ભારતમાં સોનું માત્ર દાગીના નથી, પરંતુ બચત અને રોકાણનો પણ મોટો આધાર માનવામાં આવે છે. આવી સ્થિતિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એકવાર લોકોને જરૂર ન હોય તો સોનું ન ખરીદવાની અપીલ કરી છે. 1 સપ્ટેમ્બર 2026ના રોજ દેશની અર્થવ્યવસ્થાએ એપ્રિલ-જૂન ત્રિમાસિક ગાળામાં 7.8% વૃદ્ધિ નોંધાવ્યા બાદ મોદીએ સ્વદેશી અને આત્મનિર્ભર ભારત પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે દેશવાસીઓ સ્થાનિક વસ્તુઓ અને સેવાઓને વધુ પ્રાથમિકતા આપે તો ભારતની અર્થવ્યવસ્થા વધુ મજબૂત બની શકે છે.
સોનાથી લઈને વિદેશ પ્રવાસ સુધી મોદીની અપીલ
મોદીએ લોકોને કેટલીક બાબતોમાં પોતાના ખર્ચ અંગે વિચારવા કહ્યું છે. તેમણે ખાસ કરીને કહ્યું કે જરૂર ન હોય તો સોનું ખરીદવાનું ટાળવું જોઈએ. સાથે જ માત્ર ફરવા માટે વિદેશ ન જવા અને વિદેશમાં લગ્ન કરવાને બદલે ભારતમાં જ લગ્ન કરવા પર ભાર મૂક્યો. મોદીનો સંદેશ સ્પષ્ટ છે કે દેશની અંદર ખર્ચ વધશે તો તેનો સીધો ફાયદો ભારતીય વેપારીઓ, દુકાનદારો, સેવા આપતી કંપનીઓ અને સ્થાનિક ઉદ્યોગોને મળશે. વધુમાં વધુ પૈસા દેશની અંદર જ ફરતા રહે તેનાથી સ્થાનિક અર્થવ્યવસ્થાને ટેકો મળશે.
સોનું ખરીદવાથી દેશને શું અસર પડે છે?
ભારત પોતાની સોનાની જરૂરિયાતનો મોટો હિસ્સો વિદેશમાંથી આયાત કરે છે. એટલે દેશમાં સોનું ખરીદવામાં જેટલો વધારો થાય, એટલી વધુ વિદેશી ચલણની જરૂર પડે છે. આ જ કારણસર સોનાની બિનજરૂરી ખરીદી ઘટાડવાથી દેશના વિદેશી ચલણ પરનુ દબાણ ઓછુ કરવામાં મદદ મળી શકે છે. સોનાની આયાત ભારતના વેપાર અને ચાલુ ખાતાના હિસાબ પર પણ અસર કરે છે. તાજેતરના આંકડા મુજબ નાણાકીય વર્ષ 2025-26માં ભારતની સોનાની આયાતનું મૂલ્ય રેકોર્ડ $71.98 બિલિયન રહ્યું હતું.
આ પહેલીવાર નથી જ્યારે મોદીએ અપીલ કરી
મોદીએ મે 2026માં પણ લોકોને એક વર્ષ સુધી લગ્ન માટે સોનું ખરીદવાનું ટાળવાની અપીલ કરી હતી. તે સમયે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ અને તેલના ભાવમાં વધારાને કારણે ભારતના વિદેશી ચલણ પર દબાણ વધવાની ચિંતા હતી. ત્યારે મોદીએ લોકોને ઈંધણનો વપરાશ ઘટાડવા, જાહેર પરિવહનનો વધુ ઉપયોગ કરવા, વિદેશ પ્રવાસ અને વિદેશમાં લગ્ન ટાળવા તથા સ્થાનિક વસ્તુઓ ખરીદવા જેવી બાબતો પર પણ ભાર મૂક્યો હતો.
7.8% વૃદ્ધિ વચ્ચે સ્વદેશીનો નવો સંદેશ
1 સપ્ટેમ્બરના પોતાના સંદેશમાં મોદીએ ભારતના 7.8% જીડીપી વૃદ્ધિદરને દેશવાસીઓની મહેનત અને સામૂહિક શક્તિનું પરિણામ ગણાવ્યું. તેમણે કહ્યું કે દુનિયામાં યુદ્ધ અને અસ્થિરતા વચ્ચે પણ ભારત ઝડપથી આગળ વધી રહ્યું છે, તેથી આ ગતિ જાળવી રાખવી જરૂરી છે. તેમણે આત્મનિર્ભર ભારત અને સ્વદેશીનો મંત્ર આગળ વધારતા કહ્યું કે જો લોકો સ્થાનિક વસ્તુઓ અને સેવાઓ પર વધારે ભરોસો કરશે તો દેશની અંદર વેપાર અને રોજગારીની તકો પણ વધશે.
મોદીનો સંદેશ માત્ર સોના પૂરતો નથી
આ સમગ્ર અપીલનો હેતુ માત્ર સોનાની ખરીદી ઘટાડવાનો નથી. મોદીએ લોકોના ખર્ચ કરવાની રીતમાં થોડો ફેરફાર કરવાની વાત કરી છે. દેશી વસ્તુ ખરીદવી, દેશમાં જ પ્રવાસ કરવો, ભારતમાં લગ્ન કરવા અને બિનજરૂરી સોનું ન ખરીદવું — આ બધાને તેમણે આત્મનિર્ભર ભારત સાથે જોડ્યા છે. મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે દેશવાસીઓ સ્થાનિક વસ્તુઓને વધુ પ્રાથમિકતા આપશે તો 2047માં ભારતની સ્વતંત્રતાના 100 વર્ષ પૂર્ણ થાય ત્યારે દેશને વિકસિત ભારત બનાવવાનો લક્ષ્ય હાંસલ કરી શકાશે.
એટલે સોનું ન ખરીદવાની મોદીની અપીલને માત્ર વ્યક્તિગત ખરીદી અંગેની સલાહ તરીકે જોવાને બદલે દેશની અર્થવ્યવસ્થામાં સ્થાનિક ખર્ચ વધારવા અને વિદેશી વસ્તુઓ પરની નિર્ભરતા ઘટાડવાના મોટા સંદેશ તરીકે પણ જોવામાં આવી રહી છે.