SURAT

સુરતની હોટેલની દાલફ્રાયમાંથી વાંદો નીકળ્યો હોવાનો વીડિયો વાયરલ, મનપાની ટીમે તપાસ કરી 5 હજારનો દંડ ફટકાર્યો

વરાછાના ઈશ્વરકૃપા રોડ પર આવેલી શીતલ હોટેલનું પંજાબી શાક ખાધા બાદ પરિવારને ફૂડ પોઈઝનિંગ થયું હતું અને એક બાળકીના મોતની ઘટનાએ સુરતમાં ખાણી-પીણીની સંસ્થાઓમાં સ્વચ્છતા અને ખાદ્યપદાર્થોની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે. આ ઘટના બાદ સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા શહેરભરમાં હોટેલ, રેસ્ટોરાં અને અન્ય ખાણી-પીણીની સંસ્થાઓમાં ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. બીજી તરફ શહેરીજનો પણ હવે ખાદ્યપદાર્થોની ગુણવત્તા અંગે વધુ જાગૃત બન્યા છે અને સોશિયલ મીડિયા પર હોટેલ-રેસ્ટોરાંમાં મળતી વાંધાજનક વસ્તુઓના વીડિયો શેર કરી રહ્યા છે. આ દરમિયાન પીપલોદ વિસ્તારમાં આવેલી રાધાકૃષ્ણ હોટેલની દાલફ્રાયના પાર્સલમાંથી વાંદો નીકળ્યો હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. વીડિયો સામે આવ્યા બાદ મનપાના અઠવા ઝોનનું આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું હતું અને આરોગ્ય વિભાગની ટીમ હોટેલ પર પહોંચી હતી. ટીમે હોટેલમાં સ્થળ તપાસ હાથ ધરી હતી અને ખાદ્યપદાર્થો તથા સ્વચ્છતાની સ્થિતિની ચકાસણી કરી હતી.

તપાસ દરમિયાન હોટેલમાં સફાઈ સહિતની કેટલીક બાબતોમાં વાંધાજનક સ્થિતિ હોવાનું મનપાની ટીમને જણાયું હતું. ત્યારબાદ આરોગ્ય વિભાગ દ્વારા હોટેલમાંથી વિવિધ ખાદ્યપદાર્થોના સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ સેમ્પલને જરૂરી તપાસ માટે મોકલવામાં આવશે અને તેના પરિણામોના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવી શકે છે. મનપાની ટીમે હોટેલ સંચાલક સામે કાર્યવાહી કરતાં રૂ.5 હજારનો દંડ પણ ફટકાર્યો હતો. આ ઉપરાંત હોટેલ સંચાલકને નોટિસ આપવામાં આવી હતી અને ખાદ્યપદાર્થોની ગુણવત્તા તથા હોટેલમાં સ્વચ્છતા જાળવવા અંગે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. શીતલ હોટેલની ઘટના બાદ શહેરમાં ખાણી-પીણીની સંસ્થાઓ સામે મનપાનું ચેકિંગ વધુ સઘન બન્યું છે. હોટેલ અને રેસ્ટોરાંમાં પીરસવામાં આવતા ખાદ્યપદાર્થોની ગુણવત્તા, રસોડાની સ્વચ્છતા, સ્ટોરેજ વ્યવસ્થા અને ખાદ્ય સામગ્રીની સ્થિતિ સહિતના મુદ્દાઓની તપાસ કરવામાં આવી રહી છે. આ કાર્યવાહી વચ્ચે પીપલોદની રાધાકૃષ્ણ હોટેલનો કિસ્સો સામે આવતા ખાણી-પીણીની સંસ્થાઓમાં સ્વચ્છતા કેટલી જળવાય છે તે અંગે ફરી ચર્ચા શરૂ થઈ છે.

સોશિયલ મીડિયા પણ આવા કિસ્સાઓ સામે લાવવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. ગ્રાહકો દ્વારા હોટેલ કે રેસ્ટોરાંમાં મળેલી વાંધાજનક વસ્તુઓના વીડિયો બનાવવામાં આવે છે અને તેને સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવે છે. આવા વીડિયો વાયરલ થયા બાદ મનપાનું આરોગ્ય તંત્ર તપાસ માટે પહોંચે છે. જોકે સોશિયલ મીડિયા પર ફરિયાદ કે વીડિયો વાયરલ થયા પછી જ તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે કે નિયમિત રીતે પણ ચેકિંગ થાય છે, તે મુદ્દો પણ હવે ચર્ચામાં આવ્યો છે. હોટેલ-રેસ્ટોરાંમાં ખાવા જતા ગ્રાહકો માટે આ ઘટના ફરી એક વખત ખાદ્ય સુરક્ષા અને સ્વચ્છતાના મહત્વને સામે લાવે છે. મનપાની કાર્યવાહી બાદ હવે ખાણી-પીણીની સંસ્થાઓ દ્વારા રસોડા અને ખાદ્યપદાર્થોની સ્વચ્છતા જાળવવામાં આવે છે કે નહીં અને લેવામાં આવેલા સેમ્પલના પરિણામમાં શું સામે આવે છે તેના પર નજર રહેશે.

Most Popular

To Top