SURAT

સુરતમાં કારનો દરવાજો ખોલતા જ મોપેડ અથડાયું, 56 વર્ષીય આધેડનું મોત; અકસ્માતનું CCTV સામે આવ્યું

સુરતના નાનપુરા વિસ્તારમાં કારનો દરવાજો અચાનક ખોલવામાં આવતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. રસ્તાની સાઈડમાં ઉભેલી કારની પાછળની સીટમાં બેઠેલી મહિલાએ દરવાજો ખોલ્યો હતો. આ જ સમયે પાછળથી મોપેડ પર આવી રહેલા 56 વર્ષીય આધેડ ખુલ્લા દરવાજા સાથે જોરદાર અથડાયા હતા. ટક્કર એટલી ભયાનક હતી કે મોપેડ સવાર રસ્તા પર પટકાયા હતા અને તેમના માથામાં ગંભીર ઈજા થતાં લોહી વહી રહ્યું હતું. સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે.

આ અકસ્માત 25 ઓગસ્ટના રોજ નાનપુરા વિસ્તારમાં રંગઉપવન મલ્ટીલેવલ પાર્કિંગ નજીક બન્યો હતો. અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા મોહમ્મદ અમીન ઉસ્માનગણી શેખને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે ચાર દિવસની સારવાર બાદ આજે, 29 ઓગસ્ટે તેમનું મોત થયું છે. ઘટનાને પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. મળતી માહિતી મુજબ, નાનપુરા વિસ્તારમાં આવેલા રિવરપાર્ક એપાર્ટમેન્ટમાં રહેતા મોહમ્મદ અમીન ઉસ્માનગણી શેખ 25 ઓગસ્ટે બપોરના સમયે પોતાના મોપેડ પર દુકાને જવા માટે નીકળ્યા હતા. તેઓ રંગઉપવન વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન મલ્ટીલેવલ પાર્કિંગ નજીક રસ્તાની સાઈડમાં એક સફેદ રંગની કાર આવીને ઊભી રહી હતી.

CCTV ફૂટેજમાં જોવા મળે છે કે કાર રસ્તાની સાઈડમાં ઊભી રહ્યા બાદ અંદરથી કોઈ વ્યક્તિ તરત બહાર આવતું નથી. કાર લગભગ 21 સેકન્ડ સુધી ઊભી રહે છે. ત્યારબાદ કારની પાછળની સીટ પર બેઠેલી મહિલા અચાનક દરવાજો ખોલે છે. બરાબર આ જ સમયે મોહમ્મદ અમીન પોતાનું મોપેડ લઈને કારની પાછળની તરફથી પસાર થઈ રહ્યા હતા. દરવાજો અચાનક ખુલતાં તેમને સંભાળવાનો સમય મળ્યો નહોતો. મોપેડ સીધું કારના ખુલ્લા દરવાજા સાથે અથડાયું હતું. ટક્કર એટલી જોરદાર હતી કે મોહમ્મદ અમીન મોપેડ પરથી ઉછળીને રસ્તા પર પટકાયા હતા.

CCTVમાં આધેડ રસ્તા પર પડ્યા બાદ થોડા સમય સુધી ઊભા થઈ શક્યા નહોતા. તેમના માથામાં ગંભીર ઈજા થતાં લોહી વહેતું જોવા મળ્યું હતું. અકસ્માતની જાણ થતાં આસપાસના દુકાનદારો અને રસ્તા પરથી પસાર થતા લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

અકસ્માતના આશરે 10 સેકન્ડ બાદ કારની ડ્રાઈવિંગ સીટ પર બેઠેલી વ્યક્તિ નીચે ઉતરી હતી. તેણે રસ્તા પર પટકાયેલા મોહમ્મદ અમીનની સ્થિતિ જોઈ હતી. ત્યારબાદ જે મહિલાએ કારનો દરવાજો ખોલ્યો હતો તે પણ કારમાંથી નીચે ઉતરી હતી. બંનેએ થોડીવાર સુધી ઈજાગ્રસ્ત આધેડની સ્થિતિ જોઈ હતી અને ત્યારબાદ ફરી કાર તરફ ગયા હતા. બીજી તરફ આસપાસના લોકો મદદ માટે આગળ આવ્યા હતા. કેટલાક લોકોએ જમીન પર પડેલા મોહમ્મદ અમીનને બેસાડવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ લોકોએ તેમને ઊંચકીને રસ્તાની સાઈડમાં ખસેડ્યા હતા. ગંભીર સ્થિતિને જોતા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી.

થોડીવારમાં 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત મોહમ્મદ અમીનને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં છેલ્લા ચાર દિવસથી તેમની સારવાર ચાલી રહી હતી. જોકે માથામાં ગંભીર ઈજા હોવાથી તેમની સ્થિતિ નાજુક બની હતી. આજે 29 ઓગસ્ટે સારવાર દરમિયાન મોહમ્મદ અમીન ઉસ્માનગણીનું કરુણ મોત થયું હતું. અકસ્માત બાદ પરિવારજનો હોસ્પિટલમાં દોડી આવ્યા હતા. મોહમ્મદ અમીનના મોતના સમાચાર મળતાં પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો.

આ સમગ્ર ઘટનાનો CCTV વીડિયો સામે આવ્યા બાદ અકસ્માત કેવી રીતે થયો તેની વિગતો પણ સામે આવી છે. કાર રસ્તાની સાઈડમાં ઊભી રહી હતી અને ત્યારબાદ પાછળની સીટનો દરવાજો અચાનક ખોલવામાં આવ્યો હતો. તે સમયે પાછળથી મોપેડ પર આવી રહેલા આધેડને દરવાજો દેખાયો નહીં અથવા તેમને બચવાનો સમય મળ્યો નહીં અને તેઓ સીધા દરવાજા સાથે અથડાયા હતા. ઘટનાને લઈને પોલીસે કારમાં સવાર જવાબદાર વ્યક્તિઓ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા CCTV ફૂટેજ સહિતના પુરાવાના આધારે સમગ્ર ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. કાર કોણ ચલાવી રહ્યું હતું, દરવાજો કોણે ખોલ્યો અને અકસ્માતમાં કોની બેદરકારી હતી તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે.

આ ઘટના ફરી એક વખત રસ્તા પર વાહન ઊભું રાખીને દરવાજો ખોલતી વખતે રાખવાની સાવચેતીનો ગંભીર સંદેશ આપે છે. ખાસ કરીને રસ્તાની બાજુએ કાર ઊભી કર્યા બાદ દરવાજો ખોલતી વખતે પાછળથી કોઈ વાહન આવી રહ્યું છે કે નહીં તેની ખાતરી કરવી જરૂરી છે. એક ક્ષણની બેદરકારી પણ કોઈ વ્યક્તિ માટે જીવલેણ સાબિત થઈ શકે છે. સુરતમાં બનેલી આ ઘટનામાં પણ માત્ર થોડા સેકન્ડના અંતરે કારનો દરવાજો ખુલ્યો અને પાછળથી આવી રહેલા મોપેડ સવાર સાથે જોરદાર ટક્કર થઈ. ગંભીર ઈજાના કારણે ચાર દિવસ બાદ આધેડનું મોત થતાં પરિવાર માટે આ અકસ્માત ક્યારેય ન ભૂલી શકાય તેવી દુર્ઘટના બની ગયો છે.

https://www.instagram.com/reel/DcnX5WCgbSE/?utm_source=ig_web_copy_link&igsi=MzRlODBiNWFlZA==

Most Popular

To Top