SURAT

અમે પણ માણસ છીએ…ઊંઘ અને રસોઈનો પણ સમય નથી મળતો’, 12 કલાકની શિફ્ટ સામે સુરતમાં શ્રમિકો રસ્તા પર, કલેક્ટર કચેરીનો ઘેરાવ

સુરતમાં શ્રમિકોના શોષણ સામે મજદૂર યુનિયનનું આંદોલન વધુ ઉગ્ર બન્યું છે. શહેર અને જિલ્લાના વિવિધ ઔદ્યોગિક એકમોમાં કામ કરતા મોટી સંખ્યામાં શ્રમિકો પોતાની માંગણીઓ સાથે કલેક્ટર કચેરી પહોંચ્યા હતા. શ્રમિકોએ ઉગ્ર દેખાવો કરીને કલેક્ટર કચેરીનો ઘેરાવ કર્યો હતો અને દૈનિક 12 કલાક સુધી કામ કરાવવામાં આવતું હોવાનો આક્ષેપ કર્યો હતો. શ્રમિકોએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે હવે આ રીતે કામ નહીં ચાલે અને તેમની મુખ્ય માંગણીઓ તાત્કાલિક સ્વીકારવામાં આવે. સુરતના ડાઇંગ, પ્રિન્ટિંગ, એમ્બ્રોઇડરી, ઝરી અને લૂમ્સ સહિતના વિવિધ ઔદ્યોગિક ક્ષેત્રોમાં મોટી સંખ્યામાં શ્રમિકો કામ કરે છે. મજદૂર યુનિયનના જણાવ્યા મુજબ, આ ઉદ્યોગોમાં 10 લાખથી વધુ શ્રમિકો રોજગારી મેળવી રહ્યા છે. લાંબા કામના કલાકો અને સાપ્તાહિક રજાના મુદ્દે લાંબા સમયથી રજૂઆતો કરવામાં આવી રહી હોવા છતાં યોગ્ય ઉકેલ ન આવતા શ્રમિકોએ હવે રસ્તા પર ઉતરીને વિરોધ નોંધાવ્યો હતો.

કલેક્ટર કચેરી ખાતે પહોંચેલા શ્રમિકોએ દૈનિક આઠ કલાકની શિફ્ટ અને દર રવિવારે રજા આપવાની મુખ્ય માંગ કરી હતી. શ્રમિકોનું કહેવું છે કે સતત 10થી 12 કલાક સુધી કામ કરાવવામાં આવતા તેમના અંગત જીવન પર પણ ગંભીર અસર પડી રહી છે. લાંબા કામના કલાકોના કારણે ઊંઘ પૂરી થતી નથી અને પરિવાર માટે સમય આપવો તો દૂર, ખાવા-પીવા તથા રસોઈ બનાવવા માટે પણ પૂરતો સમય મળતો નથી. વિરોધ દરમિયાન એક શ્રમિકે પોતાની વ્યથા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, “અમે પણ માણસ છીએ. અમારી એક જ મુખ્ય માંગ છે કે દર રવિવારે રજા મળવી જોઈએ. રોજના 12-12 કલાક કામ કરવાને કારણે ઊંઘ પણ પૂરી થતી નથી. ખાવા-પીવાનો અને રસોઈ બનાવવાનો પણ સમય મળતો નથી. પ્રશાસન તરફથી માત્ર તારીખ પર તારીખ આપવામાં આવે છે, પરંતુ હવે આ રીતે નહીં ચાલે. અમને આઠ કલાકની શિફ્ટ અને રવિવારની રજા જોઈએ છે.”

શ્રમિકોએ આક્ષેપ કર્યો હતો કે લાંબા સમયથી તેમની સમસ્યાઓ અંગે રજૂઆતો કરવામાં આવી રહી છે, પરંતુ હજુ સુધી કોઈ નક્કર ઉકેલ આવ્યો નથી. જેના કારણે શ્રમિકોમાં અસંતોષ વધ્યો છે. આ જ કારણસર મોટી સંખ્યામાં શ્રમિકો એકત્ર થઈને કલેક્ટર કચેરી પહોંચ્યા હતા અને જ્યાં સુધી તેમની વાત સાંભળવામાં ન આવે ત્યાં સુધી ત્યાંથી હટવાનો ઇનકાર કર્યો હતો. વહીવટી તંત્ર દ્વારા શ્રમિકોના પ્રતિનિધિઓ સાથે સોમવારે ચર્ચા કરવાની ખાતરી આપવામાં આવી હતી. જોકે, શ્રમિકો તરત જ કલેક્ટર કચેરી પરિસરમાંથી બહાર જવા તૈયાર નહોતા. તેઓ પોતાની માંગણીઓ અંગે સ્થળ પર જ સ્પષ્ટ નિર્ણયની માંગ કરી રહ્યા હતા. જેના કારણે થોડા સમય માટે કચેરી પરિસરમાં તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી.

પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે પહોંચ્યો હતો. એસીપી વિજય મલ્હોત્રાએ શ્રમિકોને કાયદો હાથમાં ન લેવા અને શાંતિ જાળવવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે વહીવટી તંત્ર સાથે ચર્ચા કરવા ઈચ્છતા શ્રમિકો સોમવારની બેઠક માટે અત્યારે રવાના થાય અને પોતાની માંગણીઓ રજૂ કરે. પોલીસ અધિકારીઓ અને મજદૂર આંદોલનના આગેવાનો દ્વારા સમજાવટ કરવામાં આવ્યા બાદ શ્રમિકો ધીમે-ધીમે શાંત પડ્યા હતા. ત્યારબાદ કલેક્ટર કચેરી પરિસરમાંથી શ્રમિકો વિખેરાયા હતા. જોકે, તેમની મુખ્ય માંગણીઓ અંગે હજુ કોઈ અંતિમ નિર્ણય આવ્યો નથી. હવે સોમવારે યોજાનારી બેઠક પર શ્રમિકો અને મજદૂર યુનિયનની નજર છે. શ્રમિકોનું કહેવું છે કે માત્ર ચર્ચા કે નવી તારીખ આપવાને બદલે આઠ કલાકની શિફ્ટ અને સાપ્તાહિક રજાની માંગ અંગે નક્કર નિર્ણય લેવો જરૂરી છે. બીજી તરફ, વહીવટી તંત્ર દ્વારા શ્રમિકોની રજૂઆતો સાંભળીને આગળની કાર્યવાહી કરવામાં આવશે. સોમવારની બેઠક બાદ આ મુદ્દે શું નિર્ણય લેવાય છે તેના પર સુરતના ઔદ્યોગિક ક્ષેત્રના હજારો શ્રમિકોની નજર રહેશે.

Most Popular

To Top