World

નેપાળ હાઇડ્રોપાવર પ્રોજેક્ટ ટનલમાં ફસાયા 898 કામદારો, 6 ઇંચનું કાણું કરી હવા પૂરી પાડવામાં આવી

પૂરને કારણે નેપાળમાં હાઇડ્રોપાવર પ્રોજેક્ટ ટનલમાં ફસાયેલા કામદારોને બચાવવા માટે બચાવ કામગીરી તીવ્ર બનાવવામાં આવી છે. આશરે 898 કામદારો ફસાયેલા છે જ્યારે અત્યાર સુધીમાં 361 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. ત્રિશુલી-3 ‘A’ હાઇડ્રોપાવર પ્રોજેક્ટ ટનલમાં બચાવ કામગીરીમાં થોડી સફળતા મળી છે. બચાવકર્તાઓ માટી અને કાંપ સાફ કરવા માટે મશીનરીનો ઉપયોગ કરી રહ્યા છે. ટનલમાં ખોદવામાં આવેલા 6 ઇંચના છિદ્રમાં નાખવામાં આવેલી પાઇપ દ્વારા હવા પૂરી પાડવામાં આવી રહી છે.

આ છિદ્રને મેનહોલમાં મોટું કરવાની તૈયારીઓ હવે ચાલી રહી છે, જેનાથી બચાવ ટીમો ટનલમાં પ્રવેશ કરી શકે અને ફસાયેલા વ્યક્તિઓને શોધી શકે. 26 ઓગસ્ટના રોજ નેપાળની ભોટે કોશી અને ત્રિશુલી નદીઓમાં અચાનક પૂર આવ્યું હતું. આ દુર્ઘટનાને કારણે નેપાળમાં અત્યાર સુધીમાં 752 લોકો મૃત્યુ પામ્યા છે જ્યારે તિબેટમાં મૃત્યુઆંક 16 પર પહોંચી ગયો છે.

ત્રિશશુલી-3 ‘A’ હાઇડ્રોપાવર પ્રોજેક્ટ ટનલમાં બચાવ અભિયાનમાં થોડી સફળતા મળી છે. ટનલના આગળના ભાગમાં ચાર છિદ્રો ખોદી દેવામાં આવ્યા છે. હવે આ છિદ્રોનો ઉપયોગ કરીને ટનલમાં પ્રવેશવા, ફસાયેલા લોકોને શોધવા અને પાણી કાઢવાની પ્રક્રિયા શરૂ કરવા માટે તૈયારીઓ કરવામાં આવી રહી છે.

તિબેટ સરહદ નજીક બનેલા તળાવમાંથી પાણીનો નિકાલ
પૂર પછી નેપાળ-ચીન સરહદ નજીક બનેલા તળાવમાંથી મોટાભાગનું પાણી કુદરતી માર્ગો દ્વારા વહી ગયું છે. ચીનના જળ સંસાધન મંત્રાલયે રવિવારે જણાવ્યું હતું કે નીચેના વિસ્તારોમાં અચાનક મોટા પૂરનું તાત્કાલિક જોખમ ઘટ્યું છે. ગયા બુધવારે આવેલા વિનાશક પૂર પછી આ તળાવ બન્યું હતું. લેંગટાંગ રી પર્વત ક્ષેત્રમાં હિમનદી અને ખડકોનો મોટો ભાગ નદીમાં તૂટી પડ્યો જેના કારણે પ્રવાહ અવરોધાયો અને પાણી એકઠું થયું અને તળાવ બન્યું.

ભારતે નેપાળને 68.5 ટન રાહત સામગ્રી મોકલી
નેપાળે પૂરથી નુકસાન પામેલા રસ્તાઓ અને પુલો પર સંપર્ક પુનઃસ્થાપિત કરવા માટે કુલ 42 બેલી બ્રિજ બનાવવા માટે ભારત અને ચીન પાસેથી મદદની વિનંતી કરી છે. ભારતે અત્યાર સુધીમાં 68.5 ટન રાહત સામગ્રી મોકલી છે. વધુમાં સુરંગોમાં ફસાયેલા લોકોને બચાવવા માટે ટનલ નિષ્ણાતો, ફોરેન્સિક નિષ્ણાતો અને ટેકનિકલ ટીમોને નેપાળ મોકલવામાં આવી છે.

ભારતે ધાબળા, સ્લીપિંગ બેગ, તાડપત્રી અને સ્વચ્છતા કીટ સહિત રાહત પુરવઠો પૂરો પાડ્યો છે. વધુમાં 230 ફૂટ લાંબા બેલી બ્રિજ બનાવવા માટેની સામગ્રી નેપાળ પહોંચાડવામાં આવી છે. ભારત ટૂંક સમયમાં સાત વધુ બેલી બ્રિજ માટે ટેકનિકલ ટીમો અને સામગ્રી મોકલશે.

ગૈરોંગ બંદર પર 23 દેશોના 261 વિદેશી નાગરિકો ગુમ
ચીનના તિબેટ ક્ષેત્રમાં ચીન-નેપાળ સરહદ પર સ્થિત ગૈરોંગ બંદર પર પૂર અને ભૂસ્ખલન બાદ 23 દેશોના 261 વિદેશી નાગરિકો ગુમ થયાના અહેવાલ છે. આમાં 104 નેપાળી, 49 ભારતીય, 33 લાતવિયન, 18 અમેરિકન અને 15 બ્રિટિશ નાગરિકોનો સમાવેશ થાય છે. ચીને સંબંધિત દૂતાવાસોને જાણ કરી છે અને ગુમ થયેલા વ્યક્તિઓના પરિવારોને મદદ કરવા માટે બે ચોવીસ કલાક ચાલુ રહેતી અંગ્રેજી ભાષાની હેલ્પલાઇન શરૂ કરી છે.

Most Popular

To Top