57મા ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ (IFFI)ને વધુ સુલભ અને સર્વસમાવેશી બનાવવા માટે નેશનલ ફિલ્મ ડેવલપમેન્ટ કોર્પોરેશન (NFDC) અને સ્વયમ (Svayam) વચ્ચે ભાગીદારી કરવામાં આવી છે. આ સહયોગનો મુખ્ય ઉદ્દેશ્ય દિવ્યાંગ વ્યક્તિઓ તેમજ હલનચલનમાં મર્યાદા ધરાવતા લોકો પણ કોઈ મુશ્કેલી વિના ફિલ્મ મહોત્સવમાં ભાગ લઈ શકે અને સિનેમાનો આનંદ માણી શકે તે સુનિશ્ચિત કરવાનો છે. આ પહેલ દ્વારા ફિલ્મ મહોત્સવના સ્થળોને વધુ સુલભ બનાવવા ઉપરાંત સ્વયંસેવકોને પણ વિશેષ તાલીમ આપવામાં આવશે.
NFDC અને સ્વયમ વચ્ચે આ ત્રીજી ભાગીદારી છે. અગાઉ 55મા IFFI અને 18મા મુંબઈ આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ (MIFF) દરમિયાન પણ બંને સંસ્થાઓએ સાથે મળીને કામ કર્યું હતું. આ વખતે 57મા IFFIમાં સુલભતાને વધુ વ્યાપક રીતે અમલમાં મૂકવા માટે વિવિધ પગલાં લેવામાં આવી રહ્યાં છે. આ ભાગીદારી હેઠળ સ્વયમ દ્વારા ફિલ્મ મહોત્સવનાં સ્થળોનું સુલભતા ઓડિટ કરવામાં આવી રહ્યું છે. આ પ્રક્રિયા દરમિયાન દિવ્યાંગ વ્યક્તિઓ અને મર્યાદિત ગતિશીલતા ધરાવતા મુલાકાતીઓને પડતી સંભવિત મુશ્કેલીઓ ઓળખવામાં આવશે. સ્થળો પર ક્યાં અવરોધો છે અને મુલાકાતીઓ સુરક્ષિત રીતે, આરામથી તથા સ્વતંત્ર રીતે અવરજવર કરી શકે તે માટે કયા ફેરફારો જરૂરી છે તેની ભલામણ પણ કરવામાં આવશે.
આ ઉપરાંત, ફેસ્ટિવલમાં સેવા આપનારા સ્વયંસેવકો માટે દિવ્યાંગતા અને સુલભતા અંગે સંવેદનશીલતા વર્કશોપનું આયોજન કરવામાં આવશે. તેમાં દિવ્યાંગ વ્યક્તિઓ સાથે આદરપૂર્વક વાતચીત કેવી રીતે કરવી, તેમની જરૂરિયાત મુજબ સહાય કેવી રીતે પૂરી પાડવી અને વિવિધ પ્રકારની સુલભતા સંબંધિત જરૂરિયાતોને કેવી રીતે સમજવી તે અંગે વ્યવહારુ તાલીમ આપવામાં આવશે.
મહોત્સવમાં એક્સેસિબિલિટી સિમ્યુલેશન ઝોન પણ તૈયાર કરવામાં આવશે. આ ઇન્ટરેક્ટિવ ઝોનમાં મુલાકાતીઓ અને ફેસ્ટિવલ સાથે જોડાયેલા લોકો દિવ્યાંગ વ્યક્તિઓ તેમજ હલનચલનમાં મર્યાદા ધરાવતા લોકોને રોજિંદા જીવનમાં કેવા અવરોધોનો સામનો કરવો પડે છે તેનો અનુભવ કરી શકશે. આ પહેલનો હેતુ લોકોમાં જાગૃતિ અને સહાનુભૂતિ વધારવાનો છે, જેથી જાહેર સ્થળો દરેક વ્યક્તિ માટે સુલભ હોવા જોઈએ તે અંગે વધુ સમજણ વિકસે.
સ્વયમનાં મેનેજિંગ ડિરેક્ટર સ્મિનુ જિંદાલે જણાવ્યું હતું કે સુલભતા માત્ર રેમ્પ બનાવવા કે ભૌતિક સ્થળોને અવરોધમુક્ત કરવા પૂરતી મર્યાદિત નથી. દરેક વ્યક્તિને સમાજમાં સમાન રીતે ભાગ લેવાની તક, ગૌરવ અને સ્વતંત્રતા મળે તે પણ એટલું જ જરૂરી છે. સિનેમા લોકોને જોડતું અને વિવિધ માનવીય અનુભવોને રજૂ કરતું શક્તિશાળી માધ્યમ છે. તેથી ફિલ્મ મહોત્સવ પણ દરેક વ્યક્તિ માટે સમાન રીતે આવકારદાયક અને સુલભ હોવો જોઈએ. તેમણે આશા વ્યક્ત કરી હતી કે આ સહયોગથી ઉંમર, ઈજા કે કાયમી દિવ્યાંગતાને કારણે હલનચલનમાં મર્યાદા ધરાવતા લોકોને સિનેમાનો આનંદ માણવામાં કોઈ અવરોધ નહીં રહે.
NFDCના મેનેજિંગ ડિરેક્ટર ધીરજ સિંહે જણાવ્યું હતું કે ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ સિનેમાની સાર્વત્રિક ભાષાની ઉજવણી કરે છે અને આ ઉજવણી દરેક વ્યક્તિ માટે ખુલ્લી હોવી જરૂરી છે. સ્વયમ સાથેની ભાગીદારી દ્વારા 57મા IFFIને વધુ સુલભ, સમાવેશી અને આવકારદાયક બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સુલભ સ્થળો અને પ્રશિક્ષિત સ્વયંસેવકોના માધ્યમથી દરેક મુલાકાતી ગૌરવ, આરામ અને સ્વતંત્રતા સાથે મહોત્સવમાં ભાગ લઈ શકે તેવો માહોલ ઊભો કરવાનો હેતુ છે. આ પહેલ માત્ર ફિલ્મ મહોત્સવ પૂરતી મર્યાદિત ન રહેતાં ભારતમાં સાંસ્કૃતિક અને સિનેમેટિક કાર્યક્રમોને વધુ સમાવેશી બનાવવા માટે પણ એક ઉદાહરણ સ્થાપિત કરી શકે છે. તેનો મુખ્ય સંદેશ એ છે કે સિનેમાની ઉજવણીમાં કોઈ વ્યક્તિ દિવ્યાંગતા કે શારીરિક મર્યાદાને કારણે પાછળ ન રહી જાય.