આજે દુનિયાના અનેક વિસ્તારો યુદ્ધની આગમાં સળગી રહ્યા છે. ગાઝામાં વિનાશના દૃશ્યો, યરુશલેમમાં તણાવ, યુક્રેનમાં વરસતી મિસાઇલો અને વિશ્વના અલગ-અલગ ભાગોમાં ચાલી રહેલા સંઘર્ષો માનવજાતને ફરી એક વખત યુદ્ધની ભયાનકતા યાદ અપાવી રહ્યા છે. પરંતુ ઇતિહાસના પાનાં ફેરવીએ તો ખબર પડે છે કે યુદ્ધ અને વિનાશની આ કહાની નવી નથી. યુરોપના મધ્યભાગમાં આવેલું એક એવું શહેર છે, જેણે 115થી વધુ યુદ્ધોનો સામનો કર્યો છે અને ઇતિહાસમાં 44 વખત તબાહ થવું પડ્યું છે. છતાં દરેક વખતના વિનાશ બાદ આ શહેર ફરી ઊભું થયું. આ અદ્ભુત શહેર છે સર્બિયાની રાજધાની બેલગ્રેડ.
બેલગ્રેડની કહાની માત્ર યુદ્ધો અને વિનાશની નથી, પરંતુ ફરીથી ઊભા થવાની અદમ્ય શક્તિની પણ છે. ઇતિહાસે આ શહેરને વારંવાર મિટાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ દરેક વખત બેલગ્રેડ પોતાની રાખમાંથી ફરી જન્મેલા ફિનિક્સ પક્ષીની જેમ ઊભું થયું. કદાચ આ જ કારણ છે કે આજે બેલગ્રેડ માત્ર જીવતું શહેર નથી, પરંતુ દક્ષિણ-પૂર્વ યુરોપના સૌથી જીવંત અને આધુનિક શહેરોમાં સ્થાન ધરાવે છે. બેલગ્રેડ સર્બિયાની રાજધાની છે અને તે બે મહત્ત્વપૂર્ણ નદીઓ, સાવા અને ડેન્યુબના સંગમ પર વસેલું છે. આ ભૌગોલિક સ્થિતિ જ તેની સૌથી મોટી તાકાત પણ બની અને સૌથી મોટું દુર્ભાગ્ય પણ. પૂર્વ અને પશ્ચિમ વચ્ચેના માર્ગ પર આવેલા આ શહેર પર સદીઓ સુધી વિવિધ સામ્રાજ્યોની નજર રહી. યુરોપ અને એશિયા તરફ જતાં વ્યૂહાત્મક માર્ગો સાથે જોડાયેલા હોવાથી બેલગ્રેડ પર કબજો મેળવવો અનેક શક્તિશાળી સામ્રાજ્યો માટે મહત્ત્વનો માનવામાં આવતો હતો.
સ્થાનિક ભાષામાં બેલગ્રેડને ‘બેઓગ્રાદ’, એટલે કે ‘સફેદ શહેર’ તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ તેનું ઇતિહાસ સફેદ રંગ કરતાં વધુ યુદ્ધના લોહિયાળ રંગોથી ભરેલું રહ્યું છે. માનવ વસાહતના હજારો વર્ષ જૂના પુરાવાઓ ધરાવતા આ વિસ્તારમાં પ્રાચીન સમયથી લોકો વસતા આવ્યા છે. લગભગ 10 હજાર વર્ષ જૂની માનવ સંસ્કૃતિના અવશેષો સાથે જોડાયેલા આ પ્રદેશે અનેક સંસ્કૃતિઓ, શાસકો અને સામ્રાજ્યોનો ઉદય અને પતન જોયો છે.ઈસવીસન પૂર્વે ચોથી સદીમાં સેલ્ટિક લોકો દ્વારા અહીં વસાહત સ્થાપવામાં આવી હોવાનું માનવામાં આવે છે. બાદમાં રોમનોએ આ શહેર પર કબજો કર્યો અને તેને સિંગિડુનમ નામ આપ્યું. ત્યારથી બેલગ્રેડ પર કબજો મેળવવાની હોડ શરૂ થઈ અને સદીઓ સુધી આ શહેર વિવિધ શાસકોના હાથમાં જતું રહ્યું.
પાંચમી સદીમાં હુણોના શક્તિશાળી શાસક અટિલાએ આ શહેરને ભારે નુકસાન પહોંચાડ્યું હતું. ત્યારબાદ ગોથ,બિઝેન્ટાઇન, ફ્રેન્ક અને બલ્ગેરિયન શાસકો સહિત અનેક શક્તિઓએ બેલગ્રેડ પર પોતાનો કબજો સ્થાપવાનો પ્રયાસ કર્યો. શહેરની વ્યૂહાત્મક સ્થિતિ એવી હતી કે જે પણ શક્તિ યુરોપના આ વિસ્તાર પર પ્રભુત્વ સ્થાપવા માગતી હતી, તેના માટે બેલગ્રેડ અત્યંત મહત્વપૂર્ણ બની જતું હતું.જો કે 16મી સદીમાં બેલગ્રેડના ઇતિહાસમાં વધુ એક મોટો વળાંક આવ્યો. વર્ષ 1521માં ઓટોમન સામ્રાજ્યે શહેર પર કબજો કર્યો. ત્યારબાદ બેલગ્રેડ લાંબા સમય સુધી ઓટોમન અને ઓસ્ટ્રિયન સામ્રાજ્યો વચ્ચેના સંઘર્ષનું મુખ્ય મેદાન બની ગયું. બંને શક્તિઓ વચ્ચેના યુદ્ધો અને ઘેરાબંધીના કારણે શહેરને વારંવાર વિનાશનો સામનો કરવો પડ્યો.
ઓટોમન સમયગાળામાં બેલગ્રેડને યુદ્ધ અને સંઘર્ષ સાથે જોડાયેલા શહેર તરીકે પણ ઓળખવામાં આવતું હતું. સદીઓ સુધી આ શહેર પર કબજો બદલાતો રહ્યો અને દરેક નવા શાસક સાથે નવી લડાઈઓ શરૂ થતી રહી. 19મી સદીમાં સર્બિયાએ ઓટોમન શાસનમાંથી મુક્તિ મેળવી, પરંતુ બેલગ્રેડ માટે યુદ્ધ અને વિનાશનો સમય અહીં પૂરો થયો નહોતો.
20મી સદીમાં પણ બેલગ્રેડને ભયંકર યુદ્ધોની આગમાંથી પસાર થવું પડ્યું. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન શહેર પર ભારે બોમ્બમારો થયો અને તેને ગંભીર નુકસાન પહોંચ્યું. ત્યારબાદ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન નાઝી જર્મનીના હુમલાઓએ શહેરને ફરીથી તબાહ કરી નાખ્યું. આધુનિક યુગમાં પણ બેલગ્રેડ યુદ્ધોથી બચી શક્યું નહીં.
બીજા વિશ્વયુદ્ધ બાદ બેલગ્રેડ કમ્યુનિસ્ટ યુગોસ્લાવિયાની રાજધાની બન્યું. પરંતુ 1990ના દાયકામાં યુગોસ્લાવિયાના વિઘટન સાથે આ વિસ્તાર ફરીથી રાજકીય અને સૈન્ય સંઘર્ષમાં ફસાયો. વર્ષ 1999માં નાટો દ્વારા થયેલા બોમ્બમારાએ પણ બેલગ્રેડના ઇતિહાસમાં વધુ એક વિનાશક અધ્યાય ઉમેર્યો.આ શહેરના ઇતિહાસમાં નામો પણ અનેક વખત બદલાયા છે. કહેવાય છે કે પોતાના લાંબા ઇતિહાસ દરમિયાન બેલગ્રેડ લગભગ 15 વખત અલગ-અલગ નામોથી ઓળખાયું છે. રોમન યુગનું ‘સિંગિડુનમ’, પછીના સમયના વિવિધ નામો અને અંતે આજનું ‘બેલગ્રેડ’શહેરનું નામ બદલાતું રહ્યું, શાસકો બદલાતા રહ્યા, પરંતુ શહેરનું અસ્તિત્વ દરેક વિનાશ બાદ ફરીથી જીવંત બનતું રહ્યું.
બેલગ્રેડનો સૌથી અદ્ભુત આંકડો એ છે કે તેના ઇતિહાસમાં આશરે 115 યુદ્ધો સાથે તેનો સંબંધ રહ્યો છે અને શહેરને 44 વખત જમીનદોસ્ત અથવા ગંભીર રીતે તબાહ કરવામાં આવ્યું હોવાનું જણાવવામાં આવે છે. આ આંકડાઓ બેલગ્રેડને વિશ્વના સૌથી વધુ સંઘર્ષો સહન કરનારા શહેરોમાં સ્થાન આપે છે. પરંતુ બેલગ્રેડની ઓળખ માત્ર વિનાશથી નથી, કારણ કે દરેક વિનાશ બાદ તેને ફરીથી બનાવવામાં આવ્યું.આજે બેલગ્રેડની વસ્તી અંદાજે 17 લાખની આસપાસ છે અને શહેર પોતાના ઐતિહાસિક વારસા તથા આધુનિક વિકાસ બંને માટે જાણીતું છે. અહીં 300થી વધુ સાંસ્કૃતિક સ્મારકો, લગભગ 50 મ્યુઝિયમ, 30 થિયેટર અને 700થી વધુ પુરાતત્વીય સ્થળો હોવાનું જણાવવામાં આવે છે. એટલે કે યુદ્ધોથી ભરેલા ભૂતકાળ છતાં બેલગ્રેડે પોતાની સાંસ્કૃતિક ઓળખ જાળવી રાખી છે.
સાવા નદીના ઉત્તરી કિનારે વિકસેલું ન્યૂ બેલગ્રેડ આજે શહેરના આધુનિક ચહેરાનું પ્રતિનિધિત્વ કરે છે. ઊંચી ઇમારતો, વૈશ્વિક કંપનીઓની ઓફિસો, આધુનિક વ્યાપારી કેન્દ્રો અને શોપિંગ મોલ્સ દર્શાવે છે કે બેલગ્રેડ હવે માત્ર પોતાના ભૂતકાળને યાદ કરતું શહેર નથી, પરંતુ ભવિષ્ય તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે.જોકે શહેર આધુનિક બની ગયું છે, પરંતુ યુદ્ધની યાદો હજુ પણ તેની ધરતી અને ઇમારતોમાં જીવંત છે. બેલગ્રેડનો પ્રાચીન કિલ્લો શહેરની સહનશક્તિ અને સંઘર્ષનો સૌથી મોટો પ્રતીક માનવામાં આવે છે.સાવા અને ડેન્યુબ નદીઓના સંગમ પાસે આવેલો કિલ્લો સદીઓથી શહેરના ઇતિહાસનો સાક્ષી રહ્યો છે.
આ કિલ્લાની દિવાલોની આસપાસ રોમન, સર્બ, હંગેરિયન, તુર્ક અને ઓસ્ટ્રિયન સૈનિકોની પેઢીઓના સંઘર્ષોની યાદો જોડાયેલી છે. કિલ્લાની આસપાસનો વિસ્તાર બતાવે છે કે કેવી રીતે એક જ જમીન માટે સદીઓ સુધી વિવિધ સામ્રાજ્યો વચ્ચે લોહિયાળ યુદ્ધો થયા હતા.બેલગ્રેડના સૈન્ય મ્યુઝિયમમાં હજારો પ્રાચીન હથિયારો, બખ્તરબંધ સાધનો, યુદ્ધકાળીન ઉપકરણો સંગ્રહિત છે. આ વસ્તુઓ માત્ર મ્યુઝિયમની પ્રદર્શિત સામગ્રી નથી, પરંતુ શહેરના લોહિયાળ ભૂતકાળના જીવંત સાક્ષી છે. અહીંનો ઇતિહાસ સમજાવે છે કે બેલગ્રેડે કેટલા વખત હુમલાખોરોનો સામનો કર્યો અને કેટલા વખત વિનાશ પછી પોતાની ઓળખ ફરીથી બનાવી.પરંતુ બેલગ્રેડની ઓળખ માત્ર યુદ્ધ અને સૈન્ય ઇતિહાસ પૂરતી મર્યાદિત નથી.
શહેરનું બોહેમિયન વિસ્તાર સ્કાદારલિયા આજે પણ પોતાની 19મી સદીની પથ્થરની સડકો અને પરંપરાગત વાતાવરણ માટે જાણીતું છે. અહીંના પરંપરાગત રેસ્ટોરાં અને સંગીતમય સાંજ બેલગ્રેડના એક અલગ જ ચહેરાને રજૂ કરે છે.જે શહેર ક્યારેક તોપોના ગોળા અને બોમ્બના ધડાકાથી ધ્રૂજતું હતું, તે આજે સંગીત, પ્રવાસન અને નાઇટલાઇફ માટે વિશ્વભરમાં જાણીતું બન્યું છે. બેલગ્રેડની નાઇટલાઇફ ખાસ કરીને ખૂબ પ્રસિદ્ધ છે અને શહેરને ઘણી વખત ‘ક્યારેય ન સૂતું શહેર’ તરીકે પણ ઓળખવામાં આવે છે.સાવા અને ડેન્યુબ નદીઓ પર આવેલા તરતા રેસ્ટોરાં અને ક્લબ્સ, જેને સ્થાનિક રીતે ‘સ્પ્લાવોવી’ તરીકે ઓળખવામાં આવે છે, આજે પ્રવાસીઓ માટે મુખ્ય આકર્ષણ છે.
વિશ્વભરમાંથી લોકો બેલગ્રેડની રાત્રિજીવન, સંગીત, ખાણીપીણી અને ઐતિહાસિક વાતાવરણનો અનુભવ કરવા અહીં આવે છે.બેલગ્રેડની આ કહાની આજે યુદ્ધગ્રસ્ત દુનિયા માટે એક મહત્ત્વપૂર્ણ સંદેશ આપે છે. યુદ્ધો શહેરોની ઇમારતોને તોડી શકે છે, રસ્તાઓને ખંડેરમાં ફેરવી શકે છે અને શહેરોના નામો પણ બદલી શકે છે. પરંતુ જો લોકોમાં ફરીથી ઊભા થવાની શક્તિ હોય તો કોઈપણ વિનાશ કાયમી નથી.115થી વધુ યુદ્ધો અને 44 વખતના વિનાશ છતાં બેલગ્રેડ આજે માત્ર અસ્તિત્વમાં જ નથી, પરંતુ નવી ઊર્જા સાથે આગળ વધી રહ્યું છે. ઇતિહાસે આ શહેરને વારંવાર પડકાર્યો, પરંતુ દરેક વખત બેલગ્રેડે જવાબ આપ્યો, ફરીથી ઉભા રહીને.
બેલગ્રેડની ગાથા એ સાબિત કરે છે કે કોઈ શહેરની સાચી ઓળખ તેની ઇમારતોમાં નથી, પરંતુ ત્યાં રહેતા લોકોના જિગર અને જીવન જીવવાની ઇચ્છામાં હોય છે. યુદ્ધો ઘણું બધું છીનવી શકે છે, પરંતુ શહેરની આત્માને સંપૂર્ણ રીતે ક્યારેય ખતમ કરી શકતા નથી.આજે જ્યારે વિશ્વના અનેક શહેરો યુદ્ધની ભયાનકતા સહન કરી રહ્યા છે, ત્યારે બેલગ્રેડનો ઇતિહાસ આશાનું એક ઉદાહરણ બનીને સામે આવે છે કે વિનાશ પછી પણ જીવન ફરીથી શરૂ થઈ શકે છે અને ખંડેરોમાંથી પણ એક નવું ભવિષ્ય ઊભું થઈ શકે છે.