ફર્નિચરના ધંધા માટે લીધેલા રૂ.1 લાખના બદલામાં ચક્રવૃદ્ધિ વ્યાજની માંગણી, ગેરેજમાંથી સામાન અને લેપટોપ ઉઠાવી જાનથી મારી નાખવાની ધમકી, બે વ્યાજખોર સામે ફરિયાદ
વડોદરા, તા.9
વડોદરા શહેરમાં વ્યાજખોરીનો વધુ એક ગંભીર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ફર્નિચરના ધંધા માટે વ્યાજે રૂપિયા લેનાર 26 વર્ષીય કોમ્પ્યુટર ટ્રેનર પાસેથી બે શખ્સોએ મૂળ રકમ કરતાં વધુ નાણાં વસૂલ્યા છતાં ચક્રવૃદ્ધિ વ્યાજની માંગણી ચાલુ રાખી હતી. એટલું જ નહીં, ગેરેજમાં પહોંચી ગાળાગાળી કરી સામાન અને લેપટોપ લઈ જવાની સાથે જાનથી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ બિલ વિસ્તારમાં આવેલા એન્જલબ્લીસમાં રહેતા કોમ્પ્યુટર ટ્રેનર ચંદનભાઈ અશોકભાઈ વિશ્વકર્મા (ઉ.વ.26)એ જે.પી. રોડ પોલીસ સ્ટેશનમાં નોધાવેલી ફરિયાદ અનુસાર એપ્રિલ-2024 દરમિયાન ચંદનભાઈ તેમના ભાઈ નિલેશ વિશ્વકર્માની અટલાદરા પોલીસ ચોકી સામે આવેલી ગેરેજ પર જતા હતા. તે દરમિયાન ગાડી રિપેરિંગ માટે આવતા વિકાસ રાજપુત અને ભરત પ્રધાનાની સાથે તેમની ઓળખાણ થઈ હતી. ફર્નિચરના વ્યવસાય માટે નાણાંની જરૂરિયાત હોવાની વાતચીત થતાં બંનેએ મદદ કરવાની ખાતરી આપી હતી.
ત્યારબાદ જૂન-2024માં આરોપીઓએ રૂ.1 લાખની લોન આપવાનું નક્કી કર્યું હતું. જોકે, રૂ.10 હજાર વ્યાજ તરીકે અગાઉથી કાપી લઈને માત્ર રૂ.90 હજાર રોકડા આપ્યા હતા. સુરક્ષા પેટે ચંદનભાઈ અને તેમના ભાઈના બેંકના ચેક પણ લેવામાં આવ્યા હતા.
જુલાઈ-2024થી જાન્યુઆરી-2025 દરમિયાન ચંદનભાઈએ દર મહિને રૂ.10 હજાર મુજબ કુલ રૂ.80 હજાર વ્યાજ ચૂકવ્યું હતું. ઉપરાંત ફેબ્રુઆરીથી એપ્રિલ-2025 દરમિયાન વધુ રૂ.31 હજાર ભરત પ્રધાનાનીની પત્નીના બેંક ખાતામાં જમા કરાવ્યા હતા. આમ છતાં આરોપીઓએ વધુ રકમ અને ચક્રવૃદ્ધિ વ્યાજની માંગણી ચાલુ રાખી હતી.
વ્યાજની રકમ નહી ચૂકવાતા વિકાસ રાજપુત અને ભરત પ્રધનાની તેમના ભાઈના ગેરેજ પર પહોંચ્યા હતા. ત્યાં બંનેએ ગાળાગાળી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઉપરાંત ગેરેજમાં રહેલો સામાન અને લેપટોપ પણ પોતાની સાથે લઈ ગયા હતા.
આરોપીઓની ધમકીઓના કારણે ચંદનભાઈએ અગાઉ પોલીસમાં ફરિયાદ નોંધાવી નહોતી. જોકે, તાજેતરમાં વિકાસ રાજપુત વિરુદ્ધ અન્ય ફરિયાદ નોંધાઈ હોવાની જાણ થઈ હતી.