ભારતીય રાજકારણનું મેદાન હવે માત્ર સંસદ, ચૂંટણી સભાઓ અને જાહેર મંચો પૂરતું સીમિત રહ્યું નથી. રાજકીય લડાઈ હવે લોકોના મોબાઇલ ફોનની સ્ક્રીન સુધી પહોંચી ગઈ છે. Instagramની રીલ્સ અને ‘X’ની ટાઈમલાઇન હવે રાજકીય સંવાદના નવા મેદાન બની રહ્યા છે. ખાસ કરીને દેશના યુવાનો અને Gen-Z સુધી સીધો સંપર્ક સ્થાપિત કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સોશિયલ મીડિયા પર વધુ સક્રિય બન્યા છે.તાજેતરના આંકડાઓ દર્શાવે છે કે 20 જુલાઈના વિદ્યાર્થી આંદોલન બાદ બંને નેતાઓની Instagram પરની એન્ગેજમેન્ટમાં નોંધપાત્ર વધારો થયો છે. વડાપ્રધાન મોદીની Instagram એન્ગેજમેન્ટમાં લગભગ 289.9 ટકાનો ઉછાળો નોંધાયો છે, જ્યારે રાહુલ ગાંધીની એન્ગેજમેન્ટમાં લગભગ 180.7 ટકાનો વધારો થયો છે. આ આંકડાઓ માત્ર સોશિયલ મીડિયા લોકપ્રિયતાની વાત નથી કરતા, પરંતુ ભારતીય રાજકારણમાં બદલાઈ રહેલી રાજકીય સંવાદની પદ્ધતિ તરફ પણ ઈશારો કરે છે.
એક સમય હતો જ્યારે રાજકીય સંદેશા મુખ્યત્વે સંસદના ભાષણો, મોટી જાહેર સભાઓ, અખબારો અને ટેલિવિઝન મારફતે લોકો સુધી પહોંચતા હતા. હવે પરિસ્થિતિ ઝડપથી બદલાઈ રહી છે. આજે નાનો વીડિયો, Instagram Reel, લાઈવ સેશન અથવા ‘Ask Me Anything’ જેવી પ્રવૃત્તિ દ્વારા રાજકીય નેતાઓ સીધા લાખો યુવાનો સુધી પહોંચી શકે છે. ખાસ વાત એ છે કે સોશિયલ મીડિયા પર લોકો માત્ર સાંભળતા નથી, પરંતુ પ્રશ્નો પણ પૂછે છે, કમેન્ટ કરે છે, પોતાની પ્રતિક્રિયા આપે છે અને રાજકીય કન્ટેન્ટને મોટા પાયે શેર પણ કરે છે.20 જુલાઈએ જંતર-મંતરથી સંસદ તરફ વિદ્યાર્થીઓના માર્ચ અને ત્યારબાદ સર્જાયેલા ઘટનાક્રમ પછી સોશિયલ મીડિયા પર વિદ્યાર્થી મુદ્દાઓને લઈને ભારે ચર્ચા શરૂ થઈ હતી. આ ઘટનાક્રમ બાદ વડાપ્રધાન મોદી અને રાહુલ ગાંધી બંનેએ યુવાઓ સુધી પોતાની વાત પહોંચાડવા માટે ડિજિટલ પ્લેટફોર્મનો વધુ અસરકારક ઉપયોગ કર્યો હોવાનું જોવા મળ્યું.
વડાપ્રધાન મોદી પહેલેથી જ સોશિયલ મીડિયા પર દેશના સૌથી લોકપ્રિય રાજકીય નેતાઓમાં સામેલ છે. X અને Facebook પર તેમની મજબૂત હાજરી લાંબા સમયથી છે, પરંતુ તાજેતરના સમયમાં Instagram પર પણ તેમની સક્રિયતા વધી છે. વિદ્યાર્થી આંદોલન બાદ 23 જુલાઈએ વડાપ્રધાન મોદીએ વિદ્યાર્થીઓની ચિંતાઓને ધ્યાનમાં રાખીને એક વીડિયો પોસ્ટ કર્યો હતો. આ વીડિયોને અહેવાલ મુજબ લગભગ 305 મિલિયન વ્યૂઝ મળ્યા હતા. વીડિયોને 2.1 કરોડથી વધુ લાઈક્સ મળ્યા અને લગભગ 19 લાખ કમેન્ટ્સ નોંધાયા હતા.આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયો હતો. અહેવાલ મુજબ તેને લગભગ 18 લાખ વખત રીપોસ્ટ કરવામાં આવ્યો હતો અને અંદાજે 78 લાખ લોકોએ શેર કર્યો હતો. આ આંકડાઓ દર્શાવે છે કે રાજકીય વીડિયો પણ હવે મનોરંજન અને અન્ય લોકપ્રિય ડિજિટલ કન્ટેન્ટની જેમ ઝડપથી વિશાળ દર્શકવર્ગ સુધી પહોંચી શકે છે.
ત્યારબાદ 24 જુલાઈએ વડાપ્રધાન મોદીનો વધુ એક વીડિયો સામે આવ્યો હતો, જેને લગભગ 1.6 કરોડ લાઈક્સ અને 15 લાખ કમેન્ટ્સ મળ્યા હતા. આ વીડિયોને આશરે 10 લાખ વખત રીપોસ્ટ કરવામાં આવ્યો હતો અને 25 લાખથી વધુ વખત શેર કરવામાં આવ્યો હતો. 26 જુલાઈએ શેર કરવામાં આવેલા વધુ એક વીડિયોને પણ લગભગ 1.4 કરોડ લાઈક્સ, 10 લાખ કમેન્ટ્સ અને લગભગ 15 લાખ શેર મળ્યા હોવાનું જણાવાયું છે.Instagram પર વડાપ્રધાન મોદીના અંદાજે 10.6 કરોડ ફોલોઅર્સ છે અને તેઓ વિશ્વના સૌથી વધુ ફોલો કરવામાં આવતા રાજકીય નેતાઓમાં સામેલ છે. પરંતુ આ વખતે ચર્ચાનો મુખ્ય મુદ્દો માત્ર તેમના ફોલોઅર્સની સંખ્યા નહીં, પરંતુ તાજેતરના દિવસોમાં તેમની પોસ્ટ્સ સાથે લોકોની વધેલી ભાગીદારી છે.
સોશિયલ લિસનિંગ અને એનાલિટિક્સ ક્ષેત્રે કાર્ય કરતી Data Beings દ્વારા કરવામાં આવેલા વિશ્લેષણ મુજબ 20 જુલાઈ પહેલાં વડાપ્રધાન મોદીની એક Instagram પોસ્ટ પર સરેરાશ લગભગ 11.9 લાખ લોકોની એન્ગેજમેન્ટ જોવા મળતી હતી. વિદ્યાર્થી પ્રદર્શન બાદ આ આંકડો વધીને લગભગ 46.3 લાખ સુધી પહોંચી ગયો હતો. એટલે કે તેમની સરેરાશ એન્ગેજમેન્ટમાં લગભગ 289.9 ટકાનો વધારો નોંધાયો હતો.બીજી તરફ રાહુલ ગાંધીના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સમાં પણ લોકોની રસપ્રદ ભાગીદારીમાં મોટો વધારો જોવા મળ્યો છે. ખાસ કરીને NEET અને વિદ્યાર્થીઓ સાથે જોડાયેલા મુદ્દાઓ બાદ રાહુલ ગાંધીની ડિજિટલ પહોંચ ઝડપથી વધી હોવાનું સામે આવ્યું છે. રાહુલ ગાંધીએ વિદ્યાર્થીઓ માટે ‘Ask Me Anything’ એટલે કે AMA સેશન પણ યોજ્યું હતું, જેમાં સીધા પ્રશ્ન-જવાબ દ્વારા યુવાનો સાથે સંપર્ક સાધવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
રાહુલ ગાંધીના X પર અંદાજે 2.85 કરોડ ફોલોઅર્સ છે. આ સંખ્યા વડાપ્રધાન મોદીની સોશિયલ મીડિયા પહોંચની સરખામણીએ ઓછી હોવા છતાં, તેમની પોસ્ટ્સ અને વીડિયોની એન્ગેજમેન્ટમાં નોંધપાત્ર વૃદ્ધિ થઈ છે. Data Beingsના આંકડા મુજબ 20 જુલાઈ પહેલાં રાહુલ ગાંધીની એક Instagram પોસ્ટ પર સરેરાશ લગભગ 1.52 લાખ લોકોની એન્ગેજમેન્ટ હતી. વિદ્યાર્થી આંદોલન બાદ આ આંકડો વધીને લગભગ 4.26 લાખ સુધી પહોંચી ગયો હતો.આનો અર્થ એ થયો કે રાહુલ ગાંધીની સરેરાશ Instagram એન્ગેજમેન્ટમાં લગભગ 180.7 ટકાનો વધારો થયો અને તેમની ડિજિટલ ભાગીદારી અગાઉની સરખામણીએ લગભગ 2.8 ગણી થઈ ગઈ.
આ જ વિશ્લેષણમાં ભાજપ અને કોંગ્રેસના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ્સનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. 20 જુલાઈ બાદ બંને પક્ષોની એન્ગેજમેન્ટમાં વધારો જોવા મળ્યો, પરંતુ એક રસપ્રદ બાબત સામે આવી,રાજકીય પક્ષોની બ્રાન્ડ કરતાં વ્યક્તિગત નેતાઓના કન્ટેન્ટને વધુ અસરકારક પ્રતિસાદ મળ્યો. કોંગ્રેસના એન્ગેજમેન્ટ સંબંધિત આંકડામાં લગભગ 43.4 ટકાનો વધારો નોંધાયો, જ્યારે ભાજપના આંકડામાં લગભગ 37.1 ટકાની વૃદ્ધિ જોવા મળી હતી.આ સ્થિતિ દર્શાવે છે કે Instagram પર લોકો હવે માત્ર રાજકીય પાર્ટીના નામને નહીં, પરંતુ વ્યક્તિગત નેતાઓના સીધા સંવાદને વધુ મહત્વ આપી રહ્યા છે. વડાપ્રધાન મોદી અને રાહુલ ગાંધી બંનેએ Gen-Z સુધી પહોંચવા માટે સોશિયલ મીડિયાની ભાષા અપનાવવાનો પ્રયાસ કર્યો છે.
વડાપ્રધાન મોદીએ ટૂંકા વીડિયો અને રીલ્સ દ્વારા વિદ્યાર્થીઓ સુધી પોતાની વાત પહોંચાડવાનો પ્રયાસ કર્યો, જ્યારે રાહુલ ગાંધીએ AMA સેશન અને સીધા પ્રશ્ન-જવાબ દ્વારા યુવાનો સાથે સંવાદ સ્થાપિત કરવાની રણનીતિ અપનાવી. આ બંને રીત પરંપરાગત રાજકીય ભાષણોથી અલગ છે.આજે રાજકીય સંદેશાનો અર્થ માત્ર “નેતા બોલે અને જનતા સાંભળે” એટલો રહ્યો નથી. સોશિયલ મીડિયા પર યુવાનો પ્રશ્ન પૂછે છે, જવાબ માંગે છે, કમેન્ટ કરે છે, વીડિયો શેર કરે છે અને ઘણી વખત પોતે પણ રાજકીય કન્ટેન્ટ બનાવે છે. એટલે કે જનતા હવે માત્ર દર્શક નથી, પરંતુ ડિજિટલ રાજકીય ચર્ચાનો સક્રિય ભાગ બની રહી છે.20 જુલાઈના ‘સંસદ ચાલો’ માર્ચ દરમિયાન વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે થયેલી અથડામણ બાદ સોશિયલ મીડિયા પર ચર્ચાનો માહોલ વધુ ગરમાયો હતો. વિદ્યાર્થીઓ પોતે પ્રદર્શનના વીડિયો અને રીલ્સ બનાવી રહ્યા હતા અને એ જ ડિજિટલ પ્લેટફોર્મ પર વડાપ્રધાન મોદી અને રાહુલ ગાંધી પણ પોતાની અલગ-અલગ રાજકીય શૈલી સાથે યુવાનો સુધી પહોંચી રહ્યા હતા.
આ સમગ્ર ઘટનાક્રમ એક મોટો સંકેત આપે છે કે ભારતમાં Instagram હવે માત્ર મનોરંજન, ફેશન અને રીલ્સનું પ્લેટફોર્મ રહ્યું નથી. તે હવે રાજકીય સંવાદનું પણ મહત્વપૂર્ણ માધ્યમ બની રહ્યું છે. આવનારા સમયમાં ચૂંટણી અને રાજકીય ચર્ચાઓમાં મોબાઇલ સ્ક્રીનનું મહત્વ વધુ વધવાની શક્યતા છે.સંસદથી શરૂ થતી રાજકીય ચર્ચા હવે સીધી લોકોના સ્માર્ટફોન સુધી પહોંચી રહી છે. અને આ નવા ડિજિટલ મેદાનમાં જીત માત્ર ભાષણોથી નહીં, પરંતુ વીડિયો, રીલ્સ, સીધા સંવાદ અને લોકોની એન્ગેજમેન્ટથી નક્કી થતી જોવા મળી રહી છે. ભારતની નવી પેઢી સુધી પહોંચવા માટે હવે રાજકીય નેતાઓને માત્ર મતદારો સુધી નહીં, પરંતુ સતત મોબાઇલ સ્ક્રીન પર સક્રિય રહેતા Gen-Z સુધી પણ પોતાની વાત અસરકારક રીતે પહોંચાડવી પડશે.એક વાત સ્પષ્ટ છે,ભારતીય રાજકારણનું નવું મેદાન હવે માત્ર સંસદ નથી. મોબાઇલની સ્ક્રીન પણ છે!