Sports

વર્લ્ડ કપ જીતાડ્યા બાદ જ ટીમમાંથી બહાર,સૂર્યકુમાર યાદવે પહેલીવાર ખોલ્યું દિલ

કહ્યું- ‘હું વિચારતો હતો, આવું કેવી રીતે થઈ શકે?’

ભારતીય ક્રિકેટ ટીમને ટી-20 વર્લ્ડ કપનો ખિતાબ જીતાડનાર કેપ્ટન સૂર્યકુમાર યાદવને ટૂર્નામેન્ટ બાદ જ ટીમમાંથી બહાર કરવામાં આવ્યા બાદ ક્રિકેટ જગતમાં ભારે ચર્ચા શરૂ થઈ હતી. હવે સૂર્યકુમાર યાદવે આ સમગ્ર ઘટનાક્રમ પર પહેલીવાર ખુલ્લેઆમ પોતાની લાગણીઓ વ્યક્ત કરી છે. તેમણે સ્વીકાર્યું કે શરૂઆતમાં તેમણે પસંદગીકારોના નિર્ણયને શાંતિથી સ્વીકારવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સમય પસાર થતાં તેમના મનમાં એક જ સવાલ સતત ઊભો થતો રહ્યો હતો કે, ‘આવું કેવી રીતે થઈ શકે? આપણે હમણાં જ વર્લ્ડ કપ જીત્યા છીએ.’


સૂર્યકુમાર યાદવ જુલાઈ 2024થી ભારતીય ટી-20 ટીમની કમાન સંભાળી રહ્યા હતા. તેમના નેતૃત્વ દરમિયાન ભારતીય ટીમે કોઈ ટી-20 સિરીઝ હારી નહોતી. તેમની કેપ્ટન્સીમાં ભારતે એશિયા કપ અને ટી-20 વર્લ્ડ કપ જેવી મોટી ટ્રોફીઓ પણ પોતાના નામે કરી હતી. તેમ છતાં, 2026માં પસંદગીકારોએ આગળની યોજનાઓને ધ્યાનમાં રાખીને ટીમમાં મોટો ફેરફાર કરવાનો નિર્ણય લીધો અને ઇંગ્લેન્ડ તથા આયર્લેન્ડ સામેની ટી-20 સિરીઝ માટે સૂર્યકુમારને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું નહીં. તેમની જગ્યાએ શ્રેયસ અય્યરને ટીમનો નવો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો.


પૂર્વ ભારતીય ક્રિકેટર આકાશ ચોપરા સાથેની વાતચીતમાં સૂર્યકુમારે જણાવ્યું કે જ્યારે ટીમની જાહેરાત થઈ અને તેમાં પોતાનું નામ ન હોવાનું જાણવા મળ્યું ત્યારે તેમની પહેલી પ્રતિક્રિયા આશ્ચર્યજનક રીતે સ્મિત કરવાની હતી. તેમણે કહ્યું કે છેલ્લા એક-બે વર્ષ દરમિયાન જ્યારે પણ મુશ્કેલ પરિસ્થિતિ આવી હોય, દબાણ વધ્યું હોય અથવા બાબતો તેમની ઇચ્છા મુજબ ન ચાલી હોય, ત્યારે તેમણે હંમેશા સ્મિત સાથે પોતાને શાંત રાખવાનો પ્રયાસ કર્યો છે. મળેલી તકો માટે આભારી રહેવું અને પરિસ્થિતિનો સામનો શાંતિથી કરવો તેમની માનસિકતાનો ભાગ રહ્યો છે.


સૂર્યકુમારે સ્વીકાર્યું કે વર્ષ 2026ની શરૂઆતમાં તેમને બિલકુલ કલ્પના નહોતી કે આવી સ્થિતિ સર્જાશે. તેમના મનમાં આગામી બે વર્ષ માટે ભારતીય ટીમને આગળ લઈ જવાની યોજના હતી. તેમણે ભવિષ્યના મોટા પડકારો વિશે વિચાર્યું હતું, જેમાં ઓલિમ્પિક્સ અને આગામી ટી-20 વર્લ્ડ કપ જેવા મહત્વપૂર્ણ ટુર્નામેન્ટો પણ સામેલ હતા. તેમને લાગતું હતું કે વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ સાથે તેમનો સફર વધુ લાંબો રહેશે.સૂર્યકુમારે જણાવ્યું કે દરેક વ્યક્તિની વિચારવાની રીત અલગ હોય છે. તેમના મતે, તેઓ એક દિશામાં વિચારી રહ્યા હતા, જ્યારે પસંદગીકારો કદાચ ભારતીય ટીમના ભવિષ્યને લઈને બીજી રીતે વિચારતા હતા. જો પસંદગીકારોને લાગ્યું હોય કે આગળ વધવા માટે અન્ય કોઈ નિર્ણય વધુ યોગ્ય છે, તો તેમણે તે નિર્ણય લીધો. આ નિર્ણય સામે તેમણે તાત્કાલિક કોઈ પ્રતિક્રિયા આપી નહોતી અને પસંદગીકારોના અધિકારનો આદર કર્યો હતો.


શ્રેયસ અય્યરને પોતાની જગ્યાએ કેપ્ટન બનાવવાના મુદ્દે પણ સૂર્યકુમારે કોઈ નારાજગી વ્યક્ત કરી નહોતી. તેમણે સ્પષ્ટ કર્યું કે શ્રેયસને તેઓ લાંબા સમયથી ઓળખે છે. શ્રેયસ એક સારા ખેલાડી હોવાની સાથે સારા માણસ અને સારા કેપ્ટન પણ છે, તેથી તેમના મનમાં એવો સવાલ નહોતો કે શ્રેયસને કેપ્ટન શા માટે બનાવવામાં આવ્યો. પરંતુ તેમ છતાં, પોતાને ટીમમાંથી બહાર કરવામાં આવ્યા બાદ અંદરથી નિરાશા થવી સ્વાભાવિક હતી.સૂર્યકુમારના મનમાં સૌથી મોટો પ્રશ્ન ટીમના સફળ રેકોર્ડને લઈને હતો. તેમણે વિચાર્યું કે બે વર્ષના સમયગાળામાં ટીમે એક પણ ટી-20 સિરીઝ હારી નથી, એશિયા કપ જીત્યો છે અને ત્યારબાદ ટી-20 વર્લ્ડ કપ પણ જીત્યો છે, તો પછી જ્યારે બધું સારું ચાલી રહ્યું હતું ત્યારે ફેરફાર કરવાની જરૂર શા માટે પડી? આ જ પ્રશ્ન તેમના મનમાં સતત ચાલતો રહ્યો હતો.


તેમણે જણાવ્યું કે શરૂઆતમાં તેઓ પસંદગીકારોના નિર્ણયને સમજવાનો પ્રયાસ કરતા રહ્યા, પરંતુ પછી આ ઘટના તેમને સતત વિચારવા મજબૂર કરતી રહી. ટીમમાંથી બહાર થયા બાદ તેઓ અંદાજે દોઢ મહિના સુધી ઘરે રહ્યા હતા અને આ સમય દરમિયાન તેમના મનમાં વારંવાર એક જ વિચાર આવતો હતો કે, ‘આ કેવી રીતે શક્ય છે? આપણે તો હમણાં જ વર્લ્ડ કપ જીત્યો છે.’સૂર્યકુમારે એ પણ સ્વીકાર્યું કે આ સમય દરમિયાન તેમનું IPL પ્રદર્શન તેમની અપેક્ષા મુજબ રહ્યું નહોતું. તેઓ જાણતા હતા કે વ્યક્તિગત ફોર્મ પણ પસંદગીમાં મહત્વની ભૂમિકા ભજવે છે. તેમ છતાં, ટીમ તરીકે ભારતની સફળતા અને કેપ્ટન તરીકેનો પોતાનો રેકોર્ડ જોતા તેમને આ નિર્ણય સ્વીકારવામાં અંદરથી મુશ્કેલી અનુભવાઈ હતી.


તેમણે પોતાના ઘરે પસાર કરેલા સમય વિશે પણ ભાવુક રીતે વાત કરી હતી. સૂર્યકુમારના જણાવ્યા મુજબ, જ્યારે મિત્રો અને પરિવારજનો ઘરે આવતા ત્યારે તેઓ તેમને સમજાવતા કે જીવનમાં આવી પરિસ્થિતિઓ આવતી રહે છે અને આ બધું જીવનનો એક ભાગ છે. પરંતુ જ્યારે મિત્રો અને પરિવારજનો પોતાના ઘરે જતા રહે અને વ્યક્તિ એકલો રહે, ત્યારે વિચારો વધુ ઘેરા બનતા હોય છે. એ એકાંતના સમયમાં જ તેમને પોતાના ભવિષ્ય અને ટીમમાંથી બહાર થવાના નિર્ણય વિશે વધુ વિચારવાનું થયું હતું.આ સમગ્ર ઘટનાક્રમમાં એક મહત્વની વાત એ પણ સામે આવી કે સૂર્યકુમારને ટીમની સત્તાવાર જાહેરાત પહેલાં જ આ નિર્ણયની જાણ કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું કે ટીમ જાહેર થવાના અંદાજે બે-ત્રણ દિવસ પહેલાં પસંદગી સમિતિએ તેમને ફોન કર્યો હતો. તેમને સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું હતું કે હવે આગળ વધવાનો સમય આવી ગયો છે અને આગામી ઇંગ્લેન્ડ સિરીઝ માટે જાહેર થનારી ટીમમાં તેમનું નામ નહીં હોય.


સૂર્યકુમારે આ ફોનકોલ દરમિયાન પણ કોઈ વિવાદ કે નારાજગી વ્યક્ત કરી નહોતી. તેમનું માનવું હતું કે આ નિર્ણય તેમનો નહોતો અને જે લોકોએ નિર્ણય લીધો હશે તેમણે ભારતીય ટીમના હિતને ધ્યાનમાં રાખીને લીધો હશે. તેમણે પસંદગીકારોને એ રીતે જવાબ આપ્યો કે નિર્ણય લેવામાં આવ્યો છે અને તેની જાણ તેમને કરવામાં આવી છે, તેથી તેમને વ્યક્તિગત રીતે કોઈ ફરિયાદ નથી.પરંતુ વિશ્વ કપ જીતાડનાર કેપ્ટન તરીકે ટીમમાંથી બહાર થવું ચોક્કસપણે તેમના માટે સરળ ઘટના નહોતી. એક તરફ પસંદગીકારો માટે સૂર્યકુમારની વ્યક્તિગત બેટિંગ ફોર્મ અને આગામી બે વર્ષના ચક્રને ધ્યાનમાં રાખીને નવી ટીમ તૈયાર કરવાની વિચારસરણી હતી, જ્યારે બીજી તરફ સૂર્યકુમારના નેતૃત્વ હેઠળ ભારતીય ટી-20 ટીમનો રેકોર્ડ અત્યંત સફળ રહ્યો હતો. આ જ વિરોધાભાસે ક્રિકેટપ્રેમીઓ વચ્ચે પણ મોટો સવાલ ઊભો કર્યો હતો કે જે કેપ્ટને ટીમને સતત સફળતા અપાવી, તેને સફળતાના સમયગાળામાં જ ટીમથી દૂર કરવાનો નિર્ણય શા માટે લેવાયો?


પસંદગીકારોએ અગાઉ પણ સંકેત આપ્યો હતો કે સૂર્યકુમારને બહાર કરવાનો નિર્ણય સરળ નહોતો. તેમની વર્તમાન ફોર્મ અને આગામી બે વર્ષના ટીમ ચક્રને ધ્યાનમાં રાખીને આગળ વધવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જણાવાયું હતું. શ્રેયસ અય્યરને ટીમનું નેતૃત્વ સોંપીને નવી દિશામાં આગળ વધવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.હવે સૂર્યકુમાર યાદવે પોતાના મૌન બાદ જે રીતે દિલની વાત કરી છે, તેનાથી સ્પષ્ટ થાય છે કે બહારથી શાંત દેખાતા આ સ્ટાર ક્રિકેટરને આ નિર્ણયે અંદરથી ચોક્કસ અસર કરી હતી. તેમણે નિર્ણયનો વિરોધ કર્યો નહીં, નવા કેપ્ટન પર સવાલ ઊભા કર્યા નહીં અને પસંદગીકારો સામે નારાજગી પણ વ્યક્ત કરી નહીં. છતાં તેમના મનમાં સતત એક જ સવાલ ગુંજતો રહ્યો,જ્યારે આપણે હમણાં જ વર્લ્ડ કપ જીત્યા છીએ, જ્યારે બે વર્ષમાં એક પણ સિરીઝ હારી નથી, ત્યારે આવું કેવી રીતે થઈ શકે?’


સૂર્યકુમારનું આ નિવેદન ભારતીય ક્રિકેટના એક મોટા અને ચર્ચાસ્પદ નિર્ણયની માનવીય બાજુ પણ રજૂ કરે છે. ક્રિકેટમાં સફળતા છતાં સ્થાન કાયમી નથી અને પસંદગીકારો ભવિષ્યની યોજનાઓને ધ્યાનમાં રાખીને ક્યારેક અણધાર્યા નિર્ણયો લેતા હોય છે. હવે સૌની નજર એ વાત પર રહેશે કે સૂર્યકુમાર યાદવ પોતાની બેટિંગ ફોર્મમાં ફરીથી ચમક લાવીને ભારતીય ટીમમાં વાપસી કરે છે કે નહીં. તેમના અનુભવ, ટી-20 ક્રિકેટમાં ક્ષમતા અને અગાઉના સફળ રેકોર્ડને જોતા તેમની આંતરરાષ્ટ્રીય વાપસીની શક્યતા અંગે ક્રિકેટ જગતમાં ચર્ચા હજુ પણ ચાલુ છે.

Most Popular

To Top