બ્રિક્સ શિખર સંમેલનનું સંયુક્ત ઘોષણાપત્ર બહાર પાડવામાં આવ્યું છે, જેમાં ગ્લોબલ સાઉથ માટે સમાન ભાગીદારીનું આહ્વાન કરવામાં આવ્યું છે. તે ભવિષ્યની ટેકનોલોજીના વિકાસ અને તેમને સંચાલિત કરતા નિયમોમાં ‘ગ્લોબલ સાઉથ’ (વિકાસશીલ રાષ્ટ્રો) ની સમાન ભાગીદારીની માંગ કરે છે. રશિયા અને ચીન સહિત બ્રિક્સ રાષ્ટ્રોએ પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી અને આતંકવાદીઓને સુરક્ષિત આશ્રયસ્થાનો પૂરા પાડનારાઓ સામે સામૂહિક કાર્યવાહીનું વચન આપ્યું.
શિખર સંમેલન દરમિયાન બોલતા, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે બદલાતા વૈશ્વિક પરિદૃશ્યનું સંચાલન જૂની સંસ્થાઓ દ્વારા ન થવું જોઈએ. તેમણે ટિપ્પણી કરી હતી કે દ્રષ્ટિકોણની વિવિધતા સાથે, બ્રિક્સ સહયોગ માટે એક સહિયારી પ્રતિબદ્ધતા સ્પષ્ટપણે ઉભરી આવી છે. આજની ચર્ચાઓએ સ્પષ્ટ કર્યું કે બદલાતી દુનિયા જૂની સંસ્થાઓ દ્વારા સંચાલિત થઈ શકતી નથી; પ્રતિનિધિત્વ, જવાબદારી અને નિયમ-નિર્માણ પ્રક્રિયાઓમાં સુધારા જરૂરી છે. બ્રિક્સ શિખર સંમેલનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, રશિયન રાષ્ટ્રપતિ પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે એક ફોટોગ્રાફ સામે આવ્યો છે, જેમાં પીએમ મોદી બંને નેતાઓનો હાથ પકડીને બેઠા છે.
પહેલગામ હુમલાની નિંદા
બ્રિક્સ ઘોષણામાં બધા સભ્ય દેશોએ પહેલગામ હુમલાની નિંદા કરી અને આતંકવાદ પ્રત્યે શૂન્ય-સહિષ્ણુતા નીતિ પર ભાર મૂક્યો. તેઓએ આતંકવાદને કોઈપણ ચોક્કસ ધર્મ અથવા રાષ્ટ્રીયતા સાથે જોડવાનો વિરોધ કર્યો. રશિયા અને ચીન સહિત બ્રિક્સ રાષ્ટ્રોએ આ હુમલાની નિંદા કરી અને આતંકવાદીઓને આશ્રય આપનારાઓ સામે સામૂહિક કાર્યવાહી કરવા સંમતિ આપી. વધુમાં આતંકવાદી ભંડોળને રોકવા અને આતંકવાદીઓને સુરક્ષિત આશ્રય આપનારાઓ સામે કાર્યવાહી કરવા પર સર્વસંમતિ સધાઈ.
સંયુક્ત નિવેદન પર બ્રિક્સ રાષ્ટ્રો વચ્ચે કરાર એવા સમયે થયો છે જ્યારે પશ્ચિમ એશિયામાં તણાવ વધી રહ્યો છે જેમાં ઈરાન, સાઉદી અરેબિયા અને યુએઈ અનેક મુદ્દાઓ પર અલગ અલગ મંતવ્યો ધરાવે છે. ભારતે સંવાદ દ્વારા આ તફાવતોને દૂર કરવામાં અને સભ્ય રાષ્ટ્રો વચ્ચે સર્વસંમતિને પ્રોત્સાહન આપવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે.
ઘોષણામાં શું સમાવિષ્ટ છે?
ઘોષણામાં બ્રિક્સ રાષ્ટ્રોએ એકપક્ષીય ટેરિફ અને નોન-ટેરિફ પગલાંના વધતા ઉપયોગ પર ગંભીર ચિંતા વ્યક્ત કરી જે વેપારને અસર કરે છે અને વિશ્વ વેપાર સંગઠન (WTO) ના નિયમોની વિરુદ્ધ ચાલે છે. તેઓએ આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન કરતા એકપક્ષીય બળજબરીભર્યા પગલાંની પણ નિંદા કરી.
ઘોષણામાં સંઘર્ષોને રોકવા માટે વધુ જોડાણની હાકલ કરવામાં આવી હતી જેમાં તેમના મૂળ કારણોને સંબોધવાના પ્રયાસોનો સમાવેશ થાય છે. આ જૂથે સંવાદ, પરામર્શ અને રાજદ્વારી દ્વારા આંતરરાષ્ટ્રીય વિવાદોના શાંતિપૂર્ણ ઉકેલ માટે પોતાની પ્રતિબદ્ધતાનો પણ પુનરોચ્ચાર કર્યો. BRICS દેશોએ મુખ્ય વૈશ્વિક મુદ્દાઓ પર વિવિધ દેશોના દ્રષ્ટિકોણને ધ્યાનમાં લેતા બહુપક્ષીય અભિગમની હિમાયત કરી હતી અને આંતરરાષ્ટ્રીય પડકારોનો સામનો કરવા માટે સંવાદ અને સહયોગના મહત્વ પર ભાર મૂક્યો હતો.
ચીન આવતા વર્ષે BRICSનું પ્રમુખપદ સંભાળશે
ચીનની સરકારી સમાચાર સંસ્થા ‘શિનહુઆ’ (Xinhua) અનુસાર શી જિનપિંગે જણાવ્યું છે કે ચીન આવતા વર્ષે BRICSનું પ્રમુખપદ સંભાળશે. BRICS સભ્ય દેશો માટે યોજાયેલા સત્રની સમાપ્તિ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે હસ્તધૂનન કર્યું હતું અને પરસ્પર વાતચીત કરી હતી.