સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) દરમિયાન એકત્ર કરવામાં આવતા ડેટાનો ઉપયોગ પાસપોર્ટ બનાવવા અથવા તેનું રિન્યુઅલ કરવા માટે થતો નથી. કેન્દ્ર સરકારે રાજ્યસભામાં આ અંગે સ્પષ્ટ જવાબ આપીને તમામ પ્રકારની અટકળો પર પૂર્ણવિરામ મૂકી દીધું છે. વિદેશ રાજ્ય મંત્રી કીર્તિ વર્ધન સિંહે લેખિત જવાબમાં જણાવ્યું કે વિદેશ મંત્રાલય અથવા તેની હેઠળની કોઈ પણ એજન્સી SIRનો ડેટા ન તો માંગે છે, ન તો તેનો ઉપયોગ કરે છે.
રાજ્યસભામાં પૂછાયેલા પ્રશ્નના જવાબમાં સરકારે જણાવ્યું કે પાસપોર્ટ જારી કરવાની પ્રક્રિયા સંપૂર્ણપણે પાસપોર્ટ અધિનિયમ, 1967 અને તેના હેઠળ બનાવાયેલા નિયમો અનુસાર થાય છે. તેમાં SIR દરમિયાન એકત્ર કરવામાં આવેલી કોઈ પણ માહિતીનો સમાવેશ થતો નથી. સરકારે વધુમાં જણાવ્યું કે ભારતીય પાસપોર્ટમાં અગાઉ લખાતો “Citizen of India” શબ્દ હવે આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન સંસ્થા (ICAO)ના ધોરણો અનુસાર “Nationality” શબ્દથી દર્શાવવામાં આવે છે. આ માત્ર આંતરરાષ્ટ્રીય ધોરણોને અનુરૂપ કરાયેલો ફેરફાર છે.
તાજેતરમાં કોલકાતા હાઈકોર્ટની જલપાઈગુડી બેંચે પણ મહત્વપૂર્ણ નિર્ણય આપતાં જણાવ્યું હતું કે કોઈપણ વ્યક્તિને તેની નાગરિકતાની પુષ્ટિ કર્યા વિના પાસપોર્ટ આપી શકાય નહીં. અદાલતે એવો પણ સ્પષ્ટ અભિપ્રાય વ્યક્ત કર્યો કે માત્ર મતદાર યાદીમાંથી નામ હટી જવાના આધારે કોઈને તાત્કાલિક પાસપોર્ટ આપવાનો આદેશ આપી શકાય નહીં. કેન્દ્ર સરકારે એ પણ સ્પષ્ટ કર્યું કે મતદાર યાદી અને પાસપોર્ટ બંનેની પ્રક્રિયા અલગ-અલગ કાયદા અને નિયમો હેઠળ ચાલે છે. તેથી SIRની પ્રક્રિયાનો પાસપોર્ટ જારી કરવા કે તેના રિન્યુઅલ સાથે કોઈ સીધો સંબંધ નથી.
પાસપોર્ટ રેન્કિંગ અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં સરકારે જણાવ્યું કે દુનિયામાં પાસપોર્ટની કોઈ એક માન્ય અથવા સાર્વત્રિક રેન્કિંગ સિસ્ટમ નથી. અલગ-અલગ ખાનગી સંસ્થાઓ પોતાના માપદંડોના આધારે પાસપોર્ટ રેન્કિંગ જાહેર કરે છે. સરકારના જણાવ્યા મુજબ હાલમાં ભારતીય પાસપોર્ટ ધારકોને 27 દેશોમાં વિઝા વગર પ્રવેશ (Visa-Free) મળે છે. ઉપરાંત 47 દેશોમાં Visa on Arrival અને 66 દેશોમાં E-Visaની સુવિધા ઉપલબ્ધ છે, જેના કારણે ભારતીય નાગરિકો માટે વિદેશ પ્રવાસ વધુ સરળ બન્યો છે.
રાજ્યસભામાં સરકારે અન્ય માહિતી પણ આપી હતી. વર્ષ 2025 દરમિયાન કુલ 688 શ્રદ્ધાળુઓએ કૈલાશ માનસરોવર યાત્રા કરી હતી, જ્યારે વર્ષ 2026માં આશરે 1,000 યાત્રાળુઓ માટે વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત સરકારે જણાવ્યું કે વિદેશી જહાજોમાં ફસાયેલા ભારતીય નાવિકોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. વર્ષ 2023માં આવી સંખ્યા 56 હતી, જે 2024માં વધીને 132 થઈ હતી. વર્ષ 2025માં આ આંકડો વધીને 329 સુધી પહોંચી ગયો છે.