ગેસના બોટલ સહિતના સામાનની ચોરી કરી તસ્કરો પલાયન,લારીધારકોમાં રોષ
( પ્રતિનિધિ )વડોદરા,તા.30
વડોદરા શહેરના સુસેન સર્કલથી વડસર બ્રિજ તરફ જતા મુખ્ય માર્ગ પર આવેલી ખાણી પીણાની લારીઓમાં ચોરીનો બનાવ સામે આવતા નાના વેપારીઓમાં ચિંતા વ્યાપી ગઈ છે. એક સાથે ત્રણથી વધુ લારીઓને નિશાન બનાવી તસ્કરો ગેસના બોટલ,બેટરી સહિતના સામાનની ચોરી કરી પલાયન બનતા માંજલપુર પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો મુજબ મધરાત્રે અજાણ્યા તસ્કરો આ વિસ્તારમાં ઉભી રાખેલી લારીઓને નિશાન બનાવી હતી. તસ્કરોએ ત્રણ જેટલી લારીઓના તાળા તોડી અંદરથી ગેસના બાટલા સહિત રોકડ અને અન્ય સામાનની ચોરી કરી હતી. આ ચોરીના બનાવમાં શ્રી સાંવરિયા સાઉથ ઇન્ડિયન નામની લારીના ધારકને વધુ નુકસાન થયું છે. લારી ધારકે સમગ્ર ઘટનાને લઈને માંજલપુર પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપી છે. તેમના જણાવ્યા મુજબ રાત્રે લારી બંધ કરીને ગયા બાદ સવારે આવતા તાળા તૂટેલા જોવા મળ્યા હતા અને અંદરથી ગેસના બાટલા, બેટરી સહિતનો સામાન ગાયબ હતો. બનાવ અંગે જાણ થતા માંજલપુર પોલીસે સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે અને અરજીના આધારે આગળની કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. સતત બીજી વખત આ વિસ્તારમાં ચોરી થતા લારી ધારકોમાં રોષ જોવા મળી રહ્યો છે. રાત્રિના સમયે પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવે અને તસ્કરોને ઝડપી પાડવામાં આવે તેવી માંગ લારી ધારકોએ કરી છે.