SURAT

શિક્ષકદિને લાજપોર જેલમાંથી અનોખી કહાની: પોતે કેદી છતાં બીજાના જીવનમાં શિક્ષણનો પ્રકાશ પાથરી રહ્યા છે ‘કેદી શિક્ષકો’

જીવનમાં અચાનક આવતો એક ઝંઝાવાત આખી જિંદગી બદલી નાખે ત્યારે માણસ સામે અનેક રસ્તા હોય છે. કોઈ વ્યક્તિ પરિસ્થિતિ સામે હારી જાય છે, કોઈ સમાજ અને વ્યવસ્થાને દોષ આપે છે, તો કોઈ એવી પણ વ્યક્તિ હોય છે જે મુશ્કેલીમાંથી બહાર આવવાનો નવો રસ્તો શોધી કાઢે છે. સુરતની લાજપોર સેન્ટ્રલ જેલમાં સજા કાપી રહેલા કેટલાક કેદીઓએ આવો જ એક અલગ રસ્તો પસંદ કર્યો છે. પોતે જેલમાં હોવા છતાં તેઓ અન્ય કેદીઓના જીવનમાં શિક્ષણનો પ્રકાશ પાથરી રહ્યા છે. જેલની ચાર દીવાલો વચ્ચે તેઓ શિક્ષકની ભૂમિકા ભજવી રહ્યા છે અને અન્ય કેદીઓને ભણાવીને તેમના ભવિષ્યને નવી દિશા આપવાનું કામ કરી રહ્યા છે. લાજપોર સેન્ટ્રલ જેલમાં આશરે સાડા ત્રણ હજાર કેદીઓ છે. તેમાંથી ઘણા કેદીઓ સંજોગોનો ભોગ બનીને અથવા જીવનની કોઈ નબળી ક્ષણે લીધેલા ખોટા નિર્ણયના પરિણામે જેલમાં આવ્યા છે. જેલવાસ દરમિયાન માનસિક તણાવ, પરિવારથી દૂર રહેવાની પીડા અને ભવિષ્ય અંગેની અનિશ્ચિતતા તેમને ઘણી વખત નિરાશા તરફ ધકેલી દે છે. પરંતુ આ જ પરિસ્થિતિમાં કેટલાક કેદીઓએ પોતાનું જીવન માત્ર સજા ભોગવવામાં પસાર કરવાને બદલે શિક્ષણ સાથે જોડવાનું નક્કી કર્યું છે.

લાજપોર જેલમાં શિક્ષિત કેદીઓના સહયોગથી અન્ય અશિક્ષિત અને અલ્પશિક્ષિત કેદીઓને ભણાવવાની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. આ વ્યવસ્થામાં પોતે શિક્ષક રહી ચૂકેલા કે જેલમાં રહીને ઉચ્ચ શિક્ષણ મેળવનારા કેદીઓ અન્ય કેદીઓને વિવિધ વિષયો ભણાવે છે. ખાસ કરીને ધોરણ 10 અને 12ની પરીક્ષાની તૈયારી કરતા કેદીઓને આ ‘કેદી શિક્ષકો’ મદદ કરે છે. પરિણામે જેલમાં રહીને પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ છેલ્લા પાંચ વર્ષથી 100 ટકા પરિણામ મેળવી રહ્યા છે. આ કહાનીમાં હસમુખ લક્કડનું નામ ખાસ ઉલ્લેખનીય છે. હસમુખ પોતે શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા, પરંતુ તેમના પર પોક્સો એક્ટ હેઠળ કેસ થયો અને તેમને ચાર વર્ષની સજા થઈ. જેલમાં આવ્યા બાદ શરૂઆતના દિવસો તેમના માટે અત્યંત મુશ્કેલ રહ્યા. તેઓ ડિપ્રેશનમાં રહેતા હતા અને જીવનને લઈને નિરાશા અનુભવતા હતા. પરંતુ સમય જતા તેમણે જેલની અંદર રહેલા અન્ય કેદીઓની પરિસ્થિતિને નજીકથી સમજવાની શરૂઆત કરી.

હસમુખે જોયું કે જેલમાં એવા ઘણા કેદીઓ છે જેમને યોગ્ય શિક્ષણની તક મળી નહોતી. કેટલાક કેદીઓ પોતાનું ભવિષ્ય સુધારવા માંગતા હતા, પરંતુ તેમને માર્ગદર્શન આપનાર કોઈ નહોતું. અન્ય કેદીઓની આ સ્થિતિ જોઈને તેમની અંદરનો શિક્ષક ફરી જાગ્યો. તેમણે જેલમાં ચાલતા વર્ગોમાં કેદીઓને ગણિત અને વિજ્ઞાન જેવા વિષયો ભણાવવાનું શરૂ કર્યું. તેમની પાસેથી ભણેલા ઘણા કેદીઓએ ધોરણ 10 અને 12ની પરીક્ષા પણ સફળતાપૂર્વક પાસ કરી છે. આ જેલમાં પ્રીતમ કેવટની કહાની પણ શિક્ષણની શક્તિ દર્શાવે છે. મૂળ ઉત્તર પ્રદેશના ઝાંસીના રહેવાસી પ્રીતમ જ્યારે ગુનાના કેસમાં ફસાયા ત્યારે તેમની ઉંમર માત્ર 18 વર્ષ અને બે મહિના હતી. બાળકીના અપહરણના કેસમાં તેઓ સજા ભોગવી રહ્યા છે. આજે તેઓ 35 વર્ષના છે. જેલમાં વિતાવેલા લાંબા સમય દરમિયાન તેમણે પોતાનું જીવન નિરાશામાં પસાર કરવાને બદલે અભ્યાસ કરવાનો નિર્ણય લીધો.

પ્રીતમ જેલમાં રહીને અભ્યાસ કરતા રહ્યા અને અંતે બી.એ.ની ડિગ્રી મેળવી. ઉચ્ચ શિક્ષણ મેળવ્યા બાદ તેમણે પોતાનું જ્ઞાન અન્ય કેદીઓ સાથે વહેંચવાનું શરૂ કર્યું. આજે જેલના અન્ય કેદીઓ તેમને માનપૂર્વક ‘સાહેબ’ અને ‘સર’ કહીને બોલાવે છે. જેલમાં આવ્યા ત્યારે જે વ્યક્તિ પોતે જીવનની મુશ્કેલીઓમાં ફસાયેલા હતા, તે જ વ્યક્તિ આજે અન્ય કેદીઓને આગળ વધવા માટે પ્રેરણા આપી રહ્યા છે. વિમલ નામના અન્ય એક કેદી પણ આ જ પ્રકારની ભૂમિકા ભજવી રહ્યા છે. તેમની ઓળખ જાહેર ન થાય તે માટે નામ બદલવામાં આવ્યું છે. તેમની સામે પણ પોક્સો એક્ટ હેઠળ કેસ ચાલી રહ્યો છે અને હાલ તેઓ કાચા કામના કેદી તરીકે લાજપોર જેલમાં છે. વિમલને વિશ્વાસ છે કે તેઓ કેસમાંથી નિર્દોષ છૂટી જશે. જોકે, જ્યાં સુધી તેઓ જેલમાં છે ત્યાં સુધી પોતાનું શિક્ષક તરીકેનું કર્તવ્ય નિભાવવાનું તેમણે નક્કી કર્યું છે. તેઓ વિવિધ પરીક્ષાઓની તૈયારી કરી રહેલા કેદીઓને ભણાવે છે અને તેમના અભ્યાસમાં માર્ગદર્શન આપે છે.

લાજપોર જેલની મહિલા કેદીઓમાં પણ શિક્ષણનો આ પ્રયાસ જોવા મળે છે. રાજવી નામની મહિલા આજીવન કેદની સજા ભોગવી રહી છે. મૂળ સુરતની રાજવીએ ઉચ્ચ શિક્ષણ મેળવીને બી.ટેક.ની ડિગ્રી મેળવી હતી. પરંતુ અંગત જીવનમાં આવેલા ગંભીર વળાંકો બાદ તેમની જિંદગી સંપૂર્ણપણે બદલાઈ ગઈ. જેલમાં આવ્યા બાદ શરૂઆતના દિવસોમાં તેઓ ભારે માનસિક સંઘર્ષમાંથી પસાર થયા હતા. તેમને વારંવાર આત્મહત્યાના વિચારો પણ આવતા હતા. પરંતુ સમય જતાં અન્ય મહિલા કેદીઓની વ્યથા જોઈને રાજવીની વિચારસરણી બદલાઈ. તેમને સમજાયું કે જેલમાં રહેલી ઘણી મહિલાઓ પણ સંજોગો અને જીવનની મુશ્કેલીઓ વચ્ચે ફસાઈ છે. આવી મહિલાઓને નિરાશામાંથી બહાર લાવવા માટે શિક્ષણ એક મજબૂત માધ્યમ બની શકે છે. ત્યારબાદ તેમણે જેલમાં આવતી અલ્પશિક્ષિત અને અશિક્ષિત મહિલાઓને ભણાવવાનું શરૂ કર્યું. પોતે જે શિક્ષણ મેળવ્યું હતું તેનો ઉપયોગ અન્ય મહિલાઓને સશક્ત બનાવવા માટે કરવાનો તેમણે નિર્ણય લીધો.

લાજપોર જેલના પીઆઈ પ્રશાંત હિહોરીયાના જણાવ્યા પ્રમાણે, જેલને માત્ર સજા ભોગવવાનું સ્થળ ન રહે પરંતુ કેદીઓને પોતાના જીવનમાં સુધારો કરવાની તક મળે તે માટે શિક્ષણ અને કાઉન્સેલિંગ પર ભાર મૂકવામાં આવે છે. સંજોગોના કારણે માનસિક તણાવમાં રહેતા કેદીઓનું કાઉન્સેલિંગ કરવામાં આવે છે અને તેમને શિક્ષણ તરફ પ્રેરિત કરવામાં આવે છે. શિક્ષિત કેદીઓની મદદથી અશિક્ષિત કેદીઓને ભણાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી સજા પૂરી થયા બાદ તેઓ બહારની દુનિયામાં પરત ફરે ત્યારે રોજગાર મેળવવા માટે વધુ સક્ષમ બની શકે. લાજપોર જેલમાં છેલ્લા પાંચ વર્ષથી ધોરણ 10 અને 12ની પરીક્ષા આપતા કેદીઓનું પરિણામ 100 ટકા રહ્યું છે. આ માત્ર એક આંકડો નથી, પરંતુ જેલમાં ચાલી રહેલી શિક્ષણ વ્યવસ્થાની અસરનું ઉદાહરણ છે. વર્ષ 2024માં એલએન્ડટી કંપનીના સહયોગથી જેલમાં સ્માર્ટ ક્લાસરૂમ પણ બનાવવામાં આવ્યો છે. ટેક્નોલોજીની મદદથી કેદીઓને અભ્યાસની વધુ સારી સુવિધા મળી રહી છે.

આ સમગ્ર પ્રયાસની સૌથી મોટી ખાસિયત એ છે કે અહીં શિક્ષણ આપનારા ઘણા લોકો પોતે જ કેદી છે. તેઓ પણ સજા ભોગવી રહ્યા છે, તેમના જીવનમાં પણ મુશ્કેલીઓ છે, પરંતુ તેમણે પોતાની પરિસ્થિતિને બીજાના જીવનમાં અંધકાર ફેલાવવાનું કારણ બનવા દીધું નથી. તેના બદલે પોતાના જ્ઞાન અને અનુભવનો ઉપયોગ અન્ય કેદીઓને શિક્ષિત કરવા માટે કરી રહ્યા છે. 5 સપ્ટેમ્બરે જ્યારે સમગ્ર દેશમાં શિક્ષકદિનની ઉજવણી થઈ રહી છે ત્યારે લાજપોર જેલના આ કેદી શિક્ષકોની કહાની શિક્ષકની ભૂમિકાને એક અલગ જ અર્થ આપે છે. શિક્ષક માત્ર શાળાના વર્ગખંડમાં ઊભો રહીને પાઠ ભણાવનાર વ્યક્તિ નથી. શિક્ષક એ પણ છે જે કોઈ વ્યક્તિને અંધકારમાંથી બહાર આવવાનો રસ્તો બતાવે, નિરાશામાં આશા જગાવે અને જીવનને ફરીથી ઊભું કરવાની હિંમત આપે. લાજપોર જેલની ચાર દીવાલો વચ્ચે આ કેદી શિક્ષકો કદાચ પોતાનું ભૂતકાળ બદલી શકતા નથી, પરંતુ અન્ય કેદીઓનું ભવિષ્ય ચોક્કસપણે બદલવાનો પ્રયાસ કરી રહ્યા છે.

Most Popular

To Top