SURAT

સુરતમાં ચોમાસાની વિદાયની શરૂઆત? અતિભારે વરસાદની શક્યતા ઘટી, જાણો આગામી દિવસોનું હવામાન

સુરત અને દક્ષિણ ગુજરાતમાં ચોમાસું હવે ધીમે-ધીમે વિદાય તરફ આગળ વધી રહ્યું છે. હાલ ભારે વરસાદ લાવે તેવી કોઈ મજબૂત હવામાન સિસ્ટમ સક્રિય ન હોવાથી સુરત શહેર અને જિલ્લામાં અતિભારે વરસાદની શક્યતા ઓછી જોવા મળી રહી છે. જોકે, સ્થાનિક હવામાન પ્રણાલીઓ સક્રિય રહે તો આગામી દિવસોમાં શહેર સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડી શકે છે. હાલ બનેલી લો પ્રેશર સિસ્ટમ મધ્યપ્રદેશથી ઉત્તરપ્રદેશ તરફ આગળ વધવાની સંભાવના છે. આ સિસ્ટમની સામાન્ય અસર દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં જોવા મળી શકે છે, પરંતુ તેની અસર એટલી મજબૂત રહે તેવી શક્યતા ઓછી છે કે જેના કારણે સુરત શહેર કે જિલ્લામાં અતિભારે વરસાદ થાય. આગામી દિવસોમાં વરસાદની તીવ્રતા સ્થાનિક હવામાનની સ્થિતિ અને નવી સિસ્ટમની સક્રિયતા પર આધારિત રહેશે.

સપ્ટેમ્બર મહિનાની મધ્ય તારીખો બાદ સામાન્ય રીતે દક્ષિણ ગુજરાત સહિત ગુજરાતમાં ચોમાસું ધીમે-ધીમે વિદાય તરફ આગળ વધે છે. આ સમયગાળા દરમિયાન નવી વરસાદી સિસ્ટમો બનવાની પ્રક્રિયા પણ ધીમી પડતી જાય છે. તેથી આગામી દિવસોમાં સુરતમાં અતિભારે વરસાદ લાવે તેવી મજબૂત સિસ્ટમ બનવાની શક્યતા હાલ ઓછી માનવામાં આવી રહી છે. જોકે, ચોમાસાની સત્તાવાર વિદાય સુધી વાતાવરણમાં ભેજનું પ્રમાણ રહેતાં હળવાથી મધ્યમ વરસાદના ઝાપટાં ચાલુ રહી શકે છે. ખાસ કરીને બપોર બાદ વાદળછાયું વાતાવરણ રહે અને ઉકળાટ વધે ત્યારબાદ સાંજના સમયે કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડવાની શક્યતા રહેશે. એટલે સુરતમાં ચોમાસાનો અંત નજીક હોવા છતાં વરસાદ સંપૂર્ણપણે બંધ થઈ જાય તેવી સ્થિતિ હજુ જોવા મળી રહી નથી.

આજે પણ સુરત શહેર અને જિલ્લામાં હવામાનમાં બદલાવ જોવા મળ્યો હતો. વહેલી સવારે શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટું પડ્યું હતું. ત્યારબાદ દિવસ દરમિયાન મોટાભાગે વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. બપોરના સમયે વાદળો વચ્ચે સૂર્યપ્રકાશની અવરજવર ચાલુ રહી હતી અને હવામાં ભેજનું પ્રમાણ વધુ હોવાથી લોકોને ઉકળાટ અને બફારાનો અનુભવ થયો હતો. સાંજ પડતાં ફરી વાતાવરણમાં પલટો આવ્યો હતો અને શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યાં હતાં. સુરત જિલ્લામાં પણ કેટલાક તાલુકાઓમાં હળવો વરસાદ નોંધાયો છે. ઓલપાડમાં 1 મીમી, ઉમરપાડામાં 15 મીમી, માંડવીમાં 5 મીમી, સુરત તાલુકામાં 3 મીમી, બારડોલીમાં 2 મીમી, અરેઠમાં 6 મીમી અને અંબિકા વિસ્તારમાં 2 મીમી વરસાદ નોંધાયો હતો. જિલ્લામાં સૌથી વધુ 15 મીમી વરસાદ ઉમરપાડામાં નોંધાયો હતો.

વરસાદી માહોલ વચ્ચે સુરત શહેરના તાપમાનમાં પણ નજીવો ફેરફાર થયો છે. મહત્તમ તાપમાનમાં અડધો ડિગ્રીનો ઘટાડો નોંધાતા આજે મહત્તમ તાપમાન 31.6 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું. બીજી તરફ લઘુત્તમ તાપમાનમાં 2 ડિગ્રીનો વધારો નોંધાયો હતો અને તે 26.6 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું. હવામાં ભેજનું પ્રમાણ 86 ટકા જેટલું ઊંચું રહેતાં દિવસ દરમિયાન બફારો અને ઉકળાટ અનુભવાયો હતો. દક્ષિણ-પશ્ચિમ દિશામાંથી આશરે 6 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. આગામી દિવસોમાં પણ ભેજ અને સ્થાનિક હવામાનની સ્થિતિને કારણે સુરત સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડી શકે છે.

Most Popular

To Top