છતાં ‘હોકીના જાદૂગર’ મેજર ધ્યાનચંદ આજે પણ ભારત રત્નથી વંચિત કેમ?
ભારતીય રમતજગતમાં એવા કેટલાક નામ છે, જેમની સિદ્ધિઓ માત્ર રેકોર્ડ પૂરતી સીમિત નથી રહેતી, પરંતુ સમગ્ર દેશની ઓળખ બની જાય છે. ભારતીય હોકીના મહાન ખેલાડી અને ‘હોકીના જાદૂગર’ તરીકે વિશ્વભરમાં જાણીતા મેજર ધ્યાનચંદ પણ આવું જ એક નામ છે. તેમણે પોતાના અસાધારણ રમતકૌશલ્યથી ભારતીય હોકીને વિશ્વના શિખરે પહોંચાડી હતી. 185 આંતરરાષ્ટ્રીય મેચોમાં 570 ગોલ, ભારત માટે સતત ત્રણ ઓલિમ્પિક સુવર્ણચંદ્રક અને દેશના સર્વોચ્ચ રમત સન્માનને તેમનું નામ—આટલી ભવ્ય સિદ્ધિઓ છતાં મેજર ધ્યાનચંદને આજે સુધી દેશનો સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્ન મળ્યો નથી. રાષ્ટ્રીય રમત દિવસના અવસરે ફરી એકવાર આ પ્રશ્ન ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે.
દર વર્ષે 29 ઓગસ્ટે મેજર ધ્યાનચંદની જન્મજયંતિ નિમિત્તે ભારતમાં રાષ્ટ્રીય રમત દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસ માત્ર એક મહાન હોકી ખેલાડીને યાદ કરવાનો દિવસ નથી, પરંતુ ભારતીય રમતજગતમાં તેમના અદ્વિતીય યોગદાનને શ્રદ્ધાંજલિ આપવાનો અવસર પણ છે. મેદાન પર તેમની સ્ટિક અને બોલ પરની અદભૂત પકડને કારણે વિશ્વભરના હોકી પ્રેમીઓ તેમને ‘હોકીના જાદૂગર’ તરીકે ઓળખતા હતા. તેમના રમવાના સમયમાં ભારતીય હોકી વિશ્વમાં અજેય શક્તિ તરીકે ઉભરી આવી હતી.મેજર ધ્યાનચંદની સૌથી મોટી ઉપલબ્ધિઓમાં ભારતને અપાવેલા સતત ત્રણ ઓલિમ્પિક ગોલ્ડ મેડલનો સમાવેશ થાય છે. તેમની આગેવાની અને અસાધારણ રમતના સમયમાં ભારતીય હોકી ટીમે 1928ના એમ્સ્ટર્ડમ ઓલિમ્પિક, 1932ના લોસ એન્જલસ ઓલિમ્પિક અને 1936ના બર્લિન ઓલિમ્પિકમાં સતત ત્રણ સુવર્ણચંદ્રક જીત્યા હતા. આ સિદ્ધિએ ભારતીય હોકીને વૈશ્વિક સ્તરે નવી ઊંચાઈ આપી હતી. ઓલિમ્પિકમાં તેમના ગોલ અને રમતકૌશલ્યે ભારતને રમતની મહાસત્તા તરીકે ઓળખ અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
ધ્યાનચંદનો રેકોર્ડ પણ એટલો જ અદ્ભુત છે. તેમણે 185 મેચોમાં 570 ગોલ ફટકાર્યા હોવાનું તેમના રેકોર્ડ સાથે જોડાયેલી વિગતોમાં જણાવવામાં આવે છે. માત્ર ગોલની સંખ્યા જ નહીં, પરંતુ જે રીતે તેઓ વિરોધી ટીમના ડિફેન્સને ચીરતા આગળ વધતા અને બોલને પોતાના નિયંત્રણમાં રાખતા, તે તેમની ખાસ ઓળખ હતી. તેમની ડ્રિબ્લિંગ અને બોલ કંટ્રોલની ચર્ચા સમગ્ર વિશ્વમાં થતી હતી. ભારતીય હોકીના સુવર્ણ યુગની વાત આવે ત્યારે ધ્યાનચંદનું નામ સૌથી આગળ આવે છે. દેશે તેમની સ્મૃતિ અને યોગદાનને અનેક રીતે સન્માન આપ્યું છે. ભારતનો સર્વોચ્ચ રમત સન્માન આજે મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર તરીકે ઓળખાય છે. વર્ષ 2021માં કેન્દ્ર સરકારે રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કારનું નામ બદલીને મેજર ધ્યાનચંદના નામ સાથે જોડ્યું હતું. આ નિર્ણયને તેમના ભારતીય રમતજગત પ્રત્યેના અસાધારણ યોગદાનની માન્યતા તરીકે જોવામાં આવ્યો હતો. પરંતુ ત્યારથી એક સવાલ વધુ મજબૂત બન્યો,જો દેશનો સૌથી મોટો રમત પુરસ્કાર તેમના નામે હોઈ શકે, તો તેમને દેશનો સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્ન કેમ નથી મળ્યો?
મેજર ધ્યાનચંદને ભારત રત્ન આપવાની માંગ કોઈ નવી નથી. વર્ષોથી ખેલાડીઓ, હોકીના દિગ્ગજો, રાજકારણીઓ અને રમતપ્રેમીઓ આ માંગ ઉઠાવતા આવ્યા છે. આ મુદ્દે દિલ્હીના જંતર-મંતર ખાતે અભિયાન પણ ચલાવવામાં આવ્યું હતું અને સંસદમાં પણ પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હતો. હોકી સાથે જોડાયેલા અનેક લોકો દ્વારા સરકાર સમક્ષ ધ્યાનચંદના નામની ભલામણ કરવામાં આવી હતી. અહેવાલ મુજબ, 100થી વધુ સાંસદોના હસ્તાક્ષર સાથેનું આવેદનપત્ર પણ સરકારને આપવામાં આવ્યું હતું.ભારત રત્ન પુરસ્કારની શરૂઆત વર્ષ 1954માં થઈ હતી. શરૂઆતમાં આ સન્માનનો વ્યાપ કલા, સાહિત્ય, વિજ્ઞાન અને જાહેર સેવા જેવા ક્ષેત્રો સુધી મર્યાદિત હતો. પરંતુ ડિસેમ્બર 2011માં નિયમોમાં ફેરફાર કરીને ‘માનવ પ્રયત્નના કોઈપણ ક્ષેત્ર’ને આ સન્માન માટે પાત્ર બનાવવામાં આવ્યું. આ બદલાવ બાદ રમતજગતના મહાનુભાવોને પણ ભારત રત્ન મળવાનો માર્ગ ખુલ્યો. ત્યારબાદ ધ્યાનચંદના નામની ભલામણ પણ કરવામાં આવી હતી, પરંતુ તેમ છતાં તેમના નામે અંતિમ નિર્ણય આવ્યો નહીં.
વર્ષ 2013માં ક્રિકેટના દિગ્ગજ સચિન તેંડુલકરને ભારત રત્ન આપવામાં આવ્યો હતો અને તેઓ રમતજગતમાંથી આ સન્માન મેળવનારા પ્રથમ ખેલાડી બન્યા. આ ઘટનાએ ધ્યાનચંદને ભારત રત્ન આપવાની ચર્ચાને વધુ મજબૂત બનાવી હતી. તેમના સમર્થકોનો સવાલ રહ્યો છે કે જો રમતક્ષેત્રની સિદ્ધિઓ માટે ભારત રત્ન આપી શકાય છે, તો ભારતીય હોકીને વૈશ્વિક શિખર પર પહોંચાડનાર ધ્યાનચંદને આ સન્માનથી કેમ દૂર રાખવામાં આવ્યા છે?હોકી ઇન્ડિયાના વર્તમાન અધ્યક્ષ અને ત્રણ વખતના ઓલિમ્પિયન દિલીપ તિર્કી પણ લાંબા સમયથી આ માંગ સાથે જોડાયેલા રહ્યા છે. તેમણે વર્ષ 2016માં જંતર-મંતર ખાતે ધ્યાનચંદને ભારત રત્ન આપવાની માંગને લઈને અભિયાન ચલાવ્યું હતું. બાદમાં રાજ્યસભામાં પણ આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. અનેક પૂર્વ ઓલિમ્પિયનોએ પણ આ અભિયાનને સમર્થન આપ્યું હતું.
મેજર ધ્યાનચંદના પુત્ર અશોક ધ્યાનચંદ, જેઓ પોતે પણ 1975ની વર્લ્ડ કપ વિજેતા ભારતીય હોકી ટીમનો ભાગ રહ્યા હતા, તેમણે પોતાના પિતાના સ્વભાવ અંગે કહ્યું હતું કે ધ્યાનચંદે ક્યારેય કોઈ પુરસ્કાર કે વ્યક્તિગત લાભ માટે પોતે પ્રયાસ કર્યો નહોતો. તેમનું માનવું હતું કે તેમણે દેશ માટે જે કર્યું છે, તેનું મૂલ્યાંકન અને સન્માન કરવાનો નિર્ણય સરકારનો હોવો જોઈએ. આ જ કારણ છે કે તેમના પરિવાર અને સમર્થકો માટે ભારત રત્નની માંગ માત્ર એક પુરસ્કારની માંગ નહીં, પરંતુ એક મહાન રમતવીરની ઐતિહાસિક વિરાસતને સર્વોચ્ચ ઔપચારિક માન્યતા આપવાનો મુદ્દો બની ગઈ છે.મેજર ધ્યાનચંદને ભારત રત્ન મળ્યો કે નહીં, તેનાથી તેમની મહાનતા ઓછી થવાની નથી. ત્રણ ઓલિમ્પિક ગોલ્ડ, 185 મેચમાં 570 ગોલ અને ભારતીય હોકીને વિશ્વના શિખર સુધી પહોંચાડવાની તેમની વિરાસત કોઈપણ પુરસ્કારથી ઘણી મોટી છે. તેમ છતાં દર વર્ષે 29 ઓગસ્ટે જ્યારે દેશ રાષ્ટ્રીય રમત દિવસ ઉજવે છે, ત્યારે એક પ્રશ્ન ફરી સામે આવે છે જે વ્યક્તિના જન્મદિવસે દેશ રમત દિવસ ઉજવે છે અને જેના નામે દેશનો સર્વોચ્ચ રમત પુરસ્કાર આપવામાં આવે છે, શું ‘હોકીના જાદૂગર’ મેજર ધ્યાનચંદને ક્યારેય ભારત રત્નથી સન્માનિત કરવામાં આવશે?