Vadodara

વડોદરામાં રસ્તા પર દોડતો ‘કેમિકલ બોમ્બ’ પકડાવા છતાં છોડી મૂકાયો: પોલીસ અને પોલ્યુશન વિભાગની મોટી મિલીભગતની આશંકા!​

સાવલીની ઇન્ડો એમાઇન્સ કંપનીમાંથી ગેરકાયદેસર નીકળેલું અત્યંત જોખમી કેમિકલનું ટેન્કર જાગૃત નાગરિકે ઝડપ્યું; સેમ્પલ લેવાને બદલે અધિકારીઓએ ભીનું સંકેલ્યું

વડોદરાના સાવલી ટુંડાવ સ્થિત આવેલી ઈન્ડો એમાઈન્સ કંપની ફરી એકવાર મોટા વિવાદમાં સપડાઈ છે. ગત ૧ જૂન, સોમવારના રોજ સાંજની આસપાસ આ કંપનીમાંથી એક અત્યંત જ્વલનશીલ અને જોખમી (હેઝાર્ડસ) કેમિકલ ભરીને એક ટેન્કર ગેરકાયદેસર રીતે રવાના થયું હતું. આ પ્રકારના જોખમી કેમિકલને એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં લઈ જવા પર કાયદાકીય પ્રતિબંધ હોય છે અને જો તેને લઈ જવું હોય તો તેની એક ચોક્કસ સરકારી મંજૂરી અને કડક પ્રોસીઝર (પ્રક્રિયા) માંથી પસાર થવું પડતું હોય છે. જોકે, આ ટેન્કર કોઈપણ જાતની યોગ્ય મંજૂરી વિના જ રવાના કરી દેવાયું હોવાની વિગતો સામે આવી છે.
​આ સમગ્ર કાળા કારોબારની ગંધ એક જાગૃત નાગરિકને આવી ગઈ હતી. તેણે સતર્કતા દાખવીને આ શંકાસ્પદ ટેન્કરનો પીછો કર્યો હતો અને હરણી પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં તેને અટકાવી દીધું હતું. ત્યારબાદ નાગરિકે તાત્કાલિક ૧૧૨ નંબર પર કોલ કરીને પોલીસની ટીમને ઘટનાસ્થળે બોલાવી લીધી હતી, જેના પગલે આ આખો મામલો હરણી પોલીસ મથકે પહોંચ્યો હતો. પોલીસ મથકે પહોંચ્યા બાદ જાગૃત નાગરિકે કાયદેસરની કાર્યવાહીના ભાગરૂપે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) ની ટીમને સ્થળ પર બોલાવી કેમિકલના સેમ્પલ લેવાની ઉગ્ર માંગ કરી હતી.
​પરંતુ, આશ્ચર્યજનક અને આઘાતજનક વળાંક ત્યારે આવ્યો જ્યારે હરણી પોલીસ અને પ્રદૂષણ નિયંત્રણ વિભાગે આ ગંભીર મામલાને ઉકેલવાને બદલે કથિત મિલીભગત કરીને આખોય મામલો સંકેલી લીધો હતો. જાગૃત નાગરિકના જણાવ્યા અનુસાર, તેણે વડોદરા પોલ્યુશન વિભાગના ઉચ્ચ અધિકારી માર્ગી મેડમને ફોન પર આ અંગેની જાણ કરી હતી. જોકે, જવાબદાર અધિકારીએ કાર્યવાહી કરવાને બદલે નાગરિકને જ સવાલો કર્યા હતા કે, “તમે કયા હકથી ગાડી રોકી? તમારાથી ગાડી રોકી શકાય નહીં, ગાડીવાળા પાસે બિલ છે એટલે અમારાથી ગાડી અટકાવી શકાય નહીં.” આ સાંભળીને જાગૃત નાગરિકે સ્પષ્ટ કર્યું હતું કે બિલ ગમે તેનું હોય, પણ ગાડીની અંદર કયું મટીરીયલ છે તેની તપાસ થવી જોઈએ અને તેના સેમ્પલ લેવા જોઈએ. તેમ છતાં પોલ્યુશન વિભાગના ઉચ્ચ અધિકારીએ કોઈ જ કાર્યવાહી કરી ન હતી.
​આવી જ કંઈક ભૂમિકા હરણી પોલીસની પણ જોવા મળી હતી. જ્યારે નાગરિકે પોલીસ મથકમાં રજૂઆત કરી ત્યારે પોલીસે પણ એ જ રાગ આલાપ્યો હતો કે કંપની પાસે બિલ હોવાથી તેઓ કોઈ કાર્યવાહી કરી શકે નહીં. નાગરિકે વારંવાર દલીલ કરી હતી કે બિલ હોવું એ મોટી વાત નથી, પરંતુ બિલમાં જે મટીરીયલ દર્શાવવામાં આવ્યું છે તે જ મટીરીયલ ખરેખર ટેન્કરમાં છે કે કેમ, તેની તપાસ કરવી જરૂરી છે. જોકે પોલીસે જાગૃત નાગરિકનું માત્ર બયાન નોંધીને તેને રવાના કરી દીધો હતો અને ત્યારબાદ પોલીસ તેમજ વડોદરા પોલ્યુશન વિભાગની કથિત મિલીભગતના કારણે આ જ્વલનશીલ કેમિકલ ભરેલા ટેન્કર અને તેના ડ્રાઇવરને કોઈ પણ તપાસ વિના જ સહીસલામત છોડી મૂકવામાં આવ્યા હતા.
​અત્રે ઉલ્લેખનીય છે કે, આ જાગૃત નાગરિકે અગાઉ પણ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને ઈન્ડો એમાઈન્સ કંપનીમાં ચાલતી આવી ગેરરીતિઓ અંગે ઈમેઈલ દ્વારા પુરાવા સહ ફરિયાદ કરી હતી, છતાં તંત્ર દ્વારા કોઈ જ પગલાં લેવાયા ન હતા. સરકારી તંત્રની આ નિષ્ક્રિયતાથી કંટાળીને આ વખતે નાગરિકે જાતે જોખમ ખેડીને આ ટેન્કર ઝડપી પાડ્યું હતું.
​નાગરિકે આક્રોશ સાથે જણાવ્યું છે કે આ કેમિકલ એટલું ખતરનાક અને બોમ્બ સમાન છે કે જો રસ્તામાં કોઈ અકસ્માત સર્જાય અથવા લીકેજ થાય, તો ખૂબ મોટી જાનહાનિ થઈ શકે તેમ છે. વડોદરાના રાજમાર્ગો પર આવા જોખમી કેમિકલના ટેન્કરો કોઈ જ રોકટોક વિના દોડી રહ્યા છે, જે નાગરિકોના જીવ સાથે ખુલ્લું રમત સમાન છે. વધુમાં, આ કંપની જીએસટી (GST) ચોરી કરીને સરકારને પણ લાખો-કરોડો રૂપિયાનો ચૂનો લગાડી રહી હોવાના આક્ષેપો થયા છે. વારંવાર ફરિયાદો થવા છતાં કંપની સામે કોઈ કાર્યવાહી ન થવી તે સ્પષ્ટ કરે છે કે આ કાળા કારોબારમાં હરણી પોલીસ, પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારીઓ અને કેટલાક મોટા માથાઓની મિલીભગત અને આશીર્વાદ સંકળાયેલા છે. હવે જોવાનું એ રહે છે કે આ ખુલાસા બાદ ઉચ્ચ કક્ષાએથી કોઈ તપાસના આદેશ આપવામાં આવે છે કે પછી મામલો કાયમની જેમ દબાવી દેવામાં આવશે.

Most Popular

To Top