Gujarat

ધોધમાર વરસાદમાં સાપુતારા ઘાટમાર્ગ જોખમી બન્યો, સુરક્ષા દિવાલ તૂટી પડતાં ચિંતા, તાત્કાલિક સમારકામની સ્થાનિકોની માંગ

ડાંગ જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદની અસર હવે સાપુતારા-માલેગામ ઘાટમાર્ગ પર પણ જોવા મળી રહી છે. સાપુતારાથી શામગહાનને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આવેલા એક મહત્વના યુ-ટર્ન પાસે બનાવવામાં આવેલી જેકેટ વોલ ધરાશાયી થઈ જતાં સમગ્ર માર્ગ વાહનચાલકો માટે અત્યંત જોખમી બની ગયો છે. સ્થાનિકો અને વાહનચાલકો તાત્કાલિક સમારકામની માંગ કરી રહ્યા છે. સાપુતારા વિસ્તારમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને કારણે ઘાટમાર્ગના અનેક વિસ્તારોમાં માટી અને પથ્થરો ધસી પડવાની ઘટનાઓ સામે આવી રહી છે. આ દરમિયાન યુ-ટર્ન નજીક આવેલી સુરક્ષા માટેની જેકેટ વોલ અચાનક તૂટી પડતાં માર્ગની સલામતી સામે ગંભીર સવાલો ઊભા થયા છે.

જેકેટ વોલ તૂટી જતાં ઘાટમાર્ગ પર અકસ્માતનો ભય વધી ગયો છે. ખાસ કરીને ઘાટ વિસ્તારમાં ભારે વાહનો પસાર થતાં હોવાથી જો કોઈ વાહનના બ્રેક નિષ્ફળ જાય અથવા ડ્રાઇવરનું નિયંત્રણ ગુમાય તો વાહન સીધું ખીણમાં ખાબકી શકે તેવી સ્થિતિ સર્જાઈ છે. તેથી આ માર્ગ પરથી પસાર થતા વાહનચાલકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, સતત વરસાદ ચાલુ રહે તો માર્ગનું વધુ ધોવાણ થવાની શક્યતા છે. આવી સ્થિતિમાં ઘાટમાર્ગ સંપૂર્ણપણે બંધ કરવાની પણ ફરજ પડી શકે છે. ચોમાસા દરમિયાન આ માર્ગ પર મોટી સંખ્યામાં પ્રવાસીઓ તેમજ સ્થાનિક વાહનોની અવરજવર રહેતી હોવાથી સમયસર કાર્યવાહી જરૂરી બની છે.

સ્થાનિક લોકોનું કહેવું છે કે ચોમાસાની શરૂઆતમાં જ સુરક્ષા દિવાલ તૂટી પડવી એ માર્ગના બાંધકામ અને જાળવણી અંગે પ્રશ્નો ઊભા કરે છે. લોકોનું માનવું છે કે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આવી મહત્વની સુરક્ષા વ્યવસ્થા વરસાદ સામે ટકી ન શકવી ગંભીર બાબત છે. સ્થાનિકો અને વાહનચાલકોએ જિલ્લા વહીવટી તંત્ર અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગને તાત્કાલિક સ્થળ પર અધિકારીઓ અને ટેકનિકલ ટીમ મોકલવાની માંગ કરી છે. જોખમી સ્થળે બેરિકેડ, ચેતવણીના બોર્ડ અને અન્ય સુરક્ષા વ્યવસ્થા ઉભી કરવામાં આવે તેમજ યુદ્ધના ધોરણે જેકેટ વોલનું સમારકામ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. હાલમાં સાપુતારા-માલેગામ ઘાટમાર્ગ પરથી પસાર થતા વાહનચાલકોને ખાસ સાવધાની રાખવાની સલાહ આપવામાં આવી રહી છે. સ્થાનિકોનું કહેવું છે કે જો સમયસર જરૂરી પગલાં નહીં ભરાય તો આગામી દિવસોમાં કોઈ મોટી જાનહાનિ સર્જાઈ શકે છે.

Most Popular

To Top