Business

સોનું 1.54 લાખને પાર, ચાંદી 2.40 લાખની નજીક; વાયદા બજારમાં અચાનક તેજી પાછળ આ કારણો જવાબદાર

ભારતીય વાયદા બજાર એટલે કે MCXમાં ગુરુવાર, 3 સપ્ટેમ્બર 2026ના રોજ સોના અને ચાંદીના ભાવમાં જોરદાર તેજી જોવા મળી રહી છે. સોનાના ભાવમાં શરૂઆતના કારોબારમાં જ 1,823 રૂપિયાનો એટલે કે 1.20 ટકાનો ઉછાળો નોંધાયો હતો. આ તેજી સાથે સોનું ફરી એક વખત 1.50 લાખ રૂપિયાની મહત્વપૂર્ણ સપાટી પાર કરીને 1,54,225 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે પહોંચી ગયું હતું. ચાંદીમાં પણ જોરદાર ખરીદી જોવા મળી રહી છે. ચાંદીના ભાવમાં 3,234 રૂપિયાનો એટલે કે 1.37 ટકાનો વધારો થયો હતો. આ ઉછાળા બાદ ચાંદી 2,39,500 રૂપિયા પ્રતિ કિલોગ્રામના સ્તરે પહોંચી હતી. એટલે કે તે 2.40 લાખ રૂપિયાના ઓલટાઈમ હાઈની ખૂબ નજીક પહોંચી ગઈ છે.

MCXના આંકડા મુજબ સોનાનો અગાઉનો બંધ ભાવ 1,52,402 રૂપિયા હતો. ગુરુવારે તે 1,53,799 રૂપિયાના સ્તરે ખુલ્યું હતું. દિવસ દરમિયાન સોનાએ 1,53,476 રૂપિયાનું નીચલું અને 1,54,225 રૂપિયાનું ઊંચું સ્તર નોંધાવ્યું હતું. ચાંદીનો અગાઉનો બંધ ભાવ 2,36,266 રૂપિયા હતો અને તે 2,38,229 રૂપિયાના સ્તરે ખુલ્યા બાદ 2,37,980થી વધીને 2,39,500 રૂપિયા સુધી પહોંચી હતી. સોના-ચાંદીના ભાવમાં આવેલા આ અચાનક ઉછાળા પાછળ સૌથી મોટું કારણ અમેરિકાથી આવેલા નબળા આર્થિક સંકેતો છે. તાજેતરમાં જાહેર થયેલા ADP પ્રાઈવેટ પેરોલના આંકડા અપેક્ષા કરતાં નબળા રહ્યા છે. આ આંકડાઓ અમેરિકાના શ્રમ બજારમાં નરમાશ તરફ ઈશારો કરે છે. રોજગાર બજારની સ્થિતિ નબળી પડતી હોવાનું જણાતા રોકાણકારોમાં અમેરિકાની અર્થવ્યવસ્થા અંગે ચિંતા વધી છે.

નબળા આર્થિક આંકડાઓને કારણે અમેરિકાની ફેડરલ રિઝર્વ આગામી સમયમાં વ્યાજદરમાં ઘટાડો કરી શકે તેવી અટકળો વધુ મજબૂત બની છે. સામાન્ય રીતે વ્યાજદર ઘટવાની શક્યતા વધે ત્યારે બોન્ડ યીલ્ડ અને ડૉલર પર દબાણ આવે છે. બીજી તરફ સોના જેવી કિંમતી ધાતુઓ રોકાણકારો માટે વધુ આકર્ષક બનવા લાગે છે. જેના કારણે સોનામાં ખરીદી વધે છે અને ભાવમાં ઉછાળો જોવા મળે છે. સોના-ચાંદીમાં તેજીનું બીજું મોટું કારણ સેફ હેવન ડિમાન્ડ છે. વૈશ્વિક અર્થતંત્રમાં અનિશ્ચિતતા હોય, ભૌગોલિક રાજકીય તણાવ વધતો હોય અથવા શેરબજારમાં જોખમ વધી રહ્યું હોય ત્યારે રોકાણકારો ઘણી વખત પોતાના નાણાંનો એક હિસ્સો સોના જેવી સુરક્ષિત ગણાતી સંપત્તિમાં રોકે છે. હાલ વૈશ્વિક સ્તરે ચાલી રહેલા વિવિધ ભૌગોલિક રાજકીય તણાવને કારણે પણ કિંમતી ધાતુઓની માંગને ટેકો મળ્યો છે.

અમેરિકન ડૉલર અને બોન્ડ યીલ્ડમાં ઘટાડો પણ સોના માટે સકારાત્મક પરિબળ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની કિંમત સામાન્ય રીતે ડૉલરમાં નક્કી થાય છે. ડૉલર નબળો પડે ત્યારે અન્ય કરન્સી ધરાવતા રોકાણકારો માટે સોનું પ્રમાણમાં સસ્તું બને છે, જેના કારણે તેની માંગ વધી શકે છે. આ સ્થિતિમાં વૈશ્વિક બજારમાં સોના-ચાંદીના ભાવને ઉપર તરફ ટેકો મળે છે. ભારતીય બજારમાં પણ આંતરરાષ્ટ્રીય તેજીની સીધી અસર જોવા મળી રહી છે. વૈશ્વિક બજારમાં કિંમતી ધાતુઓમાં ખરીદી વધતાં ભારતમાં MCX પર સોના અને ચાંદીના વાયદા ભાવમાં પણ વધારો થયો છે. ખાસ કરીને ચાંદીમાં જોવા મળેલી તેજીએ તેને ફરી એક વખત 2.40 લાખ રૂપિયાની નજીક પહોંચાડી દીધી છે. સાતમના દિવસે સોના-ચાંદીમાં આવેલી આ તેજીથી ગ્રાહકો અને રોકાણકારો બંનેનું ધ્યાન કિંમતી ધાતુઓના ભાવ તરફ ખેંચાયું છે. જોકે વાયદા બજારમાં ભાવમાં ઝડપથી વધઘટ થતી હોય છે. તેથી એક જ દિવસની તેજીને આધારે ભાવ સતત વધશે એવું માનવું યોગ્ય નથી. અમેરિકાના આગામી આર્થિક આંકડા, ફેડરલ રિઝર્વની નીતિ, ડૉલરની ચાલ, બોન્ડ યીલ્ડ અને વૈશ્વિક ભૌગોલિક રાજકીય સ્થિતિ સોના-ચાંદીના ભાવ માટે આગામી દિવસોમાં મહત્વના પરિબળો રહેશે.

Most Popular

To Top