World

ન્યૂયોર્કના ટાઈમ્સ સ્ક્વેરમાં ચાકૂથી હુમલો! મહિલાએ બે લોકો પર કર્યા હુમલા, પોલીસ ફાયરિંગમાં હુમલાખોરનું મોત

અમેરિકાના ન્યૂયોર્ક શહેરના વિશ્વપ્રસિદ્ધ અને હંમેશા ધમધમતા ટાઈમ્સ સ્ક્વેર વિસ્તારમાં ચોંકાવનારી હિંસક ઘટના સામે આવી છે. એક મહિલાએ ચાકૂ વડે બે લોકો પર હુમલો કર્યો હતો. ઘટનામાં એક મહિલા અને એક પુરુષ ગંભીર રીતે ઘાયલ થયા હતા. હુમલા બાદ પોલીસ દ્વારા મહિલાને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તે ચાકૂ છોડવા તૈયાર ન થતાં અંતે પોલીસે ગોળીબાર કર્યો હતો. ગોળી વાગ્યા બાદ હુમલાખોર મહિલાને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં તેનું મોત થયું હતું.પોલીસના જણાવ્યા મુજબ આ ઘટના ટાઈમ્સ સ્ક્વેરના અત્યંત વ્યસ્ત વિસ્તારમાં બની હતી, જ્યાં તે સમયે મોટી સંખ્યામાં સ્થાનિક લોકો, પ્રવાસીઓ હાજર હતા. વિશ્વભરમાં પ્રવાસીઓ માટે જાણીતા આ વિસ્તારમાં અચાનક બનેલી ચાકૂબાજીની ઘટનાથી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

અહેવાલ મુજબ ઘટના સાંજે આશરે 4:36 વાગ્યે બની હતી. મહિલાએ વેસ્ટ 42મી સ્ટ્રીટ અને સેવન્થ એવન્યુ નજીક એક પુરુષ અને એક મહિલા પર ચાકૂ વડે હુમલો કર્યો હતો. હુમલા બાદ બંને ઘાયલ થયા હતા અને આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો.હુમલા બાદ આરોપી મહિલા ઘટનાસ્થળેથી ભાગી ગઈ હતી. જોકે થોડા સમય પછી તે નજીકમાં આવેલા ન્યૂયોર્ક પોલીસ વિભાગ એટલે કે NYPDના સબ-સ્ટેશન પાસે પોલીસ સામે આવી ગઈ હતી.પોલીસ અધિકારીઓએ તેને રોકવાનો પ્રયાસ કર્યો અને હાથમાં રહેલા ચાકૂ નીચે મૂકવા માટે કહ્યું હતું.પરંતુ પોલીસના જણાવ્યા અનુસાર મહિલા ચાકૂ છોડવા તૈયાર નહોતી. અહેવાલ મુજબ તેના હાથમાં બે ચાકૂ હતા અને પોલીસ સામે પણ તે આક્રમક રીતે આગળ વધી રહી હતી.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં મહિલા ગુલાબી રંગનો શર્ટ અને જીન્સ પહેરેલી જોવા મળે છે. વીડિયોમાં તે હાથમાં ચાકૂ સાથે પોલીસ અધિકારીઓ સામે ઊભી હોવાનું પણ જોવા મળે છે, જ્યારે આસપાસ લોકોની ભીડ જમા થઈ હતી.પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે શરૂઆતમાં ગોળીબારનો રસ્તો અપનાવ્યો નહોતો. અધિકારીઓએ પહેલા મહિલાને રોકવા માટે ટેઝરનો ઉપયોગ કર્યો હતો. ટેઝરનો ઉપયોગ સામાન્ય રીતે વ્યક્તિને અસ્થાયી રીતે કાબૂમાં લેવા માટે કરવામાં આવે છે.પરંતુ પોલીસના જણાવ્યા મુજબ ટેઝરની અસર બાદ પણ મહિલા સંપૂર્ણ રીતે કાબૂમાં આવી નહોતી. તેણે ટેઝર દૂર કરી દીધો અને હાથમાં ચાકૂ લઈને આગળ વધતી રહી હતી. પરિસ્થિતિ વધુ જોખમી બનતાં પોલીસ અધિકારીઓએ અંતે ગોળીબાર કર્યો હતો.ગોળી વાગ્યા બાદ મહિલા જમીન પર પડી ગઈ હતી.

વાયરલ વીડિયોમાં પણ ગોળીબારના અવાજો સંભળાય છે અને ત્યારબાદ મહિલા જમીન પર પડી જતી જોવા મળે છે. પોલીસ અને ઇમરજન્સી ટીમે તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડી હતી, પરંતુ સારવાર દરમિયાન ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી.આ હુમલામાં ઘાયલ થયેલા બંને લોકોની સ્થિતિ પણ ગંભીર હતી. પ્રાથમિક અહેવાલમાં એક વ્યક્તિના મોત અને બીજા વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ હોવાનું જણાવાયું હતું. જોકે બાદમાં ઘાયલ મહિલા પીડિતાએ પણ સારવાર દરમિયાન દમ તોડી દીધો હોવાનું સામે આવ્યું છે. પુરુષ પીડિતાની સ્થિતિ ગંભીર હોવાનું જણાવાયું છે અને તેની સારવાર ચાલી રહી છે.આ ઘટનાને લઈને પોલીસ શરૂઆતમાં અલગ-અલગ સંભાવનાઓ પર તપાસ કરી રહી હતી. શરૂઆતમાં હુમલાને લૂંટના પ્રયાસ સાથે જોડીને પણ જોવામાં આવ્યો હતો. પરંતુ તપાસ આગળ વધતાં પોલીસને હુમલા પાછળ કોઈ સ્પષ્ટ કારણ મળ્યું નથી.હાલ પોલીસ આ ઘટનાને રેન્ડમ હુમલા તરીકે જોઈ રહી છે. એટલે કે હુમલાખોરે પીડિતોને કોઈ ચોક્કસ કારણસર નિશાન બનાવ્યા હતા કે નહીં, તે અંગે હજી સ્પષ્ટતા થઈ નથી.

પોલીસના જણાવ્યા મુજબ હાલમાં આ ઘટનાને આતંકવાદી હુમલા તરીકે જોવામાં આવી રહી નથી.ઘટનાસ્થળેથી હુમલાખોર મહિલાના બંને ચાકૂ કબજે લેવામાં આવ્યા છે. પોલીસ હવે આ ચાકૂ અને અન્ય પુરાવાઓની તપાસ કરી રહી છે. ઉપરાંત આસપાસના CCTV કેમેરા અને ઘટનાના વીડિયો ફૂટેજની પણ તપાસ કરવામાં આવી રહી છે, જેથી હુમલાની સંપૂર્ણ હકીકત અને હુમલાખોરની હલચલ અંગે વધુ માહિતી મળી શકે.ટાઈમ્સ સ્ક્વેર ન્યૂયોર્કના સૌથી વ્યસ્ત વિસ્તારોમાંનું એક છે. દરરોજ હજારો સ્થાનિક લોકો અને વિશ્વભરના પ્રવાસીઓ અહીં આવે છે. મોટા ડિજિટલ બિલબોર્ડ, થિયેટરો, રેસ્ટોરન્ટ્સ અને પ્રવાસન સ્થળોના કારણે આ વિસ્તાર લગભગ હંમેશા લોકોની ભીડથી ભરેલો રહે છે.આવા વ્યસ્ત વિસ્તારમાં બનેલી આ ઘટનાએ સુરક્ષા વ્યવસ્થા અંગે પણ ચિંતા વધારી છે. ચાકૂથી હુમલો થયા બાદ પોલીસની ઝડપી કાર્યવાહીથી હુમલાખોરને રોકવામાં આવી, પરંતુ ગોળીબારની ઘટનાને કારણે સમગ્ર વિસ્તાર થોડા સમય માટે સુરક્ષા એજન્સીઓના નિયંત્રણ હેઠળ આવી ગયો હતો.ઘટના બાદ ટાઈમ્સ સ્ક્વેરના કેટલાક વિસ્તારોમાં લોકોની અવરજવર પર તાત્કાલિક નિયંત્રણ મૂકવામાં આવ્યું હતું.

પોલીસ દ્વારા ઘટનાસ્થળને સુરક્ષિત કરવામાં આવ્યું અને તપાસ માટે જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આ ઘટનામાં પોલીસ દ્વારા ગોળીબાર કરવો પડ્યો તે મુદ્દો પણ તપાસનો એક ભાગ બની શકે છે. અમેરિકામાં જ્યારે કોઈ વ્યક્તિ હથિયાર સાથે પોલીસ અથવા સામાન્ય લોકો માટે તાત્કાલિક જોખમ ઉભું કરે છે, ત્યારે પોલીસ અધિકારીઓ દ્વારા બળનો ઉપયોગ કરવાની કાર્યવાહી અંગે નિયમો મુજબ તપાસ કરવામાં આવે છે.હાલ ઉપલબ્ધ માહિતી મુજબ પોલીસે મહિલાને વારંવાર ચાકૂ નીચે મૂકવા જણાવ્યું હતું. પહેલા ટેઝરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, પરંતુ જ્યારે તે અસરકારક સાબિત થયો નહીં અને મહિલા ચાકૂ સાથે આગળ વધતી રહી, ત્યારે પોલીસને ગોળીબાર કરવાની ફરજ પડી હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે.આ સમગ્ર ઘટનાએ ફરી એકવાર બતાવ્યું છે કે ન્યૂયોર્ક જેવા મોટા અને અત્યંત વ્યસ્ત શહેરોમાં સુરક્ષા એજન્સીઓને કેટલા ઝડપથી જોખમી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. થોડી જ ક્ષણોમાં બનેલી હિંસક ઘટનામાં એક હુમલાખોર, બે પીડિતો અને મોટી સંખ્યામાં હાજર લોકોની સુરક્ષા વચ્ચે પોલીસને તાત્કાલિક નિર્ણય લેવો પડ્યો હતો.

હાલ પોલીસ હુમલાખોર મહિલાની ઓળખ, તેના ભૂતકાળ, હુમલા પાછળના સંભવિત કારણો અને પીડિતો સાથે તેના કોઈ સંબંધ હતો કે નહીં તે સહિતના મુદ્દાઓની તપાસ કરી રહી છે. અત્યાર સુધીના પ્રાથમિક તારણ મુજબ કોઈ સ્પષ્ટ હેતુ સામે આવ્યો નથી અને પોલીસ તેને આતંકવાદી ઘટના માનતી નથી.વિશ્વપ્રસિદ્ધ ટાઈમ્સ સ્ક્વેરમાં બનેલી આ ઘટનાએ ન્યૂયોર્ક શહેરને હચમચાવી દીધું છે. ભરચક વિસ્તારમાં બનેલા અચાનક હુમલા બાદ સુરક્ષા એજન્સીઓ વધુ સતર્ક બની ગઈ છે.એક તરફ ચાકૂથી થયેલા હુમલામાં એક મહિલા પીડિતાનું મોત થયું અને એક પુરુષ ગંભીર રીતે ઘાયલ છે, તો બીજી તરફ હુમલાખોર મહિલા પણ પોલીસ ફાયરિંગ બાદ સારવાર દરમિયાન મૃત્યુ પામી છે. હવે સમગ્ર ઘટનાનો સાચો હેતુ શું હતો અને હુમલો કેમ કરવામાં આવ્યો, તે જાણવા માટે ન્યૂયોર્ક પોલીસની તપાસ ચાલુ છે.

Most Popular

To Top