Gujarat

ઘડિયાળ કૌભાંડમાં સુરત કસ્ટમ અધિકારીની કથિત ભૂમિકાએ ઉઠાવ્યા સવાલો

સુરતમાં બ્રાન્ડેડ ઘડિયાળોના નામે નકલી અથવા કોપી ઘડિયાળો કુરિયર મારફતે વિદેશ મોકલવાના કથિત રેકેટનો મામલો હવે વધુ ગંભીર બનતો જોવા મળી રહ્યો છે. બેંગલોર કસ્ટમ વિભાગની તપાસમાં સુરત સાથે સંકળાયેલી છ પેઢીઓ સામે કાર્યવાહી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આ કાર્યવાહી વચ્ચે સુરત કસ્ટમના એક અધિકારીની કથિત ભૂમિકા અંગે ચાલી રહેલી ચર્ચાએ સમગ્ર વિભાગમાં હલચલ મચાવી છે.

મળતી માહિતી મુજબ, બ્રાન્ડેડ કંપનીઓની ઘડિયાળોના નામે નકલી અથવા કોપી ઘડિયાળો વિદેશ મોકલવામાં આવતી હોવાની માહિતી બેંગલોર કસ્ટમ વિભાગને મળી હતી. ત્યારબાદ તપાસનો દોર શરૂ થયો અને સુરત સાથે જોડાયેલી છ પેઢીઓ સુધી કસ્ટમ વિભાગ પહોંચ્યું હોવાનું જાણવા મળે છે.તપાસ દરમિયાન શંકાસ્પદ માલ અંગે કાર્યવાહી કરવામાં આવી અને કેટલીક વસ્તુઓ જપ્ત કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર મામલાની વધુ તપાસ માટે બેંગલોર કસ્ટમની ટીમ સુરત આવી હોવાનું પણ જાણવા મળે છે.પરંતુ આ કાર્યવાહી દરમિયાન જ સુરત કસ્ટમના એક અધિકારીની ભૂમિકા અંગે સવાલો ઊભા થયા હોવાની ચર્ચા શરૂ થઈ છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, રાજસ્થાન સાથે જોડાયેલી એક વ્યક્તિ અને સંબંધિત કસ્ટમ અધિકારી વચ્ચે આ કેસને લઈને વાતચીત થઈ હોવાની ચર્ચા છે. જોકે, આ દાવાઓની સત્તાવાર પુષ્ટિ હજુ સુધી થઈ નથી.ચર્ચા એવી પણ છે કે કાર્યવાહીનો વ્યાપ વધુ ન વધે અને કેટલાક મુદ્દામાલને જપ્ત કરવામાં ન આવે તે માટે કથિત રીતે સેટલમેન્ટની વાતચીત કરવામાં આવી હતી. મોબાઇલ ફોન સહિતના કેટલાક મહત્વપૂર્ણ મુદ્દામાલ અંગે પણ નિર્ણય બદલવાની ચર્ચા થઈ હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.આ મામલામાં સૌથી મોટો સવાલ કથિત રકમની માંગણીને લઈને ઊભો થયો છે. ચર્ચા મુજબ, કાર્યવાહી અટકાવવા અથવા મામલો થાળે પાડવા માટે એક ચોક્કસ રકમ અંગે વાત થઈ હતી. ત્યારબાદ નક્કી કરાયેલી રકમ કરતાં અનેકગણી વધુ રકમની માંગણી કરવામાં આવી હોવાની ચર્ચા સામે આવી છે.


કહેવાય છે કે આ વધેલી માંગણીને કારણે સમગ્ર મામલો બગડ્યો હતો. ત્યારબાદ સુરત સાથે જોડાયેલી અન્ય પેઢીઓ પાસેથી પણ મુદ્દામાલ જપ્ત ન કરવા અથવા આગળની કાર્યવાહી ન કરવા માટે કથિત રીતે રકમની માંગણી થઈ હોવાના આક્ષેપો ચર્ચામાં આવ્યા છે.પરંતુ અહીંથી મામલો વધુ ગંભીર બન્યો હોવાનું કહેવાય છે. સૂત્રોમાં ચાલતી ચર્ચા પ્રમાણે, કથિત રીતે રકમની લેવડદેવડ અંગે વાત થયા બાદ પણ મોબાઇલ અને અન્ય મુદ્દામાલ કસ્ટમ દ્વારા જપ્ત કરવામાં આવ્યો હતો. જેના કારણે અગાઉ થયેલી કથિત વાતચીત અને સેટલમેન્ટની ચર્ચા પર અનેક સવાલો ઊભા થયા છે.હવે તપાસનો મુખ્ય મુદ્દો એ છે કે ખરેખર આ સમગ્ર રેકેટમાં કોણ કોણ સંડોવાયેલું છે? ઘડિયાળોના નામે નકલી માલ વિદેશ મોકલવાની પ્રક્રિયા કેવી રીતે ચાલી રહી હતી? છ પેઢીઓની ભૂમિકા શું હતી? અને સૌથી મહત્વનું સુરત કસ્ટમના જે અધિકારીની કથિત ભૂમિકા અંગે ચર્ચા ચાલી રહી છે, તેમની સામે તપાસમાં કોઈ પુરાવા સામે આવે છે કે નહીં?


હાલમાં સામે આવેલા તમામ આક્ષેપો અને ચર્ચાઓની સત્તાવાર પુષ્ટિ થવાની બાકી છે. તેથી સમગ્ર મામલામાં કસ્ટમ વિભાગની સત્તાવાર તપાસ અને દસ્તાવેજી પુરાવા મહત્વપૂર્ણ બની રહેશે.જો આક્ષેપોની નિષ્પક્ષ અને ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો નકલી બ્રાન્ડેડ ઘડિયાળોના કથિત નેટવર્કથી લઈને કસ્ટમ કાર્યવાહી દરમિયાન થયેલી સેટલમેન્ટની ચર્ચા સુધીના અનેક રહસ્યો બહાર આવી શકે છે.આ સમગ્ર પ્રકરણમાં હવે નજર બેંગલોર કસ્ટમ વિભાગની આગળની કાર્યવાહી પર છે. તપાસ જેમ જેમ આગળ વધશે તેમ આ કથિત રેકેટ પાછળના લોકો, વ્યવહારો અને સમગ્ર નેટવર્ક અંગે વધુ ચોંકાવનારી વિગતો સામે આવે છે કે નહીં તે જોવું મહત્વપૂર્ણ રહેશે.

Most Popular

To Top