નેપાળમાં આવેલા વિનાશક ફ્લેશ ફ્લડ અને ભૂસ્ખલનથી ભારે તબાહી સર્જાઈ છે. હિમાલય વિસ્તારમાં સર્જાયેલી આ કુદરતી આફતમાં મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. તાજા અહેવાલો અનુસાર નેપાળમાં અત્યાર સુધીમાં 903 લોકોનાં મોતની પુષ્ટિ થઈ છે, જ્યારે 4,247 લોકો હજુ લાપતા હોવાની આશંકા છે. આ આંકડામાં હાઇડ્રોપાવર પ્રોજેક્ટ સાથે જોડાયેલા લોકો પણ સામેલ છે. બીજી તરફ, પડોશી તિબેટ વિસ્તારમાં 16 લોકોનાં મોત અને 546 લોકો લાપતા હોવાના અહેવાલ છે.
આ વિનાશક પૂર બાદ નેપાળમાં મોટા પાયે રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. નેપાળની સેના, પોલીસ અને સશસ્ત્ર સુરક્ષા દળોના હજારો જવાનો અસરગ્રસ્ત વિસ્તારોમાં તૈનાત છે. મુશ્કેલ ભૌગોલિક પરિસ્થિતિ, કાદવ-કાટમાળ અને સતત ખરાબ હવામાનને કારણે બચાવ કામગીરીમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક વિસ્તારોમાં રસ્તાઓ અને પુલો તૂટી જતાં બચાવ ટીમો માટે અસરગ્રસ્ત લોકો સુધી પહોંચવું મુશ્કેલ બન્યું છે.
કેવી રીતે સર્જાઈ આ વિનાશક સ્થિતિ?: અહેવાલો અનુસાર આ આપત્તિ હિમાલયના ઊંચા વિસ્તારમાં થયેલા ગ્લેશિયર અને પથ્થરોના મોટા પાયે ધરાશાયી થવાથી શરૂ થઈ હોવાનું માનવામાં આવે છે. ગ્લેશિયર સાથે વિશાળ પ્રમાણમાં બરફ, પાણી અને પથ્થરો નીચે તરફ ધસી આવ્યા અને નદીઓમાં અચાનક પાણીનો પ્રવાહ વધી ગયો. પરિણામે નદીનું પાણી કિનારા તોડી આસપાસના વિસ્તારોમાં ઘૂસી ગયું અને જોતજોતામાં ભારે પૂરનું સ્વરૂપ ધારણ કર્યું. વૈજ્ઞાનિકો આ ઘટનામાં હવામાન પરિવર્તનની સંભવિત ભૂમિકાનો પણ અભ્યાસ કરી રહ્યા છે.પૂરના પાણી સાથે કાદવ અને વિશાળ પ્રમાણમાં કાટમાળ પણ વહેતા થયા હતા. તેના કારણે રસ્તા, પુલ, મકાનો અને અન્ય મહત્વપૂર્ણ માળખાંને ભારે નુકસાન થયું છે. સરહદી વિસ્તારોમાં વેપાર અને પરિવહન વ્યવસ્થા પણ ખોરવાઈ ગઈ છે.
હાઇડ્રોપાવર પ્રોજેક્ટમાં ફસાયેલા લોકોની શોધ : આ આપત્તિ બાદ સૌથી મોટો પડકાર હાઇડ્રોપાવર પ્રોજેક્ટની સુરંગોમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાનો છે. અધિકારીઓના જણાવ્યા મુજબ કેટલાક કામદારો સુરંગોની અંદર ફસાયેલા હોવાની આશંકા છે. ભારે કાટમાળના કારણે સુરંગોના પ્રવેશદ્વારો બંધ થઈ ગયા છે, જેના કારણે બચાવ ટીમો મશીનો અને અન્ય સાધનોની મદદથી રસ્તો ખોલવાનો પ્રયાસ કરી રહી છે.નેપાળની સત્તાવાર એજન્સીઓના જણાવ્યા મુજબ હાઇડ્રોપાવર પ્રોજેક્ટ સાથે જોડાયેલા 933 લોકો લાપતા છે. બચાવ ટીમોનું મુખ્ય ધ્યાન હાલમાં સુરંગોમાં ફસાયેલા લોકોને શોધવા અને સુરક્ષિત બહાર કાઢવા પર છે.
હજારો લોકો અસરગ્રસ્ત: પૂર અને ભૂસ્ખલનની આ આપત્તિથી હજારો પરિવારો અસરગ્રસ્ત થયા છે. ઘણા વિસ્તારોમાં લોકો પોતાના ઘર, દુકાનો અને રોજગાર ગુમાવી ચૂક્યા છે. કેટલાક વિસ્તારોમાં સંચાર વ્યવસ્થા પણ ખોરવાઈ ગઈ છે, જેના કારણે પરિવારજનો પોતાના સ્વજનોનો સંપર્ક કરી શકતા નથી.આપત્તિ બાદ બચાવ અને રાહત કામગીરીને વધુ ઝડપી બનાવવામાં આવી છે. નેપાળ ઉપરાંત ભારત અને ચીન તરફથી પણ બચાવ અને રાહત કામગીરીમાં સહયોગ આપવામાં આવી રહ્યો છે. ભારતીય ફોરેન્સિક ટીમે મૃતકોની ઓળખ માટે DNA સેમ્પલના વિશ્લેષણમાં પણ મદદ કરી છે.
મૃતકોની ઓળખ પણ મોટો પડકાર :મોટી સંખ્યામાં મૃતદેહો મળી આવતાં તેમની ઓળખ કરવી પણ તંત્ર માટે મોટો પડકાર બની છે. કેટલાક મૃતદેહોની ઓળખ માટે DNA પરીક્ષણની મદદ લેવામાં આવી રહી છે. પરિવારજનો પોતાના ગુમ થયેલા સ્વજનોની માહિતી મેળવવા માટે રાહ જોઈ રહ્યા છે.
હજુ પણ વધવાની આશંકા :અધિકારીઓ અને નિષ્ણાતોનું માનવું છે કે કાટમાળ દૂર થયા બાદ અને દૂરના વિસ્તારોમાંથી માહિતી મળ્યા બાદ નુકસાન અને જાનહાનિનો સંપૂર્ણ આંકડો સામે આવી શકે છે. હિમાલયના મુશ્કેલ વિસ્તારોમાં હજુ પણ કેટલાક સ્થળો સુધી પહોંચવું મુશ્કેલ હોવાથી લાપતા લોકોની સાચી સંખ્યા અંગે પણ સ્થિતિ સંપૂર્ણપણે સ્પષ્ટ નથી. જો કે નેપાળમાં સર્જાયેલી આ કુદરતી આફતે સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે. હજારો બચાવકર્મીઓ હાલ દિવસ-રાત કામગીરી કરી રહ્યા છે અને આશા છે કે કાટમાળ તથા બંધ થયેલી સુરંગોમાંથી વધુ લોકોને જીવતા બહાર કાઢી શકાય.
નોંધ: મૃત્યુ અને લાપતા લોકોના આંકડા બચાવ કામગીરી દરમિયાન સતત બદલાઈ શકે છે. એક મીડિયા ના આપેલા લાઇવ પેજના અપડેટમાં 781 મૃતદેહો અને 2,502 લોકો લાપતા જણાવાયા હતા, જ્યારે બાદના તાજા અહેવાલોમાં નેપાળનો મૃત્યુઆંક 903 અને લાપતા લોકોનો આંકડો 4,247 જણાવાયો છે.