India

ખડગેની રેલી બાદ ‘શુદ્ધિકરણ યજ્ઞ’ મુદ્દે ફરી રાજકીય ઘમાસાણ

ધામીએ રાહુલને આપ્યો જવાબ‘ખડગેનું નહીં, નારાઓનું શુદ્ધિકરણ થયું!’ : ઉત્તરાખંડના હલ્દ્વાનીમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની રેલી બાદ થયેલા કથિત ‘શુદ્ધિકરણ યજ્ઞ’ને લઈને રાજકીય વિવાદ વધુ ગરમાયો છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આ ઘટનાને લઈને ભાજપ અને ઉત્તરાખંડ સરકાર પર આકરા પ્રહારો કર્યા બાદ હવે મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ પલટવાર કર્યો છે. ધામીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે અહીં કોઈ વ્યક્તિ કે કોઈ જાતિનું શુદ્ધિકરણ કરવામાં આવ્યું નહોતું, પરંતુ રેલી દરમિયાન લાગેલા કથિત ધાર્મિક નારાઓથી લોકોની લાગણી દુભાઈ હોવાનું કહી રામલીલા મેદાનમાં યજ્ઞ કરવામાં આવ્યો હતો.


આ સમગ્ર વિવાદની શરૂઆત હલ્દ્વાનીના રામલીલા મેદાનમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના કાર્યક્રમ બાદ થઈ હતી. કાર્યક્રમ પૂર્ણ થયા પછી મેદાનમાં ‘શુદ્ધિકરણ’ અથવા ‘શુદ્ધિકરણ યજ્ઞ’ કરાયો હોવાના અહેવાલો સામે આવ્યા હતા. કોંગ્રેસે આ ઘટનાને ગંભીરતાથી લીધી અને તેને સામાજિક તથા જાતિગત ભેદભાવ સાથે જોડીને ભાજપ સામે સવાલો ઊભા કર્યા. મામલો ઝડપથી રાજકીય રંગમાં ફેરવાઈ ગયો અને કોંગ્રેસ તથા ભાજપ વચ્ચે આરોપ-પ્રત્યારોપનો દોર શરૂ થયો.જો કે રાહુલ ગાંધીએ આ મુદ્દે ભાજપ અને RSS પર નિશાન સાધતાં દાવો કર્યો કે ‘શુદ્ધિકરણ’ જેવી ઘટના ભેદભાવપૂર્ણ તેમજ માનસિકતાનું પ્રતિબિંબ છે. તેમણે આ મામલાને માત્ર મલ્લિકાર્જુન ખડગે પૂરતો સીમિત ન ગણાવીને દલિતો અને સમાજના વંચિત વર્ગો સાથે જોડાયેલા મોટા પ્રશ્ન તરીકે રજૂ કર્યો હતો. રાહુલ ગાંધીએ ઘટનાની તપાસ અને જવાબદારી નક્કી કરવાની પણ માંગ કરી હતી. વિવિધ અહેવાલો મુજબ તેમણે જવાબદાર લોકો સામે SC/ST અત્યાચાર નિવારણ કાયદા હેઠળ કાર્યવાહી અને FIRની માંગ પણ ઉઠાવી હતી.


આ આરોપોના જવાબમાં ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ કોંગ્રેસના દાવાઓને નકારી કાઢ્યા હતા. ધામીના જણાવ્યા અનુસાર હલ્દ્વાનીમાં કોઈ જાતિ અથવા વ્યક્તિના નામે શુદ્ધિકરણ કરવામાં આવ્યું નહોતું. તેમણે કહ્યું કે રેલી દરમિયાન એક ચોક્કસ ધર્મ સાથે સંબંધિત કથિત નારાઓ લગાવવામાં આવ્યા હતા, જેના કારણે હિંદુ સમાજની ધાર્મિક લાગણીઓ દુભાઈ હતી. તેમના કહેવા મુજબ આ ઘટનાના વિરોધ અને લાગણી વ્યક્ત કરવા માટે રામલીલા મેદાનમાં યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ મુખ્યમંત્રી ધામીએ એ પણ સ્પષ્ટ કર્યું કે યજ્ઞ કરાવનારા લોકો ભાજપના પદાધિકારીઓ કે કાર્યકરો નહોતા. તેમના જણાવ્યા પ્રમાણે કેટલાક હિંદુ સામાજિક સંગઠનો દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ધામીએ ભારપૂર્વક કહ્યું કે આ યજ્ઞનો સંબંધ મલ્લિકાર્જુન ખડગેની જાતિ અથવા વ્યક્તિગત ઓળખ સાથે નહોતો. કોંગ્રેસ દ્વારા તેને જાતિગત મુદ્દો બનાવવાના પ્રયાસો થઈ રહ્યા હોવાનો આરોપ પણ તેમણે લગાવ્યો હતો.
ધામીએ કોંગ્રેસના આરોપો પર કટાક્ષ કરતાં કહ્યું કે ઉત્તરાખંડમાં બહુ ઓછા લોકો મલ્લિકાર્જુન ખડગે કઈ જાતિમાંથી આવે છે તે જાણતા હશે. આવી સ્થિતિમાં ખડગેને ધ્યાનમાં રાખીને કોઈ જાતિનું ‘શુદ્ધિકરણ’ કરવામાં આવ્યું હોવાનો પ્રશ્ન જ ઊભો થતો નથી, તેમ તેમનો દાવો હતો. મુખ્યમંત્રીએ કોંગ્રેસ પર ઘટનાને જાતિ આધારિત રાજકારણ સાથે જોડવાનો આરોપ લગાવ્યો હતો.


આ વિવાદમાં કોંગ્રેસ અને ભાજપે એકબીજા સામે પોતાની રાજકીય લાઇન વધુ આક્રમક બનાવી છે. કોંગ્રેસનું કહેવું છે કે ખડગે જેવા દલિત નેતા સાથે જોડાયેલા કાર્યક્રમ બાદ મેદાનનું ‘શુદ્ધિકરણ’ કરાવવું ગંભીર અને અપમાનજનક ઘટના છે. કોંગ્રેસ આ મુદ્દાને સામાજિક સમાનતા અને દલિતો સામેના ભેદભાવ સાથે જોડીને સરકાર પર હુમલો કરી રહી છે. બીજી તરફ ભાજપ આ આરોપોને સંપૂર્ણપણે ફગાવી રહ્યું છે અને ઘટનાને ધાર્મિક લાગણીઓ તથા રેલી દરમિયાન લાગેલા કથિત નારાઓ સાથે જોડીને રજૂ કરી રહ્યું છે.મહત્વ નું છે કે પુષ્કર સિંહ ધામીએ કોંગ્રેસ પર ‘તુષ્ટિકરણની રાજનીતિ’ કરવાનો આરોપ પણ લગાવ્યો છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ પાસે હવે કોઈ મહત્વના રાજકીય મુદ્દા બચ્યા નથી અને તેથી તે આવા સંવેદનશીલ મુદ્દાઓને રાજકીય હથિયાર તરીકે ઉપયોગમાં લઈ રહી છે. ધામીએ પોતાની સરકારના કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયોની પણ ચર્ચા કરી હતી અને કહ્યું હતું કે સમાન નાગરિક સંહિતા (UCC), ધર્માંતરણ વિરોધી કાયદા અને અન્ય કડક કાયદાઓ અંગે કોંગ્રેસ સતત સરકારનો વિરોધ કરતી રહી છે. તેમ છતાં સરકાર પોતાની નીતિઓથી પાછળ નહીં હટે એવો સંદેશ તેમણે આપ્યો હતો.


રાહુલ ગાંધીએ બીજી તરફ આ મુદ્દે જણાવ્યું હતું કે જો દેશના એક મોટા રાષ્ટ્રીય નેતા સાથે આવી ઘટના બની શકે તો સામાન્ય દલિતો અને વંચિત વર્ગોના લોકો સાથે સમાજમાં કેવા પ્રકારનું વર્તન થતું હશે તે અંગે વિચારવાની જરૂર છે. તેમણે આ મુદ્દાને દેશભરમાં દલિતો સામે થતા ભેદભાવ સાથે જોડીને કોંગ્રેસની લડાઈ સામાજિક સમાનતા માટેની હોવાનું જણાવ્યું હતું. હલ્દ્વાનીમાંથી શરૂ થયેલો આ વિવાદ હવે માત્ર એક યજ્ઞ અથવા એક કાર્યક્રમ પૂરતો સીમિત રહ્યો નથી. ઉત્તરાખંડની રાજનીતિમાં કોંગ્રેસ અને ભાજપ બંનેએ તેને પોતાના રાજકીય દૃષ્ટિકોણથી રજૂ કરવાનું શરૂ કર્યું છે. કોંગ્રેસ તેને જાતિગત અને સામાજિક ભેદભાવનો મુદ્દો ગણાવી રહી છે, જ્યારે ભાજપ તેને કોંગ્રેસ દ્વારા કરવામાં આવતી તુષ્ટિકરણની રાજનીતિ તરીકે રજૂ કરી રહ્યું છે.


ખાસ વાત એ છે કે ઉત્તરાખંડમાં આગામી 2027ની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજકીય ગતિવિધિઓ તેજ બની રહી છે. આવી સ્થિતિમાં હલ્દ્વાનીનો આ વિવાદ આગામી દિવસોમાં વધુ મોટો રાજકીય મુદ્દો બની શકે છે. બંને પક્ષો વચ્ચે ધર્મ, જાતિ અને સામાજિક સમાનતા જેવા સંવેદનશીલ મુદ્દાઓ પર વધતી રાજકીય ટક્કર રાજ્યમાં નવા પ્રકારના રાજકીય ધ્રુવીકરણની ચર્ચાને પણ જન્મ આપી રહી છે. હાલ આ સમગ્ર વિવાદમાં બે સંપૂર્ણપણે અલગ રાજકીય દાવાઓ સામે આવ્યા છે. કોંગ્રેસનું કહેવું છે કે ખડગેની રેલી બાદ થયેલું કથિત ‘શુદ્ધિકરણ’ જાતિગત ભેદભાવની માનસિકતા દર્શાવે છે, જ્યારે મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી અને ભાજપનો દાવો છે કે ‘ખડગેનું નહીં,પરંતુ રેલી દરમિયાન લાગેલા કથિત નારાઓને લઈને લોકોની ધાર્મિક લાગણી વ્યક્ત કરવા માટે યજ્ઞ કરવામાં આવ્યો હતો.’ હવે આ વિવાદ પર આગળ કઈ રાજકીય અને કાનૂની કાર્યવાહી થાય છે, તેના પર સૌની નજર રહેશે.

Most Popular

To Top