ગુજરાતમાં હવે ખાનગી વાહનો પર જાતિસૂચક શબ્દો, ચિહ્નો કે આકૃતિઓ પ્રદર્શિત કરી શકાશે નહીં. રાજ્ય સરકારે વાહનો પર જાતિગત ઓળખનું પ્રદર્શન અટકાવવા માટે ગુજરાત મોટર વ્હીકલ નિયમ, 1989માં મહત્ત્વપૂર્ણ સુધારો કર્યો છે. 17 નવેમ્બર, 2026ના રોજ જાહેર કરાયેલા આ નવા નિયમો ટુ-વ્હીલરથી લઈને થ્રી-વ્હીલર, કાર, બસ અને ટ્રક સહિતનાં ખાનગી વાહનોને લાગુ પડશે. આ નિર્ણયનો મુખ્ય હેતુ વાહનો પર જાતિ દર્શાવતા લખાણો અને ચિહ્નો દ્વારા ઓળખનું પ્રદર્શન કરવાની પ્રવૃત્તિ પર રોક લગાવવાનો છે.
રાજ્યના વાહન વ્યવહાર વિભાગે ગુજરાત મોટર વાહન (ત્રીજો સુધારો) નિયમો, 2026 જાહેર કરીને નિયમોમાં ફેરફાર કર્યો છે. આ સુધારા હેઠળ નિયમ 125ના પેટાનિયમ (1)માં અગાઉ રહેલા ‘No advertising device, figure’ શબ્દોની જગ્યાએ હવે ‘No advertising device, caste signage, figure’ શબ્દો ઉમેરવામાં આવ્યા છે. એટલે કે વાહનો પર જાહેરાતનાં ઉપકરણો ઉપરાંત જાતિસૂચક ચિહ્નો અને આકૃતિઓ પ્રદર્શિત કરવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
આ ઉપરાંત નિયમ 138માં નવો પેટાનિયમ (3) ઉમેરવામાં આવ્યો છે. આ જોગવાઈ પ્રમાણે રાજ્ય સરકારના સામાન્ય અથવા વિશેષ હુકમથી મંજૂરી આપવામાં આવી હોય તેવા અપવાદરૂપ કિસ્સાઓ સિવાય કોઈપણ ખાનગી વાહન પર જાહેરાતનું ઉપકરણ, જાતિ દર્શાવતું ચિહ્ન, આકૃતિ કે લખાણ પ્રદર્શિત કરી શકાશે નહીં. આ રીતે સરકારે વાહનો પર જાતિગત ઓળખ દર્શાવતા લખાણો અને ચિહ્નો અંગે સ્પષ્ટ નિયમન કર્યું છે.
નોંધનીય છે કે આ સુધારાના મુસદ્દા અંગે સરકારે અગાઉ 11 જૂન, 2026ના રોજ જાહેરનામું બહાર પાડીને નાગરિકો પાસેથી 30 દિવસમાં વાંધા અને સૂચનો મંગાવ્યાં હતાં. જોકે, નિર્ધારિત સમયગાળા દરમિયાન કોઈ વાંધો કે સૂચન પ્રાપ્ત ન થતાં સરકારે આ સુધારાને અંતિમ સ્વરૂપ આપીને 17 નવેમ્બર, 2026થી અમલમાં મૂક્યો છે. આ નવા નિયમથી હવે ખાનગી વાહનો પર જાતિસૂચક શબ્દો, ઓળખ દર્શાવતાં ચિહ્નો કે લખાણો લગાવવાની છૂટ રહેશે નહીં. રાજ્ય સરકારનો આ નિર્ણય વાહનો પર જાતિગત ઓળખનું જાહેર પ્રદર્શન અટકાવવા અને મોટર વાહન નિયમોના અમલને વધુ સ્પષ્ટ બનાવવાની દિશામાં મહત્ત્વપૂર્ણ પગલું છે.