Business

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 8મીએ નવસારીના ‘કમલમ’ને આપશે ભેટ

હજારો લોકોની ક્ષમતાવાળા વિશાળ ડોમ સાથે સુરક્ષા વ્યવસ્થા સજ્જ

નવસારીમાં ભારતીય જનતા પાર્ટીના નવા અને આધુનિક કાર્યાલય ‘કમલમ’ ના ઉદ્ઘાટનને લઈને તૈયારીઓ અંતિમ તબક્કામાં પહોંચી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 8 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતના નવસારીની મુલાકાતે આવવાના છે અને તેમના હસ્તે આધુનિક ટેક્નોલોજીથી સજ્જ આ નવા કાર્યાલયનું લોકાર્પણ કરવામાં આવશે. દેશના પ્રથમ AI આધારિત કાર્યાલય તરીકે ઓળખાવવામાં આવી રહેલા આ ‘કમલમ’ને લઈને ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાનના આગમનને ધ્યાનમાં રાખીને કાર્યક્રમ સ્થળે વિશાળ ડોમ સહિતની તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે.નવસારી હાઈવેના ગ્રીડ પાસે જિલ્લા ભાજપ સંગઠન દ્વારા અત્યાધુનિક ટેક્નોલોજીથી સજ્જ અને AI આધારિત કાર્યાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે.

આ કાર્યાલયનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 8 સપ્ટેમ્બરે કરવામાં આવનાર હોવાથી સમગ્ર પરિસરમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. વડાપ્રધાનના પ્રવાસને ધ્યાનમાં રાખીને નેશનલ હાઈવેને અડીને આવેલા ‘કમલમ’ પરિસર નજીક વિશેષ તૈયારીઓ કરવામાં આવી રહી છે.ખુબ મોટી સંખ્યામાં લોકો કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાની શક્યતા હોવાથી વિશાળ ડોમ તૈયાર કરવામાં આવી રહ્યો છે.વડાપ્રધાનના આગમન પૂર્વે સુરક્ષા વ્યવસ્થાને પણ ખાસ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ સમગ્ર વિસ્તારમાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. કાર્યક્રમ સ્થળ, આસપાસના રસ્તાઓ તેમજ આવાગમનના મહત્વના માર્ગો પર પોલીસ બંદોબસ્ત ગોઠવાશે.વડાપ્રધાનના કાર્યક્રમને ધ્યાનમાં રાખીને સુરક્ષા એજન્સીઓ અને સ્થાનિક તંત્ર દ્વારા જરૂરી તૈયારીઓ કરવામાં આવી રહી છે.

સી.આર. પાટીલના હસ્તે 100 લારીઓનું વિતરણ,: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નવસારી આગમન પહેલાં કેન્દ્રીય મંત્રી અને નવસારીના સાંસદ સી.આર. પાટીલના હસ્તે 100 લારીઓનું વિતરણ કરવામાં આવનાર છે. ગરીબ શ્રમિકો, નાના ફેરિયાઓ અને રોજિંદા વ્યવસાય કરીને પરિવારનું ગુજરાન ચલાવતા લોકોને આત્મસન્માન સાથે પોતાની આજીવિકા કમાઈ શકે તે હેતુથી આ સેવાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.આ પહેલ અંતર્ગત જરૂરિયાતમંદ લોકોને વ્યવસાય માટે લારીઓ આપવામાં આવશે. ખાસ કરીને શાકભાજી સહિતની વસ્તુઓનું વેચાણ કરીને રોજગાર મેળવી રહેલા નાના વેપારીઓને આ યોજનાથી લાભ મળશે. જન્માષ્ટમીના પાવન દિવસે નવસારીના લુન્સીકુઈ મેદાન ખાતે આ કાર્યક્રમ યોજાશે અને 100 લારીઓ તેમજ શાકભાજી વેચાણ માટેની વિશેષ લારીઓનું વિતરણ કરવામાં આવશે.આ સેવાકીય કાર્યક્રમને વડાપ્રધાનના નવસારી પ્રવાસ સાથે જોડાયેલી મહત્વપૂર્ણ પહેલ તરીકે જોવામાં આવી રહ્યો છે.

એક તરફ ‘કમલમ’ના ભવ્ય ઉદ્ઘાટનની તૈયારીઓ ચાલી રહી છે, તો બીજી તરફ ગરીબ અને નાના વેપારીઓને સ્વરોજગાર માટે સાધન પૂરું પાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.વડાપ્રધાનના આગમનને લઈને નવસારીમાં રાજકીય તેમજ સંગઠનાત્મક સ્તરે તૈયારીઓ તેજ બની છે. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો, આગેવાનો અને આમંત્રિતો હાજર રહે તેવી શક્યતા છે. આધુનિક ટેક્નોલોજીથી સજ્જ ‘કમલમ’, 5 હજાર લોકોની ક્ષમતાવાળો ડોમ, કડક સુરક્ષા વ્યવસ્થા અને જરૂરિયાતમંદોને લારીઓનું વિતરણ આ બધાને કારણે વડાપ્રધાનની નવસારી મુલાકાતને લઈને શહેરમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.

Most Popular

To Top