India

ચર્ચિત IAS અધિકારી દિવ્યા મિત્તલે આપ્યું રાજીનામું

,13 વર્ષની સેવા બાદ ભાવુક પોસ્ટ; કહ્યું- ‘પદ છૂટી ગયું, પરંતુ ભારત માટેનું સપનું હજુ જીવંત છે’

ઉત્તર પ્રદેશ કેડરની ચર્ચિત IAS અધિકારી દિવ્યા મિત્તલે ભારતીય વહીવટી સેવા એટલે કે IASમાંથી રાજીનામું આપી દીધું છે. લગભગ 13 વર્ષની યાદગાર સરકારી સેવા પૂર્ણ કર્યા બાદ તેમણે પોતાના નિર્ણયની જાણ સોશિયલ મીડિયા પર એક ભાવુક અને પ્રેરણાદાયક પોસ્ટ દ્વારા કરી હતી. તેમની પોસ્ટ સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર આ નિર્ણયની ભારે ચર્ચા શરૂ થઈ છે. દિવ્યા મિત્તલે સ્પષ્ટ કર્યું છે કે IASનું પદ છોડવું તેમની એક લાંબી સરકારી સફરનો અંત હોઈ શકે છે, પરંતુ દેશ માટે કંઈક કરવાની તેમની ઇચ્છા અને ભારત માટેનું સપનું આજે પણ એટલું જ જીવંત છે.

દિવ્યા મિત્તલે પોતાની પોસ્ટમાં જણાવ્યું કે તેમણે પોતાની ઇચ્છાથી 13 વર્ષની “અવિસ્મરણીય સફર”ને વિરામ આપતાં IASમાંથી રાજીનામું આપ્યું છે. તેમની પોસ્ટ માત્ર રાજીનામાની જાહેરાત નહોતી, પરંતુ તેમના જીવનની સફર,સંઘર્ષ, શિક્ષણ, વિદેશમાં નોકરી ત્યારબાદ દેશ માટે કામ કરવાની ઇચ્છાથી IAS સુધી પહોંચવાની કહાની પણ હતી. સામાન્ય વાતાવરણમાં ઉછરેલી દિવ્યા મિત્તલે જીવનમાં સફળ અને સન્માનજનક કારકિર્દીનું સ્વપ્ન જોયું હતું. તેમણે મહેનત કરીને દેશની પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થાઓ IIT દિલ્હી અને IIM બેંગલુરુમાંથી અભ્યાસ કર્યો હતો. ઉચ્ચ શિક્ષણ પૂર્ણ કર્યા બાદ તેમને લંડનમાં નોકરી કરવાની તક મળી હતી. સામાન્ય રીતે આવી સફળ કારકિર્દીને જીવનનું મોટું લક્ષ્ય માનવામાં આવે છે, પરંતુ દિવ્યા મિત્તલના જણાવ્યા પ્રમાણે વિદેશમાં રહીને અને જીવનમાં ઘણું બધું મેળવી લીધા બાદ પણ તેમને અંદરથી કંઈક અધૂરું લાગતું હતું. તેમણે પોતાની લાગણીઓ વ્યક્ત કરતાં જણાવ્યું કે “બધું” મેળવી લીધા પછી પણ જીવનમાં એક ખાલીપો અનુભવાતો હતો. પોતાના દેશથી દૂર રહેવાની લાગણી તેમના મનમાં સતત રહી હતી. તેમના માટે શિક્ષણ, સફળતા અને વિશ્વસ્તરીય કારકિર્દી માત્ર વ્યક્તિગત સિદ્ધિ સુધી મર્યાદિત ન રહી, પરંતુ તેમણે તેને પોતાના દેશ પ્રત્યેની જવાબદારી તરીકે જોવાનું શરૂ કર્યું.

આ જ વિચાર સાથે દિવ્યા મિત્તલે ભારત પરત આવવાનો નિર્ણય લીધો અને સિવિલ સર્વિસની તૈયારી કરી. તેમના માટે IAS બનવું માત્ર એક સરકારી પદ મેળવવાનું સ્વપ્ન નહોતું, પરંતુ ભારત અને અહીંના સામાન્ય લોકો માટે કંઈક કરી શકવાની તક હતી. તેમણે લખ્યું કે તેઓ એવા ભારતના નિર્માણમાં પોતાનો પણ ફાળો આપવા માંગતા હતા, જેનું સ્વપ્ન તેમણે જોયું હતું. દેશના નિર્માણની પ્રક્રિયામાં પોતાના હાથના નિશાન રહે તેવી તેમની ઇચ્છા હતી અને આ જ ભાવના તેમને જાહેર સેવામાં લઈ આવી. IAS તરીકેની 13 વર્ષની સફરમાં દિવ્યા મિત્તલે ઉત્તર પ્રદેશના વિવિધ વિસ્તારોમાં જવાબદારીઓ સંભાળી. તેમના વહીવટી કાર્યકાળ દરમિયાન તેમને ખાસ કરીને દેવરિયા અને મિર્ઝાપુર જેવા જિલ્લાઓમાં કામ કરવાનો અનુભવ મળ્યો. આ જિલ્લાઓમાં કામ કરતી વખતે તેમણે માત્ર વહીવટી જવાબદારીઓ જ નહીં સંભાળી, પરંતુ સામાન્ય લોકોની મુશ્કેલીઓ અને તેમની રોજિંદી જિંદગી સાથે પણ નજીકથી પરિચય મેળવ્યો.


દિવ્યા મિત્તલે જણાવ્યું કે દેવરિયાએ તેમને એક મહત્વપૂર્ણ જીવનપાઠ શીખવ્યો કે સાચી બાબતની સાથે ઊભા રહેવું કોઈ વિકલ્પ નથી, પરંતુ ફરજ છે. જ્યારે મિર્ઝાપુરના અનુભવોએ તેમને શીખવ્યું કે “અશક્ય” હંમેશા હકીકત નથી હોતું; ઘણી વખત તે માત્ર લોકોની માન્યતા અથવા વિચાર હોય છે. વહીવટી સેવામાં તેમના વિવિધ અનુભવો દ્વારા તેમને સમજાયું કે યોગ્ય ઇચ્છાશક્તિ, સતત મહેનત અને લોકોનો વિશ્વાસ હોય તો મુશ્કેલ લાગતા કામો પણ શક્ય બની શકે છે.તેમણે પોતાની સેવા દરમિયાન જરૂરિયાતમંદ પરિવારો, દિવ્યાંગ નાગરિકો અને ખેડૂતો માટે કામ કરવાના અનુભવોનો પણ ઉલ્લેખ કર્યો હતો. દિવ્યા મિત્તલના જણાવ્યા મુજબ સરકારી તંત્રમાં કામ કરતી વખતે તેમણે સૌથી મહત્વની વાત એ શીખી કે દરેક સરકારી ફાઇલની પાછળ એક વ્યક્તિનું જીવન, તેની સમસ્યા અને તેની આશાઓ જોડાયેલી હોય છે. વહીવટી નિર્ણયો માત્ર કાગળ પરની પ્રક્રિયા નથી હોતા, પરંતુ તેની સીધી અસર સામાન્ય નાગરિકોના જીવન પર પડે છે.


આ સમજણ તેમની IAS સફરનો સૌથી મહત્વપૂર્ણ અનુભવ બની હતી. તેમણે અનુભવ્યું કે લોકોના સંઘર્ષને નજીકથી સમજ્યા વગર સાચા અર્થમાં જાહેર સેવા શક્ય નથી. કોઈ પરિવારને તેનો હક મળવો, દિવ્યાંગ વ્યક્તિને સન્માનપૂર્વક જીવન જીવવાની તક મળવી કે વર્ષોથી પાણીની સમસ્યાથી પરેશાન ખેડૂતો સુધી પાણી પહોંચવું ,આ બધું તેમના માટે માત્ર સરકારી યોજનાઓના અમલીકરણ સુધી સીમિત નહોતું. આવા પ્રસંગોએ તેમને જાહેર સેવાનો સાચો અર્થ સમજાવ્યો.
દિવ્યા મિત્તલે પોતાની પોસ્ટમાં ખૂબ ભાવુક શબ્દોમાં જણાવ્યું કે શરૂઆતમાં તેમને લાગતું હતું કે તેઓ લોકો માટે કંઈક આપવા માટે જાહેર સેવામાં આવી છે. પરંતુ વર્ષો સુધી લોકો સાથે કામ કર્યા બાદ તેમને સમજાયું કે વાસ્તવમાં તેમને લોકો પાસેથી ઘણું બધું મળ્યું છે. તેમણે પોતાના આ પહેલાના વિચારને પોતાની “નાસમજી” ગણાવી હતી.


તેમના જણાવ્યા પ્રમાણે લોકોને મળેલો પ્રેમ, સન્માન અને વિશ્વાસ તેમની સૌથી મોટી કમાણી બની. જ્યારે પણ તેઓ થાકી જતાં અથવા કોઈ મુશ્કેલી અને પડકારનો સામનો કરતા, ત્યારે સામાન્ય લોકોના વિશ્વાસે તેમને આગળ વધવાની શક્તિ આપી. આ અનુભવ તેમના માટે કોઈ પદ, હોદ્દા અથવા સરકારી સત્તા કરતાં ઘણો મોટો હતો.દિવ્યા મિત્તલે તેમની સફરમાં સાથે કામ કરનારા અધિકારીઓ, કર્મચારીઓ અને સહયોગીઓ પ્રત્યે પણ આભાર વ્યક્ત કર્યો હતો. 13 વર્ષના કાર્યકાળ દરમિયાન અનેક લોકો સાથે કામ કરવાની અને વિવિધ પ્રકારના પડકારોનો સામનો કરવાની તક મળી હોવાનું તેમણે જણાવ્યું. સરકારી સેવામાં મળેલા સંબંધો અને લોકોનો વિશ્વાસ તેમની જીવનયાત્રાનો મહત્વપૂર્ણ હિસ્સો બની રહેશે.


તેમની પોસ્ટનો સૌથી ભાવુક ભાગ એક વૃદ્ધ મહિલાની યાદ સાથે જોડાયેલો હતો. દિવ્યા મિત્તલે જણાવ્યું કે એક એવા ગામમાં, જ્યાં પ્રથમ વખત પાણી પહોંચાડવામાં આવ્યું હતું, ત્યાંની એક વૃદ્ધ મહિલાએ તેમને આશીર્વાદ આપ્યા હતા. મહિલાએ કોઈ લાંબું ભાષણ કે મોટી વાત કરી નહોતી, પરંતુ કંપતા હાથથી તેમના માથા પર હાથ મૂકીને આશીર્વાદ આપ્યા હતા.દિવ્યા મિત્તલ માટે આ ક્ષણ જીવનની સૌથી કિંમતી યાદોમાંથી એક બની ગઈ હતી. તેમણે જણાવ્યું કે આજે ભલે IASનું પદ છૂટી ગયું હોય, પરંતુ તે વૃદ્ધ મહિલાનો સ્પર્શ અને આશીર્વાદ તેમના જીવનમાંથી ક્યારેય દૂર નહીં થાય. આ ઘટના તેમના માટે જાહેર સેવાના અસલી અર્થનું પ્રતીક બની ગઈ છે.


તેમના રાજીનામાની જાહેરાત બાદ સૌથી વધુ ચર્ચામાં આવેલી વાત એ હતી કે તેમણે પદ છોડ્યું હોવા છતાં પોતાના સપનાઓને છોડ્યા નથી. દિવ્યા મિત્તલના શબ્દોમાં, IASનો હોદ્દો હવે તેમની પાસે નહીં હોય, પરંતુ ભારત માટે કંઈક કરવાની તેમની ઇચ્છા અને દેશ માટેનું સપનું આજે પણ તેમની સાથે છે અને આગળ પણ રહેશે.આ નિર્ણયને લઈને સોશિયલ મીડિયા પર વિવિધ પ્રકારની ચર્ચાઓ થઈ રહી છે. લોકો તેમની 13 વર્ષની વહીવટી સેવાને યાદ કરી રહ્યા છે અને તેમના ભાવુક સંદેશને પ્રેરણાદાયક ગણાવી રહ્યા છે. જોકે દિવ્યા મિત્તલે પોતાની પોસ્ટમાં રાજીનામા પાછળના કોઈ વિશિષ્ટ વ્યક્તિગત અથવા વ્યાવસાયિક કારણની વિગતવાર ચર્ચા કરી નથી, પરંતુ તેમના સંદેશમાંથી સ્પષ્ટ થાય છે કે તેઓ પોતાના જીવનની એક મહત્વપૂર્ણ સફરને પૂર્ણ કરીને નવા અધ્યાય તરફ આગળ વધી રહ્યા છે.


દિવ્યા મિત્તલની કહાની એક સામાન્ય પરિવેશમાંથી શરૂ થઈને IIT દિલ્હી અને IIM બેંગલુરુ જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓ સુધી પહોંચવાની, લંડનમાં કારકિર્દી બનાવવાની અને ત્યારબાદ દેશ માટે કંઈક કરવાની ઇચ્છાથી ભારત પરત આવી IAS બનવાની સફર છે. હવે 13 વર્ષની સરકારી સેવા બાદ તેમણે IASમાંથી રાજીનામું આપ્યું છે, પરંતુ તેમની પોતાની પોસ્ટ પ્રમાણે આ અંત નથી.તેમની સફરનો સંદેશ એટલો જ છે કે જીવનમાં હોદ્દા અને પદ બદલાઈ શકે છે, પરંતુ કોઈ વ્યક્તિના મૂલ્યો, અનુભવો અને સપનાઓ જીવંત રહી શકે છે. દિવ્યા મિત્તલે IASનું પદ છોડી દીધું છે, પરંતુ લોકોનો પ્રેમ, તેમની સેવા દરમિયાન મેળવેલા અનુભવો અને ભારત માટે કંઈક કરવાની ઇચ્છા તેમની સાથે આગળ પણ રહેશે.


દિવ્યા મિત્તલના રાજીનામાએ એક વખત ફરી એ ચર્ચાને જન્મ આપ્યો છે કે જાહેર સેવા માત્ર સરકારી હોદ્દા સુધી મર્યાદિત નથી. કોઈ વ્યક્તિ પદ પર હોય કે ન હોય, સમાજ અને દેશ માટે કંઈક કરવાની ભાવના સતત જીવંત રહી શકે છે.13 વર્ષની તેમની IAS સફર પૂર્ણ થઈ છે, પરંતુ દિવ્યા મિત્તલના શબ્દોમાં કહીએ તો પદ ભલે છૂટી ગયું હોય, સપનું હજુ બાકી છે.

Most Popular

To Top