્રણથી વધુ ટીમો બનાવવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ, ચોરીને અંજામ આપ્યા બાદ અંદાજે ચાર જેટલા બુકાનીધારી તસ્કરો રિક્ષામાં બેસીને ફરાર થયા હોવાની માહિતી પણ સામે આવી છે. આ દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે.
દાગીનાની ચોરી બાદ વેપારીઓમાં ચકચાર
અડાજણ જેવા વ્યસ્ત વિસ્તારમાં આવેલા જ્વેલરી શોરૂમમાં વહેલી સવારે થયેલી ચોરીથી આસપાસના વેપારીઓમાં પણ ચકચાર મચી છે. ખાસ કરીને સુરક્ષા વ્યવસ્થા અને CCTV હોવા છતાં તસ્કર શોરૂમમાં ઘૂસી કિંમતી દાગીના ચોરી જવામાં સફળ રહેતા અનેક સવાલો ઉભા થયા છે. હાલ અડાજણ પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમો CCTV ફૂટેજ તથા ટેક્નિકલ પુરાવાના આધારે તસ્કરો સુધી પહોંચવાના પ્રયાસમાં લાગી છે. પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ ચોરાયેલા દાગીનાની ચોક્કસ કિંમત અને આરોપીઓ અંગે વધુ વિગતો સામે આવવાની શક્યતા છે.