World

નેપાળથી 55 કિમી દૂર તિબેટમાં 5.0 ની તીવ્રતાનો ભૂકંપ

ગુરુવારે તિબેટમાં ૫.૦ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો જે નેપાળ સરહદથી આશરે ૫૫ કિમી દૂર હતો. ભારતના રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્ર (NCS) અનુસાર તેનું કેન્દ્ર ઉત્તરાખંડમાં જોશીમઠથી લગભગ ૧૨૮ કિલોમીટર ઉત્તરપૂર્વમાં, સપાટીથી ૧૦ કિલોમીટર નીચે હતું.

ભૂકંપ પ્રમાણમાં છીછરી ઊંડાઈએ આવ્યો હતો. આવા ભૂકંપ નોંધપાત્ર નુકસાન પહોંચાડી શકે છે કારણ કે ભૂકંપની ઊર્જા રસ્તામાં કમજોર થયા વગર સપાટી પર ઝડપથી પહોંચે છે. જો કે હાલમાં ભૂકંપને કારણે થયેલા નુકસાન કે ઈજાના કોઈ અહેવાલ નથી.

આ ભૂકંપ ૨૬ ઓગસ્ટના રોજ તિબેટ અને નેપાળમાં પૂર અને ભૂસ્ખલનને કારણે થયેલા ભારે વિનાશ બાદ આવ્યો છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં કુલ ૧,૨૭૩ લોકોએ જીવ ગુમાવ્યા છે. જેમાં નેપાળમાં ૧,૨૫૨ અને તિબેટમાં ૨૧ લોકોનો સમાવેશ થાય છે.

ભારતે ૧૯ સભ્યોની ફોરેન્સિક ટીમ મોકલી છે. આ ટીમ નેપાળ પોલીસ અને કાઠમંડુમાં સ્થાનિક નિષ્ણાતો સાથે મળીને કામ કરી રહી છે, જે મૃતદેહોમાંથી ડીએનએ નમૂના એકત્રિત કરવા, તેનું વિશ્લેષણ કરવા અને સંબંધીઓના ડીએનએ સાથે મેચ કરવામાં તકનીકી સહાય પૂરી પાડે છે.

તિબેટમાં 100 નેપાળી ગુમ
નેપાળ-તિબેટ સરહદ નજીક આવેલા પૂરને કારણે તિબેટમાં લગભગ 100 નેપાળી નાગરિકો ગુમ થયા છે. નેપાળના વિદેશ મંત્રાલયના પ્રવક્તા લોક બહાદુર છેત્રીએ બુધવારે આ માહિતી શેર કરી. તેમણે જણાવ્યું હતું કે તિબેટના કેરુંગ વિસ્તારમાં આશરે 1,500 નેપાળી નાગરિકો ફસાયેલા છે અને તેમને સુરક્ષિત રીતે બહાર કાઢવાની તૈયારીઓ ચાલી રહી છે. છેત્રીએ એ પણ નોંધ્યું હતું કે ભારતમાં મળી આવેલા ઓછામાં ઓછા 19 મૃતદેહો નેપાળની ભોટે કોશી નદીના પૂરના પાણીમાં તણાઈ ગયા હતા. આ મૃતદેહો ભારત પહોંચતા પહેલા ભોટે કોશીમાંથી ત્રિશુલી અને નારાયણી નદીઓમાં વહી ગયા હતા.

4,875 લોકો ગુમ
નેપાળમાં મૃત્યુઆંક વધીને 1,252 થયો છે. નેપાળ પોલીસના જણાવ્યા અનુસાર અસરગ્રસ્ત વિસ્તારોમાંથી સતત મૃતદેહો મળી રહ્યા છે જેમાં તિબેટમાં જીવ ગુમાવનારા 21 વ્યક્તિઓનો સમાવેશ થાય છે જ્યારે આશરે 4,875 લોકો ગુમ છે. સૌથી વધુ મૃતદેહો 355, ચિત્વનમાંથી મળી આવ્યા હતા. વધુમાં નવલપરાસી પૂર્વમાં 218, નવલપરાસી પશ્ચિમમાં 208 અને નુવાકોટમાં 177 મૃતદેહો મળી આવ્યા હતા. નવલપરાસી પશ્ચિમમાં મળી આવેલા મૃતદેહોમાં 18 એવા મૃતદેહોનો સમાવેશ થાય છે જે ભારતમાં મળી આવ્યા હતા અને ત્યારબાદ સોંપવામાં આવ્યા હતા.

Most Popular

To Top