Vadodara

‘દિશા’ સમિતિની બેઠક સંપન્ન, વિકાસલક્ષી યોજનાઓની સમીક્ષા

વડોદરા જિલ્લા પંચાયત ભવન ખાતે યોજાઈ મહત્વપૂર્ણ બેઠક

કેન્દ્ર અને રાજ્ય સરકારની જનકલ્યાણકારી યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચાડવા પર ભાર

ગુણવત્તાયુક્ત અને સમયબદ્ધ વિકાસ કાર્યો માટે અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચે મંથન

(પ્રતિનિધિ), વડોદરા. તા.૩
સ્થાનિક વિકાસ કાર્યોને વધુ વેગ આપવા અને સરકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવાના હેતુસર વડોદરા જિલ્લા પંચાયત ભવન ખાતે ‘ડિસ્ટ્રીક્ટ ડેવલોપમેન્ટ કો-ઓર્ડિનેશન એન્ડ મોનીટરીંગ કમિટી’ ની મહત્વપૂર્ણ બેઠક મળી હતી. વડોદરા લોકસભાના સાંસદ તથા ભારતીય જનતા યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ. હેમાંગ જોષીની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં વહીવટી તંત્ર અને જનપ્રતિનિધિઓએ સંયુક્તપણે ભાગ લીધો હતો.

બેઠકની શરૂઆતમાં કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકાર દ્વારા વડોદરા જિલ્લામાં ચાલતી વિવિધ લોકકલ્યાણકારી અને માળખાકીય વિકાસની યોજનાઓની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. આમાં ખાસ કરીને ગ્રામીણ વિકાસ, માર્ગ અને મકાન, આરોગ્ય, શિક્ષણ, પીવાનું પાણી, અને મહિલા બાળ વિકાસ જેવી મહત્વપૂર્ણ યોજનાઓની પ્રગતિનો ચિતાર મેળવવામાં આવ્યો હતો.

આ બેઠકમાં વડોદરા જિલ્લાના ઉચ્ચ સ્તરના અધિકારીઓ, પદાધિકારીઓ અને જનપ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તમામ વિભાગોના અધિકારીઓએ પોતપોતાના વિભાગની કામગીરીનો અહેવાલ રજૂ કર્યો હતો. સાંસદ ડૉ. હેમાંગ જોષીએ અધિકારીઓ સાથે ચર્ચા કરીને યોજનાકીય અમલીકરણમાં આવતી મુશ્કેલીઓનું સત્વરે નિવારણ લાવવા અને પ્રોજેક્ટ્સ સમયમર્યાદામાં પૂર્ણ કરવા પર વિશેષ ભાર મૂક્યો હતો.

બેઠકને સંબોધતા સાંસદ ડૉ. હેમાંગ જોષીએ જણાવ્યું હતું કે, સરકારની દરેક યોજનાનો લાભ પાત્ર અને અંતિમ વ્યક્તિ સુધી પારદર્શક રીતે પહોંચવો જોઈએ. વિકાસના કાર્યોમાં ગુણવત્તા સાથે કોઈ સમજૂતી ચલાવી લેવામાં આવશે નહીં. તેમણે અધિકારીઓને જનપ્રતિનિધિઓ સાથે સંકલન સાધીને લોકહિતના કાર્યોને વધુ ઝડપી બનાવવા માટે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ બેઠકના અંતે વડોદરા જિલ્લાના સર્વાંગી વિકાસ માટે આગામી સમયમાં હાથ ધરવામાં આવનાર નવા કાર્યોની રૂપરેખા પણ નક્કી કરવામાં આવી હતી.

Most Popular

To Top