સળંગ બીજા દિવસે જીવલેણ અકસ્માત, બેફામ દોડતા ભારે વાહનો સામે સ્થાનિકોમાં રોષ
પહેલા ટ્રેક્ટર ચાલકનો ભોગ, પછી યુવાનનું મોત; ડમ્પર ચાલકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી
પ્રતિનિધિ, બોડેલી
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી નજીક આવેલા ચારોલા ગામ પાસે મંગળવારે વધુ એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. ડમ્પર અને બાઇક વચ્ચે થયેલી ટક્કરમાં બાઇક ચાલક યુવાનનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજતાં વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી.
પ્રાપ્ત વિગતો મુજબ, બાઇક પર પસાર થઈ રહેલા યુવાનને ડમ્પર ચાલકે અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. ટક્કર એટલી ભયાનક હતી કે યુવાનને ગંભીર ઇજાઓ પહોંચતાં તેનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. અકસ્માતની જાણ થતાં સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.
આ અકસ્માતની ઘટના વચ્ચે નોંધનીય બાબત એ છે કે જિલ્લામાં ડમ્પર સાથે જોડાયેલો આ સળંગ બીજા દિવસે જીવલેણ અકસ્માત છે. ગત રાત્રે દેશી ખાતરના ફેરા ખાલી કરીને ટ્રેક્ટર ફરી ખાતર ભરવા જતું હતું ત્યારે ડમ્પરે ટ્રેક્ટરને અડફેટે લેતા ટ્રેક્ટર ચાલકનું પણ મોત નીપજ્યું હતું.
સળંગ બે દિવસમાં ડમ્પર સંબંધિત બે જીવલેણ અકસ્માતો બનતાં ચારોલા સહિત સમગ્ર બોડેલી પંથકમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર ભારે વાહનોની બેફામ દોડ, ઓવરસ્પીડ અને ટ્રાફિક નિયમોના ઉલ્લંઘનને કારણે સામાન્ય વાહનચાલકોના જીવ સતત જોખમમાં મુકાઈ રહ્યા છે.
સ્થાનિક લોકોએ ડમ્પર ચાલકો સામે કડક કાર્યવાહી કરવા, ભારે વાહનોની ગતિ મર્યાદાનું કડક પાલન કરાવવા અને અકસ્માતપ્રવણ વિસ્તારોમાં ટ્રાફિક નિયંત્રણ વધારવા તંત્ર સમક્ષ માંગણી કરી છે. લોકોનું કહેવું છે કે જો સમયસર કડક પગલાં નહીં લેવાય તો આવા અકસ્માતોમાં નિર્દોષ લોકોના જીવ જતાં રહેશે.
રિપોર્ટર— ઝહીર સૈયદ, બોડેલી