SURAT

‘ગુનાની દુનિયા છોડી દેજે ભાઈ…’: લાજપોર જેલમાં રાખડી બાંધતાં બહેનોની પોક સાંભળી સૌની આંખો ભીની થઈ, ભાઈને મળતાં બહેનો ચોધાર આંસુએ રડી પડી

પવિત્ર શ્રાવણ માસના રક્ષાબંધન પર્વે ચારેય તરફ ભાઈ-બહેનના પ્રેમ અને લાગણીની ઉજવણી જોવા મળી રહી હતી. સુરતની લાજપોર મધ્યસ્થ જેલમાં પણ આ પર્વે અત્યંત ભાવુક અને હૃદયસ્પર્શી દ્રશ્યો સર્જાયા હતા. સામાન્ય રીતે કડક સુરક્ષા અને ગંભીર વાતાવરણ માટે ઓળખાતી જેલમાં આ દિવસે લાગણીઓનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. પોતાના જેલવાસી ભાઈને રાખડી બાંધવા માટે સોંકડો બહેનો હાથમાં રાખડી, મીઠાઈ અને પૂજાની થાળી લઈને લાજપોર જેલ પહોંચી હતી. લાંબા સમય બાદ પોતાના ભાઈને રૂબરૂ જોવાની આતુરતા સાથે આવેલી બહેનો જ્યારે જેલના સળિયા પાછળ ભાઈઓ સામે પહોંચી, ત્યારે લાગણીઓ રોકી શકી નહોતી.

ભાઈને સામે જોતાં જ અનેક બહેનોની આંખોમાંથી ચોધાર આંસુ વહી નીકળ્યા હતા. એક તરફ ભાઈને ફરી મળવાની ખુશી હતી તો બીજી તરફ ભાઈ જેલમાં હોવાનો દુઃખ પણ તેમની આંખોમાં સ્પષ્ટ દેખાતો હતો. થોડા સમય માટે જેલનું ગંભીર વાતાવરણ પણ ભાઈ-બહેનના પ્રેમ અને લાગણીથી ભરાઈ ગયું હતું. બહેનોએ ધ્રૂજતા હાથે પોતાના ભાઈના કાંડે રક્ષાસૂત્ર બાંધ્યું હતું અને તેમના લાંબા આયુષ્ય તેમજ સુરક્ષા માટે પ્રાર્થના કરી હતી. ત્યારબાદ બહેનોએ ભાઈનું મોં મીઠું કરાવ્યું હતું. આ દરમિયાન બહેનોના આંસુ અને તેમની નિઃસ્વાર્થ લાગણી જોઈને જેલમાં બંધ અનેક ભાઈઓ પણ ભાવુક બની ગયા હતા.

કેટલાક ભાઈઓ પોતાની બહેન સામે આંસુ રોકી શક્યા નહોતા અને રડી પડ્યા હતા. લાંબા સમય બાદ થયેલા આ મિલને ભાઈ-બહેન બંનેને ભાવવિભોર કરી દીધા હતા. જેલના સળિયા વચ્ચે પણ રક્ષાબંધનનો પ્રેમ અને સંબંધની લાગણી વધુ ગાઢ બનતી જોવા મળી હતી. આ ભાવુક મુલાકાત દરમિયાન એક બહેને પોતાના ભાઈ પાસે સૌથી મહત્વનું વચન માંગ્યું હતું. આંસુ ભરેલી આંખે તેણે ભાઈને કહ્યું કે, “હવે ગુનાની દુનિયા છોડી દેજે અને જેલમાંથી બહાર આવીને સાચા માર્ગે ચાલજે.” બહેનના આ શબ્દોમાં પ્રેમ, ચિંતા અને ભાઈના ઉજ્જવળ ભવિષ્યની ઇચ્છા સ્પષ્ટ દેખાતી હતી.

બહેનની આ લાગણીસભર અપીલથી જેલનું વાતાવરણ વધુ ભાવુક બની ગયું હતું. બહેન માટે ભાઈની કાંડે માત્ર રાખડી બાંધવી પૂરતી વાત નહોતી, પરંતુ તે પોતાના ભાઈ પાસેથી જીવન બદલવાનું વચન પણ માંગતી હતી. જેલમાંથી બહાર આવ્યા બાદ ભાઈ ફરી ગુનાની દુનિયામાં ન ફસાય અને સન્માનભર્યું જીવન જીવે, એવી તેની એકમાત્ર ઇચ્છા હતી. રક્ષાબંધન માત્ર એક તહેવાર નહીં પરંતુ ભાઈ-બહેન વચ્ચેના વિશ્વાસ અને સુરક્ષાના સંબંધનું પ્રતીક છે. લાજપોર જેલમાં પણ આ પર્વે આ સંબંધની અલગ જ ઝલક જોવા મળી હતી. એક તરફ બહેનો ભાઈની સુરક્ષા અને સારા ભવિષ્ય માટે પ્રાર્થના કરતી હતી, તો બીજી તરફ ભાઈઓ પણ બહેનના પ્રેમ સામે ભાવુક બની ગયા હતા.

જેલના સળિયા પાછળ સર્જાયેલા આ દ્રશ્યો જોઈને ત્યાં હાજર જેલ સ્ટાફ અને અન્ય લોકો પણ ભાવુક બન્યા હતા. સામાન્ય દિવસોમાં જ્યાં કડક નિયમો અને સુરક્ષાનો માહોલ હોય છે, ત્યાં રક્ષાબંધનના દિવસે પરિવારના પ્રેમ અને લાગણીએ સમગ્ર વાતાવરણને બદલાવી નાખ્યું હતું. બહેનો માટે પોતાના જેલવાસી ભાઈને મળવાની આ તક ખૂબ જ ખાસ હતી. કોઈ બહેન લાંબા સમય બાદ ભાઈને મળી હતી તો કોઈના માટે ભાઈને જેલમાં જોઈને લાગણીઓ સંભાળવી મુશ્કેલ બની હતી. છતાં દરેક બહેનના ચહેરા પર એક જ આશા હતી કે તેમનો ભાઈ એક દિવસ સાચા માર્ગે ચાલીને પરિવાર પાસે પરત ફરે.

રાખડી બાંધતી વખતે બહેનોના આંસુ અને ભાઈઓની ભાવુકતા એ વાતનો સંદેશ આપી ગઈ કે ભૂલો અને ગુનાઓથી જીવનનો અંત નથી થતો. પરિવારનો પ્રેમ અને સાચા માર્ગે આગળ વધવાની ઇચ્છા હોય તો જીવનમાં બદલાવ શક્ય છે. લાજપોર જેલમાં રક્ષાબંધનના આ પવિત્ર પર્વે ભાઈ-બહેનના સંબંધની લાગણીસભર તસવીર સામે આવી હતી. મીઠાઈની મીઠાશ સાથે આંખોમાં આંસુ હતા, મળવાની ખુશી સાથે વિયોગનું દુઃખ હતું અને રાખડીના પવિત્ર દોરા સાથે એક નવી આશા પણ બંધાઈ હતી. “હવે ગુનાની દુનિયા છોડી દેજે અને સાચા માર્ગે ચાલજે…” બહેનના આ શબ્દો માત્ર અપીલ નહોતા, પરંતુ ભાઈના નવા જીવન માટેની પ્રાર્થના હતા. જેલના સળિયા પાછળ ઉજવાયેલું આ રક્ષાબંધન સૌના હૃદયને સ્પર્શી ગયું હતું.

View this post on Instagram

Most Popular

To Top