રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સરસંઘચાલક મોહન ભાગવતે અમેરિકાના ન્યૂયોર્ક સ્થિત પ્રતિષ્ઠિત મેડિસન સ્ક્વેર ગાર્ડનમાં આયોજિત ‘યુનિવર્સલ વનનેસ સેલિબ્રેશન’ કાર્યક્રમમાં માનવતા, એકતા અને વિવિધતાનો સંદેશ આપ્યો હતો. પોતાના સંબોધનમાં તેમણે કહ્યું કે એકતા અને વિવિધતા ભારતના DNAમાં સમાયેલી છે અને ભારતની વિશેષ જવાબદારી છે કે તે આ વિચારને વિશ્વ સમક્ષ પહોંચાડે. તેમના કહેવા મુજબ સમગ્ર માનવજાત મૂળભૂત રીતે એક છે અને વિવિધતા આ એકતાને નબળી નહીં પરંતુ વધુ સમૃદ્ધ બનાવે છે. તેથી અલગ-અલગ સંસ્કૃતિઓ, ભાષાઓ, પરંપરાઓ અને માન્યતાઓનું સન્માન કરવું જરૂરી છે.
મોહન ભાગવતે જણાવ્યું કે ભારતની સંસ્કૃતિમાં ‘વિવિધતામાં એકતા’ માત્ર એક સૂત્ર નથી, પરંતુ જીવન જીવવાની એક પ્રાચીન અને સ્વાભાવિક પદ્ધતિ છે. દુનિયામાં લોકોના પહેરવેશ, ભાષા, ધાર્મિક માન્યતાઓ અને જીવનશૈલી અલગ હોઈ શકે છે, પરંતુ આ તમામ ભિન્નતાઓ વચ્ચે માનવતાનું મૂળ તત્વ એક જ છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે વિવિધતાને સ્વીકારવી, તેનો ઉત્સવ મનાવવો અને તેનું સન્માન કરવું જરૂરી છે, પરંતુ સાથે જ એ પણ યાદ રાખવું જોઈએ કે તમામ વિવિધતાઓને જોડતી એક આંતરિક એકતા છે.માનવીની વિચારશક્તિ અંગે વાત કરતાં RSS પ્રમુખે કહ્યું કે મનુષ્ય પાસે વિચારવાની વિશેષ ક્ષમતા છે, આ જ ક્ષમતા તેને અન્ય જીવો કરતાં અલગ બનાવે છે.જોકે, વ્યક્તિ પોતાની વિચારશક્તિનો ઉપયોગ કઈ દિશામાં કરે છે તે સૌથી મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું કે યોગ્ય દિશામાં વિચાર કરવામાં આવે તો મનુષ્ય ઈશ્વરની નજીક જઈ શકે છે, જ્યારે ખોટી દિશામાં વિચારવાથી તે પશુતાની નજીક પહોંચી શકે છે. આ સંદર્ભમાં તેમણે માનવ જીવનની નૈતિકતા અને જવાબદારી પર ભાર મૂક્યો હતો.
મોહન ભાગવતે સમાજમાં જોવા મળતી બે અલગ પ્રકારની માનસિકતાઓનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમના જણાવ્યા અનુસાર એક વિચારધારા એવી છે કે ‘જીઓ અને જીવવા દો’, જ્યારે બીજી એવી માનસિકતા છે જેમાં વ્યક્તિ માત્ર તેને જ જીવવાનો અધિકાર આપવા માંગે છે જે તેની શરતો અને વિચારોને સ્વીકારે. તેમણે કહ્યું કે જે લોકો માત્ર પોતાની વાત માનનારા લોકોને જ સ્વીકારવાની માનસિકતા ધરાવે છે, તેવી વૃત્તિને ભારતીય પરંપરામાં નકારાત્મક રીતે જોવામાં આવી છે. તેમના સંબોધનનો મુખ્ય સંદેશ એ હતો કે માનવ સમાજમાં સહઅસ્તિત્વ અને પરસ્પર સ્વીકૃતિ અનિવાર્ય છે.માનવીય સંવેદનાના મહત્વને સમજાવતા મોહન ભાગવતે એક ઉદાહરણ આપ્યું હતું. તેમણે કહ્યું કે જો કોઈ વ્યક્તિ ભોજન કરી રહ્યો હોય અને તેની સામે ભૂખ્યો માણસ આશાભરી નજરે ભોજન તરફ જોઈ રહ્યો હોય, તો સામાન્ય માનવી માટે તેને કંઈ આપ્યા વિના શાંતિથી ભોજન કરવું સરળ નથી. આ માનવીની અંદર રહેલી કુદરતી સંવેદના છે. તેમના મતે, બીજાના દુઃખને અનુભવવાની આ ક્ષમતાથી જ વ્યક્તિ વધુ જવાબદાર નાગરિક અને સાચા અર્થમાં માનવી બને છે.તેમણે પોતાના સંબોધનમાં આત્માના વિચારને સમગ્ર માનવજાતને જોડતા તત્વ તરીકે રજૂ કર્યો હતો.
ભાગવતના જણાવ્યા મુજબ શરીર, ભાષા, વસ્ત્રો, માન્યતાઓ અને બાહ્ય ઓળખ અલગ હોઈ શકે છે, પરંતુ દરેક મનુષ્યની અંદર રહેલું મૂળભૂત તત્વ એકબીજાને જોડે છે. તેમણે આ વાતને અલગ- અલગ મોતીને એક દોરામાં જોડવામાં આવે તેવી ઉપમા દ્વારા સમજાવી હતી. મોતી અલગ દેખાતા હોવા છતાં તેમને જોડતો દોરો એક હોય છે; તેવી જ રીતે માનવ સમાજમાં બાહ્ય વિવિધતા હોવા છતાં અંદરથી એકતાનો સંબંધ રહેલો છે.જો કે માનવ જીવન અને શરીરની નશ્વરતા અંગે પણ તેમણે પોતાના વિચારો રજૂ કર્યા હતા. તેમના કહેવા મુજબ મનુષ્યનું શરીર નાશવંત છે, પરંતુ માનવ અસ્તિત્વમાં એક એવું તત્વ છે જેને અલગ-અલગ ધર્મો અને પરંપરાઓ અલગ રીતે સમજાવે છે. કેટલીક ધાર્મિક માન્યતાઓમાં તેને એક વિશિષ્ટ સમય સુધી અસ્તિત્વ ધરાવતું માનવામાં આવે છે, જ્યારે કેટલીક પરંપરાઓમાં જન્મ અને મૃત્યુના અનેક ચક્રો સાથે જોડવામાં આવે છે. ભાગવતે કહ્યું કે શરીરનો અંત નિશ્ચિત છે, પરંતુ મનુષ્યની અંદર રહેલા સ્થાયી તત્વ વિશે વિવિધ આધ્યાત્મિક પરંપરાઓ પોતાના-પોતાના દૃષ્ટિકોણથી વાત કરે છે.તેમણે વધુમાં કહ્યું કે સામાન્ય રીતે આપણે દુનિયામાં વ્યક્તિઓ અને વસ્તુઓને અલગ-અલગ અસ્તિત્વ તરીકે જોઈએ છીએ, પરંતુ વાસ્તવિકતા એ છે કે જીવનમાં દરેક વ્યક્તિ અને દરેક તત્વ કોઈને કોઈ રીતે એકબીજા સાથે જોડાયેલા છે. આ પરસ્પર જોડાણને સમજવાથી જ માનવતા, સહઅસ્તિત્વ અને વૈશ્વિક એકતાની ભાવના વધુ મજબૂત બની શકે છે.
મેડિસન સ્ક્વેર ગાર્ડનમાં આયોજિત આ ‘યુનિવર્સલ વનનેસ સેલિબ્રેશન’ કાર્યક્રમનું આયોજન American Hindus for Engagement and Dialogue (AHEAD) દ્વારા કરવામાં આવ્યું હતું. રક્ષાબંધનના અવસર સાથે જોડાયેલા આ કાર્યક્રમમાં 5,000થી વધુ ભારતીય મૂળના અમેરિકનો હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં ભારતના રાજદૂત તેમજ સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ સહિત અનેક મહાનુભાવો પણ જોડાયા હતા. કાર્યક્રમની શરૂઆત ભારતીય પરંપરાગત લોકકલાની વિવિધ રજૂઆતો સાથે કરવામાં આવી હતી.મોહન ભાગવતના અમેરિકાના આ કાર્યક્રમને RSSના શતાબ્દી વર્ષ નિમિત્તે ચાલી રહેલા વૈશ્વિક સંપર્ક અને આઉટરીચ કાર્યક્રમોના સંદર્ભમાં પણ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.સાથે જ તેઓ ના સંબોધનમાં મુખ્યત્વે એકતા, માનવતા, સંવેદના અને વિવિધતાના સન્માન પર ભાર મૂકવામાં આવ્યો હતો. અગાઉ પણ ન્યૂયોર્કમાં પોતાના સંદેશાઓ દરમિયાન તેમણે માનવતાની એકતા અને અલગ-અલગ માર્ગો હોવા છતાં માનવીય મૂલ્યોના મહત્વની વાત કરી હતી.
મેડિસન સ્ક્વેર ગાર્ડનમાંથી આપેલા પોતાના સંદેશમાં મોહન ભાગવતે મૂળભૂત રીતે એ વાત પર ભાર મૂક્યો કે દુનિયામાં ભિન્નતાઓ હોવા છતાં માનવજાતને જોડતી એક આંતરિક શક્તિ અને માનવીય સંબંધ છે. ભારતની પરંપરાએ સદીઓથી વિવિધ ભાષાઓ, સંસ્કૃતિઓ અને માન્યતાઓ વચ્ચે સહઅસ્તિત્વનો માર્ગ અપનાવ્યો છે અને આ જ વિચારને વિશ્વ સુધી પહોંચાડવાની જરૂર છે. ‘એકતા અને વિવિધતા ભારતના DNAમાં છે’ આ નિવેદન દ્વારા તેમણે ભારતની બહુવિધતા અને માનવ એકતાના વિચારને પોતાના સંબોધનનું કેન્દ્ર બનાવ્યું હતું.