અફઘાનિસ્તાન સામે રમાનારી T20 આંતરરાષ્ટ્રીય શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત થતાં જ પસંદગીકારોના કેટલાક નિર્ણય ચર્ચામાં આવ્યા છે. ગુજરાતના ઓલરાઉન્ડર અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના ખેલાડી ક્રૃણાલ પંડ્યાને ટીમમાં સ્થાન મળ્યું નથી. લાંબા સમય બાદ ભારતીય ટીમમાં વાપસીની આશા રાખી રહેલા ક્રૃણાલને તક ન મળતાં તેણે સોશિયલ મીડિયા પર એક ક્રિપ્ટિક પોસ્ટ શેર કરી છે, જે હાલ ચર્ચામાં છે. ક્રૃણાલ પંડ્યાએ પોતાની પોસ્ટમાં માત્ર એક જ વાક્ય લખ્યું છે- ‘Hope is still alive’ એટલે કે ‘આશા હજુ પણ જીવંત છે.’ ભારતીય ટીમમાં પસંદગી ન થયા બાદ તેમની આ પોસ્ટને ચાહકો તેમની લાગણી સાથે જોડીને જોઈ રહ્યા છે. જોકે, ક્રૃણાલે આ પોસ્ટ કોઈ ખાસ ઘટનાને ધ્યાનમાં રાખીને કરી છે કે નહીં, તે અંગે તેમણે સ્પષ્ટતા કરી નથી.
ક્રૃણાલ પંડ્યાએ IPL 2026માં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ તરફથી ઓલરાઉન્ડ પ્રદર્શન કરીને ભારતીય ટીમમાં વાપસીની આશા જગાવી હતી. RCBના અભિયાનમાં તેણે બેટિંગ અને બોલિંગ બંને વિભાગમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. બેટિંગમાં ક્રૃણાલે 9 ઇનિંગ્સમાં 37.66ની સરેરાશ અને 145.80ના સ્ટ્રાઇક રેટથી 226 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે એક અડધી સદી ફટકારી હતી અને તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 73 રન રહ્યો હતો. બોલિંગમાં પણ તેનું પ્રદર્શન અસરકારક રહ્યું હતું. તેણે 30.35ની સરેરાશથી કુલ 14 વિકેટ ઝડપી હતી. તેનું શ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શન 2/16 રહ્યું હતું. તેના ઓલરાઉન્ડ પ્રદર્શનને કારણે એવી અટકળો હતી કે લગભગ પાંચ વર્ષ બાદ તેને ફરી ભારતીય T20 ટીમમાં સ્થાન મળી શકે છે.
ક્રૃણાલ પંડ્યાએ ભારત માટે છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ 2021માં રમી હતી. ત્યારથી તે ટીમની બહાર છે. ભારતીય ટીમ માટે તેણે 5 વન-ડે મેચ રમી છે, જેમાં 4 ઇનિંગ્સમાં 65ની સરેરાશથી 130 રન બનાવ્યા છે. તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર અણનમ 58 રન રહ્યો છે અને તેણે 2 વિકેટ પણ ઝડપી છે. T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ક્રૃણાલે ભારત માટે 19 મેચ રમી છે. આ દરમિયાન 10 ઇનિંગ્સમાં તેણે 24.80ની સરેરાશથી 124 રન બનાવ્યા છે. બોલિંગમાં તેણે 36.93ની સરેરાશથી 15 વિકેટ ઝડપી છે. પસંદગીકારોએ અફઘાનિસ્તાન સામેની T20I શ્રેણી માટે 15 સભ્યોની ટીમ જાહેર કરી છે. ટીમની કપ્તાની શ્રેયસ અય્યરને સોંપવામાં આવી છે.
ભારતીય ટીમમાં શ્રેયસ અય્યર, અભિષેક શર્મા, વૈભવ સૂર્યવંશી, સંજૂ સેમસન, ઈશાન કિશન, તિલક વર્મા, શિવમ દુબે, નિતિશ કુમાર રેડ્ડી, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, વરુણ ચક્રવર્તી, રવિ બિશ્નોઈ, જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ અને હર્ષિત રાણાનો સમાવેશ કરવામાં આવ્યો છે. ટીમમાં પસંદ કરાયેલા કેટલાક ખેલાડીઓનું રમવું તેમની ફિટનેસ મંજૂરી પર નિર્ભર રહેશે. જસપ્રીત બુમરાહ, નિતિશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર અને હર્ષિત રાણાની ફિટનેસ અંગે અંતિમ નિર્ણય બાદ તેમની ઉપલબ્ધતા નક્કી થશે. ક્રૃણાલ પંડ્યાને ટીમમાં સ્થાન ન મળ્યું હોવા છતાં તેની સોશિયલ મીડિયા પોસ્ટે ફરી ચર્ચા જગાવી છે. IPLમાં સારા પ્રદર્શન બાદ તેણે ટીમમાં વાપસીની આશા જીવંત રાખી છે અને ‘આશા હજુ પણ જીવંત છે’ લખીને કદાચ આગામી તકની રાહ જોવાનો સંકેત આપ્યો છે.