ભાવનગર નજીક આવેલા સિદસરના 25 વારિયા વિસ્તારમાંથી સામે આવેલા ગેરકાયદેસર મદ્રેસા કેસમાં હવે તપાસ વધુ તેજ બની છે. રાજ્યની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) અને અન્ય તપાસ એજન્સીઓ સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. આ કેસમાં ધરપકડ કરાયેલા મૌલાના મોહમ્મદ શરીફ હાલ 10 દિવસના પોલીસ રિમાન્ડ પર છે અને તેની સતત પૂછપરછ ચાલી રહી છે. તપાસ દરમિયાન સામે આવી રહેલી વિગતોના આધારે હવે સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સીઓ પણ તપાસમાં જોડાઈ ગઈ છે. તપાસમાં મળતી માહિતીના આધારે SOGની ટીમ મૌલાનાને સાથે રાખીને ભરૂચ પહોંચી છે. તપાસ એ દિશામાં આગળ વધી રહી છે કે ભાવનગર આવતાં પહેલાં મૌલાનાના કોની સાથે સંપર્ક હતા, તે ક્યાં રહેતો હતો અને તેની પ્રવૃત્તિઓ ક્યાં સુધી ફેલાયેલી હતી.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે સિદસરના 25 વારિયા વિસ્તારમાં આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાન નંબર 110, 111 અને 112નો ઉપયોગ ગેરકાયદેસર રીતે મદ્રેસા ચલાવવા માટે કરવામાં આવતો હતો. આ મકાનોના ઉપયોગમાં નિયમોનો ભંગ થયો હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે. દરોડા દરમિયાન પોલીસે મૌલવી મોહમ્મદ શરીફ અબ્બાસભાઈ મરેડિયાની ધરપકડ કરી હતી. તે મૂળ બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના બાદરગઢ ગામનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. તપાસ દરમિયાન તેના કબજામાંથી ઉર્દૂ અને અરેબિક ભાષામાં લખાયેલા અંદાજે 15 પુસ્તકો તેમજ તેની પોતાની લખેલી 60 પાનાની ડાયરી મળી આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર જપ્ત કરાયેલા સાહિત્યની તપાસ દરમિયાન કેટલીક શંકાસ્પદ અને વાંધાજનક બાબતો સામે આવી છે. આ સમગ્ર સાહિત્ય હવે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)માં તપાસ માટે મોકલવામાં આવશે, જેથી તેની વિગતવાર ચકાસણી થઈ શકે. આ આધારે આગળની તપાસનો માર્ગ નક્કી કરવામાં આવશે.
તપાસ દરમિયાન ભરૂચ સાથેનું કનેક્શન પણ સામે આવ્યું છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મૌલાના ભાવનગર આવતાં પહેલાં ભરૂચમાં રહીને અભ્યાસ કરતો હતો. ત્યારબાદ તેને ભાવનગર લાવવામાં આવ્યો હતો. આ કારણસર તેના ભરૂચના સંપર્કો, ત્યાંની પ્રવૃત્તિઓ અને અન્ય વ્યક્તિઓ સાથેના સંબંધોની તપાસ કરવા SOGની ખાસ ટીમ ભરૂચ પહોંચી છે. સ્થાનિક પોલીસ અને SOGની મદદથી સંવેદનશીલ વિસ્તારોમાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ કેસમાં અગાઉ ભાવનગરના બે વ્યક્તિઓની પણ ધરપકડ કરવામાં આવી હતી. યુસુફ આરીફનાઈ મારજ્ઞણી અને અનસ મોહંમદસીદીક લાખાણી પર મૌલાનાને ભાવનગર લાવવા અને તેને નાણાકીય મદદ પૂરી પાડવાનો આરોપ છે. બંનેને કોર્ટમાં રજૂ કર્યા બાદ હાલ જિલ્લા જેલમાં મોકલી આપવામાં આવ્યા છે.
તપાસ એજન્સીઓ હવે ફંડિંગના સ્ત્રોત, નાણાં ક્યાંથી આવતા હતા, કોના મારફતે પહોંચતા હતા અને તેનો ઉપયોગ ક્યાં કરવામાં આવતો હતો તેની પણ વિગતવાર તપાસ કરી રહી છે. સાથે જ મદ્રેસાની કામગીરી સાથે સંકળાયેલા અન્ય લોકોની ભૂમિકાની પણ તપાસ ચાલી રહી છે. પોલીસ દ્વારા સ્થાનિક રહીશો, મદ્રેસામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તેમજ તેમના વાલીઓના નિવેદનો પણ નોંધવામાં આવી રહ્યા છે. તપાસ અધિકારીઓ વિસ્તારના લોકો પાસેથી માહિતી એકત્ર કરી સમગ્ર ઘટનાક્રમને જોડવાનો પ્રયાસ કરી રહ્યા છે. અધિકારીઓનું કહેવું છે કે હાલ તપાસ અનેક દિશામાં આગળ વધી રહી છે. જપ્ત કરાયેલા દસ્તાવેજો, ડાયરી, ઇલેક્ટ્રોનિક પુરાવા અને પૂછપરછમાંથી મળતી માહિતીના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે. તપાસ પૂર્ણ થયા બાદ જ સમગ્ર મામલાની સ્પષ્ટ તસવીર સામે આવશે.