સુરતથી વડોદરા તરફના ટ્રેક પર ઘટના,3 કલાક સુધી વાહનો ફસાયા, માત્ર એક લેન ચાલુ :
( પ્રતિનિધિ )વડોદરા,તા.1
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. સુરતથી વડોદરા તરફ આવતા ટ્રેક પર ગેસના ટેન્કર, એક ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત થતા હાઈવે પર અફરાતફરી મચી ગઈ હતી.
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર ત્રિપલ અકસ્માતમાં ત્રણેય વાહનો એકબીજા સાથે અથડાઈને રોડ પર આડા પડી ગયા હતા. સદનસીબે ગેસ ટેન્કરમાં લીકેજ ન થતા મોટી દુર્ઘટના ટળી હતી, પરંતુ ગેસનું ટેન્કર હોવાથી તેને ખૂબ જ સાવચેતી સાથે ખસેડવાની કામગીરી કરવી પડી હતી. જેના કારણે ભારે વિલંબ થયો હતો. અકસ્માતના પગલે એક્સપ્રેસ હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. હાલ માત્ર એક જ લેન પરથી વાહન વ્યવહાર ચાલુ રાખવામાં આવ્યો હતો. જેના કારણે સુરતથી વડોદરા તરફ આવતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ત્રણ-ત્રણ કલાક સુધી વાહનો ટ્રાફિક જામમાં ફસાયેલા રહ્યા હતા. ઘટનાની જાણ થતા જ હાઈવે પેટ્રોલિંગ અને પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને ક્રેનની મદદથી વાહનો હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી અને ટ્રાફિક હળવો કર્યો હતો.