Business

નેપાળની હોનારત એ હવામાન પરિવર્તન કેવા ભીષણ સંજોગો સર્જી શકે છે તેની ઝલક માત્ર છે?

ગયા બુધવારે નેપાળમાં જે વ્યાપક તબાહી સર્જતું ઘોડાપૂર ધસી આવ્યું તેમાં હજી જ્યારે બચાવ-રાહત કાર્યો ચાલુ છે ત્યારે આ મહા હોનારત એ હવામાન પરિવર્તનને કારણે સર્જાનારી વિભિષિકાઓની ઝલક માત્ર છે કે કેમ? એવી ચિંતા કેટલાક નિષ્ણાતો સેવવા માંડ્યા છે. આ હોનારત અંગે શરૂઆતમાં એવું માનવામાં આવતું હતું કે નાની તીવ્રતાના ભૂકંપની કારણે પાણીનો આટલો વિશાળ જથ્થો અચાનક ધસી આવ્યો, પરંતુ બાદમાં વૈજ્ઞાનિકોએ શોધી કાઢયું કે ખરેખર એક ગ્લેશિયરના ફાટવાથી આ દુર્ઘટના સર્જાઇ છે.  ભૂવિજ્ઞાની જેકોબ સ્ટેઇનરે જણાવ્યું  કે એવું લાગે છે જાણે કોઈકે છરી વડે નેપાળના હિમાલયમાં આવેલ હિમશિખરના નીચલા ભાગમાંથી ૧,૩૦૦ મીટર પહોળો ટુકડો કાપી નાખ્યો હોય અને તેને પહાડની ટેકરી પરથી નીચે ફેંકી દીધો હોય.

ઓસ્ટ્રિયાની યુનિવર્સિટી ઓફ ગ્રાઝના આ સંશોધકે જણાવ્યું કે બરફ, ખડકો અને કાંપના આ “વિસ્ફોટ” જે સમુદ્ર સપાટીથી ૫,૦૦૦ મીટરની ઊંચાઈએથી ૧.૨ કિમી નીચે આવીને ખાબક્યો હતો, તેણે અસ્થાયી રૂપે નીચે વહેતી નદીને રોકી દીધી હતી અને એક તળાવ બનાવી દીધું હતું. સ્ટેઇનર કહે છે કે એકવાર ગ્લેશિયરમાંથી મુક્ત થયેલા પાણીના પ્રચંડ જથ્થાથી તે તળાવ ભરાઈ ગયું, ત્યારબાદ બંધ તૂટી ગયો અને હિંસક પૂરનું સ્વરૂપ ધારણ કર્યું. આ પૂરે સરહદની બંને બાજુએ આવેલા નીચાણવાળા ગામડોઓને તબાહ કરી નાખ્યા અને તેમને કાદવમાં ડૂબાડી દીધા.

જો કે કેટલાક આબોહવા વિજ્ઞાનીઓ  માનવસર્જિત આબોહવા પરિવર્તનને આ ચોક્કસ ગ્લેશિયર તૂટવાના એકમાત્ર કારણ તરીકે અકાળે જોડવા અંગે સાવચેતી દાખવી રહ્યા છે. પરંતુ ગ્લેશિયર હાઇડ્રોલોજી અને ગ્લોબલ વોર્મિંગની પૃથ્વીના બરફ આચ્છાદિત ભાગો પર થતી અસરો પર સંશોધન કરતા નિષ્ણાતોનું કહેવું છે કે આ એ પ્રકારની દુર્ઘટના છે જેમના વિશે તેઓ વર્ષોથી ચેતવણી આપી રહ્યા હતા, ખાસ કરીને હિમાલયના પ્રદેશમાં. સાસકાચેવાન યુનિવર્સિટીના સેન્ટર ફોર હાઇડ્રોલોજીના ડિરેક્ટર જોન પોમેરોય કહે છે કે આ પ્રકારની ભયાનક ઘટનાઓ ખૂબ જ ઝડપથી વધી રહી છે કારણ કે આબોહવા પરિવર્તનની અસરો “આપણા નૈસર્ગિક માળખાને નષ્ટ કરી રહી છે.

નેપાળની રાજધાની કાઠમંડુના ક્લાઇમેટ સાયન્ટિસ્ટ મંજીત ધકાલે આ ગ્લેશિયર તૂટવાના થોડા દિવસો પહેલા જ પરિવાર સાથે પ્રવાસ કરતી વખતે આ તબાહ થયેલા પ્રદેશમાંથી પસાર થયા હતા. તેઓ કહે છે કે હિમાલય એ એક “ખૂબ જ જટિલ જમીન સમૂહ” છે જે મ્યાનમારથી અફઘાનિસ્તાન સુધી ફેલાયેલા વિશાળ હિંદુ કુશ હિમાલય ક્ષેત્રનો ભાગ છે અને જેમાં ૬૩,૦૦૦ થી વધુ ગ્લેશિયર્સ આવેલા છે. અશ્મિભૂત બળતણ  બાળવાથી ઉત્સર્જિત વાયુઓને કારણે વધતા વૈશ્વિક તાપમાને “આ પર્વતીય પ્રદેશને તાણ હેઠળ  મૂકી દીધો છે,” એમ ધકાલ કહે છે.

તેમાં વરસાદની પદ્ધતિ બદલાવી, બરફ પીગળવાનું પ્રમાણ વધવું, વધુ હિમસ્ખલન થવું અને ગ્લેશિયર્સ પાછળ હટવાની પ્રક્રિયા ખૂબ ઝડપી બનવાનો સમાવેશ થાય છે. આ સદીના પ્રથમ ક્વાર્ટરમાં જ પૃથ્વીનું તાપમાન વધવાને કારણે હિમાલયે તેના ગ્લેશિયર કવરેજનો ૨૧ ટકા હિસ્સો ગુમાવી દીધો છે. તે કાયમી ધોરણે જામી ગયેલા બરફને પણ પીગાળી રહ્યું છે, જે આ ઊંચા પર્વતોને એકસાથે જકડી રાખે છે. આ બધી બાબતો ભેગી મળીને એ દર્શાવે છે કે આપણે વિશ્વમાં ક્યાંક ને ક્યાંક દર વર્ષે આવી ઘટનાઓ જોતા રહીશું, એમ એક વૈજ્ઞાનિકે જણાવ્યું હતું.

ગયા વર્ષે પણ આ જ નેપાળ-તિબેટ સરહદી વિસ્તારમાં ગ્લેશિયરના કારણે ઘોડાપૂર આવ્યું હતું, પરંતુ તે ગ્લેશિયરનો મોટો ટુકડો તૂટી પડવાને કારણે નહોતું થયું. તે ગ્લેશિયલ લેક આઉટબર્સ્ટ ફ્લડ(GLOF)ના કારણે થયું હતું, જે ઘટના વિશ્વભરમાં અવારનવાર બને છે. કેટોલીકવાર આવું અચાનક અને ભારે વરસાદને કારણે થાય છે, જેમ કે ઓગસ્ટ ૨૦૨૫માં ભારતના હિમાલય પ્રદેશમાં એક ગામ નષ્ટ થઈ ગયું હતું. બીજી વખત તે વધુ ઊંચાઈ પરથી થયેલા હિમસ્ખલન કે ભૂસ્ખલનને કારણે થઈ શકે છે જે ભેગા થયેલા પાણીમાં ખાબકે છે. ૨૦૨૩ માં ‘નેચર’ દ્વારા પ્રકાશિત સંશોધન મુજબ, ગ્લોબલ વોર્મિંગ બરફના નુકસાનમાં વધારો કરી રહ્યું છે અને ત્યારબાદ ગ્લેશિયલ તળાવોનું કદ વધારી રહ્યું હોવાને કારણે તે વધુ સક્રિય અને ભયજનક બન્યા છે.

તે અભ્યાસમાં અંદાજ લગાવાયો હતો કે આશરે ૧.૫ કરોડ લોકો તેઓ જ્યાં રહે છે તેના પ૦ કિલોમીટરના વિસ્તારમાં GLOFs ના જોખમ હેઠળ છે – જેમાં મુખ્યત્વે હિમાલય, પણ દક્ષિણ અમેરિકાનો એન્ડીસ પ્રદેશ અને યુરોપના આલ્પ્સ પર્વતોનો સમાવેશ થાય છે. નેપાળની ઘટના સંપૂર્ણપણે હવામાન પરિવર્તનનું જ પરિણામ છે કે પછી કેટલાક પાકૃતિક પરિબળો પણ તેમાં ભાગ ભજવી ગયા છે? તે તો વિસ્તૃત સંશોધનો પરથી જ જાણી શકાશે. પરંતુ આમાં માનવ સર્જિત હવામાન પરિવર્તનનો થોડો ફાળો તો છે જે એમ જણાઇ આવે છે. અને આ હોનારત સૂચવે છે કે આવી વધુને વધુ આપત્તિઓ ટાળવી હોય તો સમગ્ર વિશ્વે પ્રદૂષણ નિવારણ માટે ગંભીરતાપૂર્વક પગલાઓ ભરવાની જરૂર છે.

Most Popular

To Top