Health

પેકેટ ખોલતા પહેલાં જ ખબર પડશે કેટલું ખાંડ-મીઠું! ખાદ્ય પેકેટ પર ‘હાઇ શુગર’, ‘હાઇ ફેટ’ અને ‘હાઇ સોલ્ટ’ની ચેતવણી ફરજિયાત થશે

પેકેટમાં મળતી ખાણી-પીણીની વસ્તુઓ ખરીદતા લોકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. હવે કોઈ પેકેટેડ ફૂડમાં ખાંડ, ચરબી અથવા મીઠાની માત્રા વધારે હશે તો ગ્રાહકોને પેકેટ ખોલીને પાછળનું ન્યુટ્રિશન ટેબલ વાંચવાની જરૂર નહીં પડે. પેકેટના ઉપરના ભાગે જ સ્પષ્ટ લાલ રંગની ચેતવણી આપવામાં આવશે. આ ચેતવણી દ્વારા ગ્રાહક સરળતાથી જાણી શકશે કે જે વસ્તુ તે ખરીદી રહ્યો છે તેમાં ખાંડ, ચરબી અથવા મીઠું વધુ છે.

કેન્દ્ર સરકાર અને ભારતીય ખાદ્ય સુરક્ષા અને માનક પ્રાધિકરણ એટલે કે FSSAI દ્વારા પેકેટેડ ફૂડના લેબલિંગમાં ફેરફાર કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. આ અંગે FSSAIએ સુપ્રીમ કોર્ટ સમક્ષ છ પાનાનું સોગંદનામું રજૂ કરીને નવા પ્રસ્તાવિત નિયમોની માહિતી આપી છે. આ પ્રસ્તાવનો મુખ્ય હેતુ ગ્રાહકોને ખાદ્ય પદાર્થોમાં રહેલા વધારે ખાંડ, મીઠું અને ચરબી વિશે પેકેટની આગળની બાજુએ જ સરળતાથી માહિતી મળી રહે તે છે.

નવા નિયમ મુજબ જે પેકેટેડ ફૂડમાં નક્કી કરેલા ધોરણ કરતાં વધુ ખાંડ હશે, તેના પર ‘હાઇ શુગર’ની ચેતવણી આપવામાં આવશે. તેવી જ રીતે ચરબીનું પ્રમાણ વધુ હશે તો ‘હાઇ ફેટ’ અને મીઠાનું પ્રમાણ વધુ હશે તો ‘હાઇ સોલ્ટ’ લખીને ચેતવણી આપવામાં આવશે.

આ ચેતવણી લાલ રંગમાં અને ખાસ ષટ્કોણ એટલે કે Hexagon આકારના ચિહ્નમાં દર્શાવવામાં આવશે. આ પ્રકારની ડિઝાઇનનો હેતુ એ છે કે ગ્રાહકને પેકેટ હાથમાં લેતાં જ પ્રોડક્ટમાં કયા પોષક તત્વનું પ્રમાણ વધારે છે તેની જાણ થઈ જાય. હાલમાં મોટાભાગના પેકેટેડ ફૂડમાં પોષક તત્વોની માહિતી પેકેટની પાછળના ભાગે આપવામાં આવે છે. તેમાં કેટલી કેલરી, ખાંડ, ચરબી, મીઠું વગેરે છે તેની માહિતી હોય છે. પરંતુ ઘણા ગ્રાહકો આ માહિતી ધ્યાનથી વાંચતા નથી અથવા ન્યુટ્રિશન ટેબલને સમજવામાં મુશ્કેલી પડે છે. નવા નિયમનો હેતુ આ સમસ્યા દૂર કરવાનો છે.

પ્રસ્તાવિત નિયમ પ્રમાણે પેકેટની આગળની બાજુએ આપવામાં આવનારી ચેતવણીનો ફોન્ટ પણ નક્કી કરવામાં આવશે. આ લાલ ચેતવણીનો ફોન્ટ પેકેટની પાછળ આપવામાં આવેલા ન્યુટ્રિશન ટેબલના ફોન્ટ કરતાં એક પોઇન્ટ મોટો રાખવામાં આવશે. એટલે ગ્રાહકોનું ધ્યાન સીધું જ આ ચેતવણી તરફ જાય અને તેને વાંચવામાં મુશ્કેલી ન પડે.

આ ફેરફારની જરૂરિયાત પાછળ મુખ્ય કારણ પેકેટેડ અને પ્રોસેસ્ડ ફૂડમાં વધતી ખાંડ, મીઠું અને ચરબીનો ઉપયોગ છે. બિસ્કિટ, નમકીન, સ્નેક્સ, તૈયાર ખાદ્ય વસ્તુઓ, મીઠાઈ જેવી અનેક વસ્તુઓમાં આ ઘટકોનું પ્રમાણ વધારે હોઈ શકે છે. તેથી ગ્રાહકને વસ્તુ ખરીદતી વખતે જ તેના પોષક તત્વો અંગે સરળ અને સ્પષ્ટ માહિતી મળે તે જરૂરી માનવામાં આવી રહ્યું છે. નવા નિયમોને એકસાથે લાગુ કરવાને બદલે બે તબક્કામાં અમલમાં મૂકવાની યોજના છે. તેનો હેતુ ખાદ્ય ઉત્પાદકો અને ફૂડ પ્રોસેસિંગ કંપનીઓને પોતાની પ્રોડક્ટની ફોર્મ્યુલા અને પેકેજિંગમાં જરૂરી ફેરફાર કરવા માટે પૂરતો સમય આપવાનો છે.

પ્રથમ તબક્કામાં એવા ખાદ્ય ઉત્પાદનોને આવરી લેવામાં આવશે જેમાં બે કે તેથી વધુ પોષક તત્વોનું પ્રમાણ નક્કી કરેલા ધોરણ કરતાં વધારે હશે. ઉદાહરણ તરીકે કોઈ પેકેટેડ ફૂડમાં ઉમેરવામાં આવેલી ખાંડની સાથે ચરબી અથવા મીઠું પણ વધારે હોય તો તેના પર જરૂરી ચેતવણી દર્શાવવી પડશે. ત્યારબાદ બીજા તબક્કામાં એવા ઉત્પાદનોને પણ નિયમ હેઠળ લાવવામાં આવશે જેમાં માત્ર એક જ પોષક તત્વનું પ્રમાણ નિર્ધારિત મર્યાદા કરતાં વધારે હશે. એટલે કોઈ પ્રોડક્ટમાં માત્ર ખાંડ, માત્ર ચરબી અથવા માત્ર મીઠાનું પ્રમાણ વધારે હશે તો પણ તેના પેકેટ પર સંબંધિત ચેતવણી દર્શાવવાની રહેશે.

આ નિયમનો હેતુ માત્ર કંપનીઓ પર નિયંત્રણ મૂકવાનો નથી, પરંતુ ગ્રાહકોને વધુ જાગૃત કરવાનો પણ છે. કોઈ વ્યક્તિ જો વધુ ખાંડવાળી વસ્તુ ખાવાથી બચવા માગતી હોય તો તેને પેકેટની આગળ જ ‘હાઇ શુગર’ લખેલું જોવા મળશે. તેવી જ રીતે મીઠું અથવા ચરબી વધારે હોય તેવી વસ્તુને પણ સરળતાથી ઓળખી શકાશે. જોકે દરેક ખાદ્ય વસ્તુ પર આવી ચેતવણી લાગુ પડશે નહીં. FSSAIના પ્રસ્તાવ મુજબ સિંગલ-ઇન્ગ્રેડિયન્ટ એટલે કે માત્ર એક જ વસ્તુમાંથી બનેલા કેટલાક ખાદ્ય પદાર્થોને આ ચેતવણીમાંથી મુક્તિ આપવામાં આવશે. ખાસ કરીને એવા પદાર્થો કે જેમાં કુદરતી રીતે જ ચરબી, ખાંડ અથવા મીઠાનું પ્રમાણ વધારે હોય તેમને આ નિયમમાં અલગ રીતે જોવામાં આવશે.

આમાં ઘી, ખાદ્ય તેલ, ગોળ અને મધ જેવા ઉત્પાદનોનો સમાવેશ થઈ શકે છે. એટલે આ વસ્તુઓના પેકેટ પર ‘હાઇ ફેટ’ અથવા ‘હાઇ શુગર’ જેવી ચેતવણી લગાવવાની જરૂર નહીં પડે, કારણ કે તેમાં રહેલું ચરબી અથવા ખાંડનું પ્રમાણ તેમના કુદરતી સ્વરૂપ સાથે જોડાયેલું છે. જોકે તેનો અર્થ એ નથી કે આવા ઉત્પાદનોને ખાદ્ય સુરક્ષાના અન્ય નિયમોમાંથી સંપૂર્ણ મુક્તિ મળી જશે. ઘી, તેલ, ગોળ, મધ સહિત તમામ ખાદ્ય ઉત્પાદનો માટે લેબલિંગ અને ખાદ્ય સુરક્ષાના અન્ય લાગુ નિયમોનું પાલન કરવું પડશે.

આ સમગ્ર ફેરફાર પાછળ ગ્રાહકને વધુ સચોટ અને સરળ માહિતી આપવાનો હેતુ છે. ઘણી વખત ગ્રાહકો પેકેટ પર લખાયેલી જાહેરાત જોઈને પ્રોડક્ટ ખરીદે છે, પરંતુ તેમાં કેટલી ખાંડ, મીઠું કે ચરબી છે તે અંગે પૂરતી માહિતી હોતી નથી અથવા માહિતી પેકેટના પાછળના ભાગે નાની સાઇઝમાં આપવામાં આવેલી હોય છે. જો આગળની બાજુએ જ લાલ રંગની ચેતવણી આપવામાં આવશે તો ગ્રાહક ખરીદી કરતા પહેલાં વધુ સારી રીતે નિર્ણય લઈ શકશે. ખાસ કરીને બાળકો માટે ખાદ્ય વસ્તુઓ ખરીદતા માતા-પિતા માટે પણ આ માહિતી ઉપયોગી બની શકે છે.

આ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી સુનાવણી દરમિયાન આ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે. FSSAI દ્વારા રજૂ કરાયેલા સોગંદનામામાં નવા લેબલિંગ નિયમો અંગેની વિગતો આપવામાં આવી છે. હવે આ પ્રસ્તાવ પર આગળની કાર્યવાહી અને અંતિમ નિર્ણય બાદ સ્પષ્ટ થશે કે નવા નિયમો ક્યારે અને કઈ રીતે અમલમાં આવે છે. જો આ પ્રસ્તાવ અમલમાં આવશે તો પેકેટેડ ફૂડ ખરીદવાની રીતમાં પણ મોટો ફેરફાર જોવા મળી શકે છે. ગ્રાહકને પેકેટની આગળ જ ખબર પડી શકશે કે કોઈ વસ્તુમાં ખાંડ, ચરબી કે મીઠાનું પ્રમાણ વધારે છે. આથી ખરીદી કરતા પહેલાં ગ્રાહક પાસે વધુ સ્પષ્ટ માહિતી હશે અને તે પોતાની જરૂરિયાત તથા સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને નિર્ણય લઈ શકશે.

આ નિયમ લાગુ થયા બાદ ખાદ્ય કંપનીઓએ પણ પોતાના ઉત્પાદનોની રચના, પોષક તત્વોનું પ્રમાણ અને પેકેજિંગ અંગે વધુ સાવચેત રહેવું પડશે. ખાસ કરીને વધુ ખાંડ, મીઠું કે ચરબી ધરાવતી વસ્તુઓ માટે પેકેટ પર સ્પષ્ટ ચેતવણી આપવી પડશે. આ રીતે નવા લેબલિંગ નિયમોનો મુખ્ય હેતુ એ છે કે ગ્રાહકને પેકેટેડ ફૂડ અંગેની મહત્વની માહિતી છુપાયેલી કે નાની વિગતોમાં નહીં, પરંતુ પેકેટની આગળ જ સ્પષ્ટ રીતે મળી રહે. જોકે આ નિયમનો અંતિમ સ્વરૂપ અને અમલની તારીખ સત્તાવાર નિર્ણય બાદ જ સ્પષ્ટ થશે.

Most Popular

To Top