Gujarat

નેપાળ કુદરતી હોનારતમાં ગુજરાતના 23 યાત્રાળુઓ સંપર્કવિહોણા, સુરતના 4 નાગરિકોનો સમાવેશ

નેપાળમાં ભારે વરસાદ બાદ આવેલા અચાનક પૂર અને ભૂસ્ખલનની કુદરતી આફત વચ્ચે કૈલાશ માનસરોવર યાત્રા તેમજ અન્ય પ્રવાસ-ટ્રેકિંગ માટે ગયેલા ગુજરાત મૂળના અનેક નાગરિકો ફસાયા હોવાની ચિંતાજનક વિગતો સામે આવી છે. રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે નોંધાયેલી વિગતો મુજબ ગુજરાત તથા વિદેશમાં સ્થાયી ગુજરાત મૂળના કુલ ૨૩ નાગરિકો હાલ સંપર્કવિહોણા હોવાનું જાણવા મળ્યું છે. નેપાળ-ચીન સરહદે આવેલા રસુવાગઢી-કેરુંગ વિસ્તાર, ભોટે કોશી નદી તથા ફ્રેન્ડશિપ બ્રિજ આસપાસ ભારે પૂર અને ભૂસ્ખલનને પગલે રસ્તાઓ અને સંપર્ક વ્યવસ્થા ખોરવાઈ છે. જોકે, આ દરમિયાન વલસાડના રોમા દિલીપભાઈ ઇંટવાળા અને અમરેલીના ગોમતીદાસ બાપુ (ચૌહાણ કમતાપ્રસાદ) સુરક્ષિત હોવાની માહિતી મળતાં તેમના પરિવારજનોને રાહત થઈ છે. નેપાળ-ચીન સરહદે આવેલા રસુવાગઢી-કેરુંગ વિસ્તાર, ભોટે કોશી નદી અને ફ્રેન્ડશિપ બ્રિજ આસપાસ પૂરના પાણી તથા ભૂસ્ખલનથી ભારે નુકસાન થતાં આ વિસ્તારોમાં સંપર્ક અને અવરજવર ખોરવાઈ છે.

રાજ્ય સરકારના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર ,યાત્રીકોના પરિવારજનો દ્વારા નોંધાવવામાં આવેલી માહિતી અનુસાર, સંપર્કવિહોણા થયેલા મોટાભાગના નાગરિકો કૈલાશ માનસરોવર યાત્રા માટે નેપાળ પહોંચ્યા હતા. કેટલાક યાત્રાળુઓ સાથે ૨૫ અને ૨૬ ઓગસ્ટ બાદથી સંપર્ક થઈ શક્યો નથી, જ્યારે કેટલાકનો છેલ્લો સંપર્ક રસુવાગઢી સરહદ, કેરુંગ માર્ગ, બોર્ડર ઇમિગ્રેશન સેન્ટર અથવા ભોટે કોશી નદી નજીક થયો હોવાનું પરિવારજનોએ જણાવ્યું છે.
અમદાવાદના પાંચ નાગરિક સંપર્કવિહોણા
અમદાવાદના પાંચ નાગરિકો અંગે પરિવારજનો દ્વારા જાણ કરવામાં આવી છે. મણિનગરના કિન્નરી પટેલ અને મિહિર પટેલ, જેઓ ન્યૂઝીલેન્ડના નાગરિક છે, ૨૩ ઓગસ્ટથી કેરુંગ માર્ગે યાત્રા માટે નીકળ્યા બાદ સંપર્કવિહોણા છે. મેમનગરના અશોકભાઈ ધીરજલાલ કાપડીનો છેલ્લો સંપર્ક ૨૫ ઓગસ્ટે ચાઇના બોર્ડર ઇમિગ્રેશન સેન્ટર નજીક થયો હતો. ઉસ્માનપુરાના બીના પી. પારીખનો છેલ્લો સંપર્ક રસુવાગઢી બોર્ડર નજીક હોટેલ કૈલાશથી થયો હતો. જ્યારે પૂનમ દિલીપકુમાર ઠક્કર છેલ્લા ૪૮ કલાકથી સંપર્કવિહોણા હોવાનું જણાવાયું છે.

આણંદના ચાર યાત્રાળુઓની ભાળ નથી
આણંદ જિલ્લાના ચાર નાગરિકો પણ સંપર્કવિહોણા છે. વિદ્યાનગર રોડના બિમલકુમાર પટેલ અને જયમીનાબેન પટેલ કૈલાશ માનસરોવર યાત્રા માટે ૧૬ ઓગસ્ટે નીકળ્યા બાદથી સંપર્કવિહોણા છે. જલુંધ, તા. ખંભાતના પદ્મબેન જગદીશભાઈ પટેલ અને જગદીશભાઈ ઉમેશભાઈ પટેલનો ૨૫ ઓગસ્ટ બાદ કોઈ સંપર્ક થઈ શક્યો નથી. બંને કેનેડાના નાગરિક હોવાનું જણાવાયું છે.

ગાંધીનગરના ચાર નાગરિકો પણ સંપર્ક બહાર
ગાંધીનગર જિલ્લાના ચાર નાગરિકોની પણ ભાળ મળી નથી. મોટેરાના ભાવિનકુમાર આર. રાવલ, જેઓ ઓસ્ટ્રેલિયાના નાગરિક છે, કેરુંગ માર્ગ પરથી સંપર્કવિહોણા થયા છે. જ્યારે અમિતા અમીન, તેજલ પટેલ અને જિતેન્દ્ર પટેલનો બાજમતી, નેપાળ ફ્રેન્ડશિપ બ્રિજ નજીકથી સંપર્ક તૂટ્યો હોવાનું જાણવા મળ્યું છે. ત્રણેય અમેરિકાના નાગરિક હોવાનું જણાવાયું છે.

ખેડાના ચાર નાગરિકો અંગે પણ ચિંતા
ખેડા જિલ્લાના નડિયાદના ઉમેશ ભોગીલાલ પટેલ, આકાંક્ષાબેન ઉમેશ પટેલ અને ઈશાન પટેલનો ૨૫ ઓગસ્ટની સાંજથી સંપર્ક થઈ શક્યો નથી. તેમાંથી કેટલાક કેનેડા અને અમેરિકા સ્થિત નાગરિક હોવાનું જણાવાયું છે. ધર્મજના શિલ્પાબેન પટેલ પણ દિલ્હીથી નેપાળ ગયા બાદ સંપર્કવિહોણા થયા હોવાનું પરિવારજનોએ જણાવ્યું છે.

સુરતના ચાર નાગરિકો સંપર્કવિહોણા
સુરત સાથે સંકળાયેલા ચાર નાગરિકો અંગે પણ ચિંતા ઊભી થઈ છે. પરેશભાઈ નટવરલાલ પટેલ અને જ્યોતિબેન પરેશભાઈ પટેલ, જેઓ ચાંદખેડા-અમદાવાદ મૂળના અને અમેરિકામાં નિવાસી હોવાનું જણાવાયું છે, ૨૬ ઓગસ્ટથી સંપર્કવિહોણા છે. મીનાક્ષીબેન સંજયભાઈ રમણીનો પણ ૨૬ ઓગસ્ટથી સંપર્ક નથી. જ્યારે કામરેજના ભવિકા રામજી, જેઓ સાઉથ આફ્રિકાના નાગરિક છે, કાઠમંડુ-કેરુંગ માર્ગ પરથી સંપર્કવિહોણા થયા હોવાનું જણાવાયું છે.

અમરેલી અને રાજકોટના એક-એક નાગરિકની ભાળ નથી
અમરેલીના દિનેશભાઈ પ્રાગજીભાઈ પટેલ દિલ્હીથી નેપાળ ગયા બાદ સંપર્કવિહોણા થયા છે. તેઓ અમેરિકાના નાગરિક હોવાનું જણાવાયું છે. રાજકોટ મૂળના અને મુંબઈમાં રહેતા જય દિનેશ કોટેચાનો રસુવાગઢી બોર્ડર નજીક ભોટે કોશી નદી વિસ્તારમાંથી સંપર્ક તૂટ્યો હોવાનું જાણવા મળ્યું છે.

બે નાગરિકો અંગે રાહતના સમાચાર
નેપાળની આફત વચ્ચે બે ગુજરાતીઓ અંગે રાહતના સમાચાર પણ મળ્યા છે. વલસાડના રોમા દિલીપભાઈ ઇંટવાળા નેપાળમાં સંપૂર્ણ સુરક્ષિત હોવાનું વલસાડ મામલતદાર દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે. આ ઉપરાંત અમરેલી જિલ્લાના જાફરાબાદના ગોમતીદાસ બાપુ એટલે કે ચૌહાણ કમતાપ્રસાદ નેપાળના જનકપુર સ્થિત આશ્રમમાં સુરક્ષિત હોવાનું તેમના સેવક દ્વારા જણાવાયું છે.

પરિવારજનો સાથે સરકારનું સતત સંકલન
નેપાળમાં ફસાયેલા ગુજરાતીઓ અંગે રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા સંપર્કવિહોણા નાગરિકોના પરિવારજનો સાથે સતત સંકલન કરવામાં આવી રહ્યું છે. સાથે જ ભારતના વિદેશ મંત્રાલય અને નેપાળ સ્થિત ભારતીય દૂતાવાસ સાથે સંપર્ક સાધીને અસરગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા ગુજરાતીઓને શોધી કાઢવા અને સુરક્ષિત રીતે બહાર લાવવા માટે બચાવ કામગીરી અંગે સંકલન કરવામાં આવી રહ્યું છે.
રસુવાગઢી-કેરુંગ સરહદ, ભોટે કોશી નદી અને ફ્રેન્ડશિપ બ્રિજ આસપાસ પૂર અને ભૂસ્ખલનને કારણે રસ્તાઓ તથા સંદેશાવ્યવહારને અસર પહોંચી હોવાથી સંપર્કવિહોણા નાગરિકોની ભાળ મેળવવામાં મુશ્કેલી ઊભી થઈ છે. તેમ છતાં રાજ્ય સરકાર અને સંબંધિત તંત્ર દ્વારા ઉપલબ્ધ તમામ માધ્યમોથી તેમની સુરક્ષિત વાપસી માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.

Most Popular

To Top