Sports

5 મહિના ડ્રેસિંગ રૂમમાં વિતાવ્યા, હવે ભારત માટે વર્લ્ડ કપ જીતવાનું સપનું અનાયા બાંગડની BCCI સમક્ષ ભાવુક અપીલ

ક્રિકેટમાં ફરીથી પોતાની ઓળખ બનાવવાનો પ્રયાસ કરી રહેલી અનાયા બાંગડે પોતાના જીવનના સૌથી મોટા સપનાનો ખુલાસો કર્યો છે. ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને કોચ સંજય બાંગડની પુત્રી અનાયાનું કહેવું છે કે તેમનું લક્ષ્ય માત્ર ફરી ક્રિકેટ રમવાનું કે કોઈ ક્લબ ટીમમાં સ્થાન મેળવવાનું નથી, પરંતુ એક દિવસ ભારતનું પ્રતિનિધિત્વ કરીને દેશ માટે મહિલા વર્લ્ડ કપ જીતવાનું છે. આ સાથે તેમણે BCCIને મહિલા ક્રિકેટ માટે સમાવેશી, ન્યાયસંગત અને સન્માનજનક નીતિઓ બનાવવાની ભાવુક અપીલ પણ કરી છે.


અનાયા બાંગડના જીવન અને ક્રિકેટની સફર છેલ્લા કેટલાક વર્ષોમાં અનેક પડકારો, સંઘર્ષો અને મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી પસાર થઈ છે. હવે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા તરફથી સ્પર્ધાત્મક ક્રિકેટમાં પાછા ફરવાનો રસ્તો મળતાં તેમના સપનાઓને ફરી એક નવી આશા મળી છે. અનાયાને હાલમાં ઓસ્ટ્રેલિયામાં પ્રીમિયર ક્રિકેટ રમવાની મંજૂરી મળી છે, જ્યારે માર્ચ 2027થી એલિટ સ્તરના ક્રિકેટમાં તેમની પાત્રતા સંબંધિત નીતિની શરતો પર આધારિત રહેશે. જોકે, આ મંજૂરીનો અર્થ કોઈ ટીમમાં સીધું સ્થાન મળી જવું એવો નથી. અનાયા પણ આ વાત સારી રીતે સમજે છે અને તેથી તેઓ ધીમે ધીમે, પગથિયે પગથિયે આગળ વધવાની તૈયારીમાં છે.


અનાયાએ એક ઇન્ટરવ્યૂ દરમિયાન સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે તેમનું સૌથી મોટું સ્વપ્ન ભારત માટે કંઈક જીતવાનું છે. તેમણે આશા વ્યક્ત કરી કે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે BCCI આ મુદ્દા પર વિચાર કરશે અને મહિલા રમત માટે એવી નીતિઓ તૈયાર કરશે જે સમાવેશી હોવા ઉપરાંત ન્યાયસંગત અને સન્માનજનક પણ હોય. અનાયાનું કહેવું છે કે તેઓ એક દિવસ ભારત માટે વર્લ્ડ કપ જીતવા માંગે છે અને દેશ માટે મોટી ટ્રોફી પોતાના નામે કરવા માંગે છે. તેમના માટે આ માત્ર એક ક્રિકેટિંગ લક્ષ્ય નથી, પરંતુ જીવનભરનું સૌથી મોટું સ્વપ્ન છે.


ક્રિકેટ ઓસ્ટ્રેલિયાની મંજૂરી બાદ અનાયાની સામે હવે નવી તકોના દરવાજા ખુલ્યા છે. જો તેઓ ક્લબ અને પ્રીમિયર ક્રિકેટમાં સારું પ્રદર્શન કરે તો ભવિષ્યમાં મહિલા બિગ બેશ લીગ એટલે કે WBBL સુધી પહોંચવાની તક પણ મળી શકે છે. પરંતુ અનાયાએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ કોઈ ઉતાવળમાં નથી. મંજૂરી મળવી એ સફરની શરૂઆત છે, અંત નથી. હવે તેમને પોતાની ફિટનેસ, રમતની લય અને પ્રદર્શનના આધારે આગળ વધવું પડશે અને ટીમમાં સ્થાન મેળવવા માટે મેદાન પર પોતાની ક્ષમતા સાબિત કરવી પડશે.


અનાયાની આ સફર જેટલી આશાભરી છે, એટલી જ સંઘર્ષપૂર્ણ પણ રહી છે. તેમણે જણાવ્યું કે આ તબક્કે પહોંચવું તેમના માટે બિલકુલ સરળ નહોતું. તેમને માત્ર જાહેરમાં ટીકા અને વિરોધનો સામનો કરવો પડ્યો નહોતો, પરંતુ પરિવારની અંદરથી પણ સંપૂર્ણ સમર્થન મળ્યું નહોતું. અનાયાના જણાવ્યા પ્રમાણે, તેમને અમુક હદ સુધી મદદ મળી હતી, પરંતુ સમગ્ર સફર દરમિયાન તેમને એવું લાગતું નહોતું કે પરિવાર સંપૂર્ણપણે તેમની સાથે ઊભો છે.આ વ્યક્તિગત સંઘર્ષની અસર તેમના ક્રિકેટ કરિયર અને ખાનગી જીવન બંને પર પડી હતી. અનેક મુશ્કેલીઓ વચ્ચે તેમને પોતાના ભવિષ્ય, ઓળખ અને ક્રિકેટના સપનાને જીવંત રાખવા માટે સતત લડવું પડ્યું. તેમ છતાં તેમણે હાર માનવાને બદલે પોતાની પરિસ્થિતિ સામે લડવાનું પસંદ કર્યું અને હવે ફરી એક વખત ક્રિકેટના મેદાનમાં વાપસી માટે તૈયાર થઈ રહ્યા છે.


અનાયાએ પોતાના જીવનના સૌથી મુશ્કેલ સમયનો ઉલ્લેખ કરતાં એક અત્યંત ભાવુક વાત પણ કહી હતી. તેમણે જણાવ્યું કે બ્રિટનમાં એક સમય એવો આવ્યો હતો જ્યારે તેમને લગભગ પાંચ મહિના સુધી ડ્રેસિંગ રૂમમાં રહીને જીવન પસાર કરવું પડ્યું હતું. તે સમય તેમના માટે ભારે સંઘર્ષનો હતો. જીવનમાં અનેક અનિશ્ચિતતાઓ હોવા છતાં તેમનો એકમાત્ર પ્રયાસ કોઈ રીતે પોતાને સંભાળી રાખવાનો અને આગળ વધવાનો હતો.આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવા માટે અનાયાએ સોશિયલ મીડિયાનો પણ સહારો લીધો. સોશિયલ મીડિયા મારફતે તેમને બ્રાન્ડ ડીલ્સ મળી અને તેના દ્વારા તેઓ પોતાની કેટલીક જરૂરી મેડિકલ પ્રક્રિયાઓ માટે આર્થિક મદદ મેળવી શક્યા. મુશ્કેલ સમયમાં મળેલી આ તકો તેમના માટે માત્ર આવકનું સાધન નહોતી, પરંતુ ફરીથી પોતાના જીવનને ગોઠવવાનો એક આધાર બની હતી.


અનાયા માને છે કે તેમના જીવનનો સૌથી મુશ્કેલ સમય જ તેમને વધુ મજબૂત બનાવી ગયો. તેમણે જણાવ્યું કે એકલતાએ તેમને પોતાની જાતને વધુ સારી રીતે સમજવાની તક આપી. સતત પડકારો અને મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી પસાર થયા બાદ તેમના આત્મવિશ્વાસમાં વધારો થયો છે. આજે તેઓ પાછું વળીને જોવાને બદલે ભવિષ્ય તરફ નજર રાખી રહ્યા છે.
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાની મંજૂરીને અનાયા પોતાના માટે નવી શરૂઆત તરીકે જોઈ રહ્યા છે. હવે તેમનો પ્રથમ લક્ષ્ય ઓસ્ટ્રેલિયામાં ક્લબ ક્રિકેટ રમીને પોતાની ફિટનેસ અને રમતની લય પાછી મેળવવાનો છે. ત્યારબાદ તેઓ પોતાના પ્રદર્શનના આધારે મહિલા બિગ બેશ લીગમાં સ્થાન મેળવવાનો પ્રયાસ કરશે. આ માટે તેમને માત્ર મંજૂરી પર આધાર રાખવાને બદલે મેદાન પર સતત સારું પ્રદર્શન કરવું પડશે.


અનાયાનું અંતિમ અને સૌથી મોટું લક્ષ્ય જોકે માત્ર ઓસ્ટ્રેલિયન ક્રિકેટ સુધી સીમિત નથી. તેમની નજર ભારત તરફ પણ છે. તેઓ ઇચ્છે છે કે એક દિવસ તેમને ભારતનું પ્રતિનિધિત્વ કરવાની તક મળે અને તેઓ ભારતીય ટીમ માટે મોટી ટ્રોફી જીતે. ખાસ કરીને મહિલા વર્લ્ડ કપ જીતવાનો તેમનો સપનો તેમના સંઘર્ષની આખી કહાનીનું સૌથી મોટું પ્રેરણાસ્થાન બની ગયો છે.જો કે પાંચ મહિના સુધી ડ્રેસિંગ રૂમમાં રહેવાની મજબૂરીથી લઈને ફરી ક્રિકેટના મેદાન સુધી પહોંચવાની આશા અનાયા બાંગડની સફર સંઘર્ષ, એકલતા અને હિંમતની કહાની છે. હવે તેમની સામે એક નવી શરૂઆત છે. તેઓ પગથિયે પગથિયે આગળ વધવા માંગે છે, પોતાની રમત સાબિત કરવા માંગે છે અને સૌથી મોટું સપનું સાકાર કરવા ઇચ્છે છે ,એક દિવસ ભારત માટે વર્લ્ડ કપ જીતવાનું.

Most Popular

To Top