Gujarat

હજીરા કાંઠા વિસ્તારના ગંભીર પ્રશ્નોને NHAI અને પાણી પુરવઠા વિભાગે તાત્કાલિક કાર્યવાહીનું આશ્વાસન આપ્યું

હજીરા કાંઠા વિસ્તારના લાંબા સમયથી ચાલી રહેલા ગંભીર અને જરૂરી પ્રશ્નોને લઈને ચોર્યાસી તાલુકા પંચાયતના અપક્ષ તરીકે ચૂંટાયેલા સભ્ય અને હજીરા કાંઠા વિસ્તાર વિકાસ સહકારી મંડળી દ્વારા ધરણા પ્રદર્શન કરી જવાબદાર તંત્ર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. દરમિયાન ટ્રાફિકને અડચણરૂપ બનેલા માર્ગ અને પાણીની લાઇન સંબંધિત સમસ્યાઓના તાત્કાલિક નિરાકરણ માટે તંત્ર દ્વારા બાહેધરી આપવામાં આવી હોવાનું મંડળી ના દિપકભાઈ પટેલે જણાવ્યું છે.


હજીરા કાંઠા વિસ્તારના વિવિધ ગંભીર પ્રશ્નો અંગે ચૂંટાયેલા સત્તાપક્ષના પ્રતિનિધિઓ દ્વારા જરૂરી કામગીરી થવી જોઈએ, પરંતુ વિસ્તારના લોકોની સમસ્યાઓના નિરાકરણ માટે તેઓ અપક્ષ તરીકે ચૂંટાયેલા પ્રતિનિધિ હોવા છતાં સતત રજૂઆત અને પ્રયાસો કરી રહ્યા છે. આ જ સંદર્ભમાં તેમણે ધરણા પ્રદર્શનના માધ્યમથી જવાબદાર અધિકારીઓનું ધ્યાન વિસ્તારની તાત્કાલિક સમસ્યાઓ તરફ દોર્યું હતું. આ સમગ્ર ઘટનાક્રમ દરમિયાન ઇચ્છાપોર પોલીસ સ્ટેશનના PI અને પોલીસ સ્ટાફ દ્વારા જરૂરી સહકાર આપવામાં આવ્યો હોવાનું દિપકભાઈ પટેલે જણાવ્યું હતું. તેમના જણાવ્યા મુજબ, PI અને NHAI તેમજ ગુજરાત પાણી પુરવઠા વિભાગના જવાબદાર અધિકારીઓને ઇચ્છાપોર પોલીસ સ્ટેશન ખાતે રૂબરૂ હાજર રહેવા માટે બોલાવ્યા હતા.


બેઠક અને ચર્ચા દરમિયાન ખાસ કરીને ટ્રાફિકને અડચણરૂપ બની રહેલા માર્ગનો મુદ્દો મુખ્ય રીતે રજૂ કરવામાં આવ્યો હતો. દિપકભાઈ પટેલના જણાવ્યા અનુસાર, NHAIના જવાબદાર અધિકારીઓ દ્વારા આ માર્ગની સમસ્યાને ધ્યાનમાં લઈને તાત્કાલિક કામગીરી કરવાની ખાતરી આપવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે ટ્રાફિકની અવરજવરમાં અડચણરૂપ બનેલા રોડનું રિપેરિંગ કરીને તેને ખુલ્લો કરવાની બાહેધરી આપવામાં આવી છે.

આ ઉપરાંત હજીરા કાંઠા વિસ્તારમાં પાણીની લાઇન સંબંધિત સમસ્યાનો મુદ્દો પણ જવાબદાર અધિકારીઓ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. ગુજરાત પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ દ્વારા શક્ય તેટલી વહેલી તકે પાણીની લાઇનનું રિપેરિંગ કરીને સમસ્યાનો ઉકેલ લાવવા માટે ખાતરી આપવામાં આવી હોવાનું દિપકભાઈ પટેલે જણાવ્યું છે.હજીરા કાંઠા વિસ્તારના લોકોના પ્રશ્નો તેમના માટે મહત્વપૂર્ણ છે અને વિસ્તારની જનતાને અસર કરતા ગંભીર તેમજ જરૂરી મુદ્દાઓને તેઓ સતત જવાબદાર અધિકારીઓ અને સંબંધિત વિભાગો સમક્ષ રજૂ કરતા રહેશે.

Most Popular

To Top