સોશિયલ મીડિયા પર સતત ચર્ચામાં રહેતી અને અનેક વિવાદોને કારણે જાણીતી બનેલી સોશિયલ મીડિયા ઈન્ફ્લ્યુએન્સર કીર્તિ પટેલ સામે હવે મોટી ડિજિટલ કાર્યવાહી કરવામાં આવી છે. 1.3 મિલિયનથી વધુ ફોલોઅર્સ ધરાવતા તેના મુખ્ય Instagram એકાઉન્ટ ઉપરાંત તેના અન્ય એકાઉન્ટ્સ પર પણ ભારતમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. લાંબા સમયથી કીર્તિ પટેલ સામે નોંધાયેલા અનેક ગુનાઓ અને સોશિયલ મીડિયાના કથિત દુરુપયોગને ધ્યાનમાં રાખીને આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું માનવામાં આવી રહ્યું છે.
કીર્તિ પટેલ સામે અત્યાર સુધીમાં હત્યાના પ્રયાસ, ખંડણી, ધાકધમકી, બદનક્ષી અને અન્ય ગંભીર આરોપો સહિત 10થી વધુ ગુનાઓ નોંધાયેલા છે. અગાઉ તે જેલમાં પણ રહી ચૂકી છે. છેલ્લા કેટલાક વર્ષોથી સોશિયલ મીડિયા પર તેના વિવાદાસ્પદ વીડિયો અને નિવેદનોને લઈને તે વારંવાર ચર્ચામાં રહી છે. તાજેતરમાં સુરતના પુણા પોલીસ સ્ટેશનમાં પણ કીર્તિ પટેલ સામે વધુ એક ફરિયાદ નોંધાઈ હતી. ભાવનગર જિલ્લાના બોરડા ગામના સરપંચના પતિ અને વેપારી રાજુ ભમ્મરે ફરિયાદમાં આક્ષેપ કર્યો હતો કે કીર્તિ પટેલ અને ભાવનગરની સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલ નયના બારૈયાએ સોશિયલ મીડિયા મારફતે તેમના પરિવારની બદનામી કરી હતી અને ધમકીઓ આપી હતી. આ ફરિયાદના આધારે બંને સામે ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાયો હતો.
આ કેસ બાદ કીર્તિ પટેલ પુણા પોલીસ સ્ટેશન પહોંચી હતી અને પોલીસ સ્ટેશનની બહાર જોરદાર હોબાળો મચાવ્યો હતો. સમગ્ર ઘટનાનો વીડિયો બનાવી તેણે સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો, જે બાદ આ મામલો વધુ ચર્ચામાં આવ્યો હતો. પોલીસ અને વહીવટી તંત્રના સૂત્રોના જણાવ્યા મુજબ, કીર્તિ પટેલ સામે સોશિયલ મીડિયા દ્વારા લોકોને બદનામ કરવા, ધમકી આપવા અને વિવાદ ઉભા કરવાના અનેક કેસો નોંધાયા હતા. આ તમામ ફરિયાદો અને ગુનાની વિગતોના આધારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Metaને સત્તાવાર રીતે રિપોર્ટ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ Metaએ ભારતમાં તેના એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂકવાની કાર્યવાહી કરી હોવાનું માનવામાં આવે છે.
Instagram એકાઉન્ટ પર પ્રતિબંધ લાગ્યા બાદ પણ કીર્તિ પટેલે નવી ID બનાવી અને સોશિયલ મીડિયા પર પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેણે કટાક્ષ કરતાં કહ્યું કે હવે તે પોતાને “ફોરેનર” સમજી રહી છે. તેણે દાવો કર્યો કે તે ભારતીય નાગરિક છે, પરંતુ હાલ એવી સ્થિતિમાં છે કે જાણે તેને ભારતમાંથી બહાર મોકલી દેવામાં આવી હોય. તેણે પોતાના સમર્થકોનો આભાર પણ માન્યો હતો. કીર્તિ પટેલે પોતાના વિરોધીઓ સામે પણ આક્રમક વલણ અપનાવ્યું. તેણે જણાવ્યું કે હવે તે વધુ સક્રિય બનશે અને દિવસ-રાત સોશિયલ મીડિયા પર લાઈવ આવીને પોતાની વાત લોકો સુધી પહોંચાડશે. તેણે કહ્યું કે તેને શાંત રહેવા દેવામાં આવી નથી, તેથી હવે તે સતત પોતાના વિચારો વ્યક્ત કરતી રહેશે.
આ પહેલીવાર નથી જ્યારે કીર્તિ પટેલ કાયદાના સકંજામાં આવી હોય. આશરે આઠ મહિના પહેલા સુરત પોલીસે તેની સામે પાસા (PASA) હેઠળ કાર્યવાહી પણ કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર કીર્તિ પટેલ સામે અગાઉ પણ ખંડણી, ધમકી અને સોશિયલ મીડિયાનો દુરુપયોગ કરીને લોકો પર દબાણ લાવવાના કેસો નોંધાયા હતા. કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એક ખંડણીના કેસમાં તેની ધરપકડ બાદ પોલીસે તેની ગુનાહિત પ્રવૃત્તિઓનો ઇતિહાસ તપાસ્યો હતો. તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે તે વારંવાર સમાન પ્રકારના ગુનાઓમાં સંડોવાઈ રહી હતી. પોલીસના મત અનુસાર તેની પ્રવૃત્તિઓ સમાજની શાંતિ અને કાયદો-વ્યવસ્થા માટે જોખમરૂપ બની રહી હતી.
પાસા કાયદાનો ઉપયોગ એવા આદતી ગુનેગારો સામે કરવામાં આવે છે, જેઓ વારંવાર જામીન પર છૂટ્યા બાદ ફરી ગુનાઓ આચરે છે. સામાન્ય કાયદાકીય કાર્યવાહી પૂરતી ન હોવાને કારણે પોલીસે કીર્તિ પટેલ સામે પણ પાસા હેઠળ કાર્યવાહી કરવાની દરખાસ્ત તૈયાર કરી હતી. હવે Instagram પર ભારતમાં પ્રતિબંધ લાગ્યા બાદ આ સમગ્ર મામલો ફરી ચર્ચામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર પણ લોકોમાં આ મુદ્દે વિવિધ પ્રકારની ચર્ચા ચાલી રહી છે. એક તરફ કેટલાક લોકો આ કાર્યવાહીને યોગ્ય ગણાવી રહ્યા છે, જ્યારે બીજી તરફ કીર્તિ પટેલના સમર્થકો તેનો વિરોધ કરી રહ્યા છે. હાલમાં Meta અથવા સંબંધિત સત્તાવાળાઓ તરફથી આ કાર્યવાહી અંગે વિગતવાર સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી. જોકે કીર્તિ પટેલ સામેના ગુનાઓ અને સોશિયલ મીડિયાના ઉપયોગને લઈને ફરી એકવાર ચર્ચા તેજ બની છે.