Gujarat

ગુજરાત સરકારે 2027ની જાહેર રજાઓનું કેલેન્ડર જાહેર કર્યું, જાણો ક્યારે મળશે રજા

ગુજરાત સરકારે વર્ષ 2027 દરમિયાન રાજ્ય સરકારની તમામ કચેરીઓમાં પાળવામાં આવનારી જાહેર રજાઓનું સત્તાવાર કેલેન્ડર જાહેર કર્યું છે. સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામામાં ધાર્મિક, સામાજિક અને રાષ્ટ્રીય તહેવારોની જાહેર રજાઓની યાદી આપવામાં આવી છે. આ ઉપરાંત સરકારી કર્મચારીઓ માટે મરજિયાત રજાઓની યાદી પણ જાહેર કરવામાં આવી છે. વર્ષ 2027માં મકરસંક્રાંતિ, પ્રજાસત્તાક દિવસ, મહાશિવરાત્રિ, રમઝાન ઈદ, ધૂળેટી, ગુડ ફ્રાઈડે, ચેટીચાંદ, ડૉ. બાબાસાહેબ આંબેડકર જયંતિ, રામનવમી, મહાવીર જન્મકલ્યાણક, બકરી ઈદ, મોહરમ, સ્વાતંત્ર્ય દિવસ, રક્ષાબંધન, જન્માષ્ટમી, સંવત્સરી, ગાંધી જયંતિ, દશેરા, દિવાળી અને નૂતન વર્ષ સહિતના તહેવારોમાં સરકારી કચેરીઓમાં જાહેર રજા રહેશે.

આ ઉપરાંત સરકારી કર્મચારીઓ પોતાની પસંદગી મુજબ મરજિયાત રજા લઈ શકે તે માટે અલગ યાદી પણ જાહેર કરવામાં આવી છે. તેમાં ભગવાન પરશુરામ જયંતિ, પારસી નૂતન વર્ષ, ઈદ-એ-મિલાદ અને સરદાર વલ્લભભાઈ પટેલ જયંતિ સહિતના વિવિધ ધાર્મિક અને સામાજિક પ્રસંગોનો સમાવેશ થાય છે. જાહેરનામા ખાસ સ્પષ્ટતા કરવામાં આવી છે કે જો કોઈ જાહેર રજા મહિનાના બીજા અથવા ચોથા શનિવારે કે રવિવારે આવે તો તેના બદલામાં અલગથી રજા આપવામાં આવશે નહીં. મુસ્લિમ સમાજના તહેવારોની રજાઓ ચાંદ દર્શનને આધારે નક્કી કરવામાં આવશે.

2027માં કેટલીક રજાઓ શનિવાર અને રવિવારે આવતી હોવાથી તેને સામાન્ય જાહેર રજાઓ તરીકે જાહેર કરવામાં આવી નથી. તેમાં ભગવાન શ્રી પરશુરામ જયંતિ, સ્વાતંત્ર્ય દિવસ, પારસી નવા વર્ષનો દિવસ (પટેતી), ઈદ-એ-મિલાદુન્નબી, દશેરા, સરદાર વલ્લભભાઈ પટેલ જયંતિ, ભાઈબીજ, ગુરુ નાનક જયંતિ અને નાતાલનો સમાવેશ થાય છે. આ રીતે ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2027નું રજાઓનું કેલેન્ડર જાહેર કરવામાં આવતા સરકારી કર્મચારીઓ અને નાગરિકોને આગામી વર્ષના તહેવારો તથા રજાઓનું આયોજન કરવામાં સરળતા રહેશે.

Most Popular

To Top