Gujarat

ગણદેવીમાં પૂર ઓસર્યું, પણ મુશ્કેલીઓ યથાવત, કાદવ-કીચડથી જનજીવન પ્રભાવિત, 13 લોકોએ જીવ ગુમાવ્યો

નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં ચાર દિવસ સુધી ચાલેલા ભારે વરસાદ અને પૂરની સ્થિતિ બાદ હવે પાણી ધીમે-ધીમે ઓસરવા લાગ્યું છે. જોકે, પૂરનું પાણી ઉતરી જતાં લોકોની મુશ્કેલીઓ ઓછી થવાને બદલે વધુ વધી છે. અનેક ગામો અને શહેરોના રહેણાંક વિસ્તારોમાં કાદવ-કીચડ છવાઈ ગયો છે, જેના કારણે જનજીવન હજુ પણ સંપૂર્ણપણે સામાન્ય બન્યું નથી. બીજી તરફ, પૂરની આ દુર્ઘટનામાં તાલુકામાં કુલ 13 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. છેલ્લા કેટલાક દિવસથી ડાંગ જિલ્લાના ઉપરવાસમાં ભારે વરસાદ પડતા અંબિકા, કાવેરી, વેગણિયા અને પનિહારી નદીઓમાં ભારે પૂર આવ્યું હતું. નદીઓના પાણી નીચાણવાળા વિસ્તારોમાં ઘૂસી જતાં ગણદેવી તાલુકાના અનેક ગામો અને રહેણાંક વિસ્તારો જળબંબાકાર બન્યા હતા. હજારો લોકોના ઘરોમાં પાણી ઘૂસી જતાં ઘરવખરી, અનાજ, ફર્નિચર અને અન્ય કિંમતી સામાનને ભારે નુકસાન થયું છે.

શુક્રવારે નદીઓના જળસ્તરમાં ઘટાડો થતાં પૂરનું પાણી ઓસરવા લાગ્યું હતું. પરંતુ પાણી ઉતર્યા બાદ મોટા ભાગના વિસ્તારોમાં કાદવ-કીચડનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. ઘરો, સોસાયટીઓ અને રસ્તાઓ પર કાદવ ભરાઈ જતાં લોકો માટે અવરજવર મુશ્કેલ બની ગઈ છે. ઘણા રસ્તાઓ પર ડામર ધોવાઈ ગયો હોવાથી વાહનચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અમલસાડ-બીલીમોરા માર્ગ પર અંબિકા નદીના પુલ ઉપર પૂર સાથે મોટી માત્રામાં કચરો જમા થઈ ગયો હતો. તંત્રે તાત્કાલિક JCB મશીનોની મદદથી સફાઈ કામગીરી હાથ ધરી માર્ગ ફરી શરૂ કર્યો હતો.

પૂર દરમિયાન NDRF, SDRF તેમજ સ્થાનિક તરવૈયાઓએ સતત બચાવ કામગીરી ચલાવી અનેક લોકોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતા. કાવેરી નદીનો પાળો તૂટતા ખાપરવાડા ગામ તરફ પાણીનો જોરદાર પ્રવાહ ફરી વળ્યો હતો, જેના કારણે વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી અને અનેક પરિવારોને ભારે નુકસાન વેઠવું પડ્યું હતું. બીલીમોરા, ખાડા માર્કેટ, સ્ટેશન રોડ, તોરણગામ, ગણદેવી, દેવધા, ભાઠા, સોનવાડી સહિતના વિસ્તારોમાં રહેણાંક મકાનો, દુકાનો, હોટલો અને અન્ય વેપારી એકમોમાં પાણી ઘૂસી જતાં કરોડો રૂપિયાનું નુકસાન થયું હોવાનું પ્રાથમિક અંદાજ છે. તંત્ર દ્વારા હવે પૂરથી થયેલા નુકસાનનો સર્વે શરૂ કરવામાં આવ્યો છે. અસરગ્રસ્ત પરિવારોને સહાય પહોંચાડવા માટે અધિકારીઓ વિવિધ વિસ્તારોની મુલાકાત લઈ રહ્યા છે અને નુકસાનનું મૂલ્યાંકન કરી રહ્યા છે.

પૂરની આ દુર્ઘટનામાં અનેક લોકોએ જીવ ગુમાવ્યો છે. ઊંડાચ ગામમાં ડાહ્યાભાઈ ભીખાભાઈ, કલ્પેશ ડાહ્યાભાઈ, સુમન રમેશભાઈ, વિજય શશીકાંત અને ઈશ્વરભાઈ છગન પટેલના મૃત્યુ થયા છે. ઉપરાંત ઓરિયા મોરાના રમણભાઈ સોમાભાઈ હળપતિ, તોરણગામની અનિતા કીકુભાઈ રાઠોડ અને કોઠી ફળિયાના ઉમેશ ભૌજૈયાના પણ અપમૃત્યુ નોંધાયા છે. અન્ય મૃતદેહો મળી આવતાં ગણદેવી તાલુકામાં કુલ મૃત્યુઆંક 13 પર પહોંચ્યો હોવાનું જાણવા મળ્યું છે. શુક્રવારે સાંજે ચાર વાગ્યા સુધીના છેલ્લા 24 કલાકમાં ગણદેવી તાલુકામાં 63 મીમી એટલે કે અંદાજે 2.5 ઇંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે સમગ્ર ચોમાસા દરમિયાન તાલુકામાં અત્યાર સુધીમાં કુલ 1,698 મીમી એટલે કે 67.82 ઇંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે.

હાલ પૂરનું પાણી ભલે ઓસર્યું હોય, પરંતુ કાદવ, તૂટેલા રસ્તાઓ, નુકસાન પામેલા મકાનો અને રોજગાર પર પડેલી અસરને કારણે લોકોનું જનજીવન હજુ પણ સામાન્ય બનવામાં સમય લાગશે. અસરગ્રસ્ત લોકો સરકાર પાસેથી ઝડપથી સહાય અને વળતરની અપેક્ષા રાખી રહ્યા છે.

Most Popular

To Top