Gujarat

વાપીમાં પૂરથી ઉદ્યોગોને મોટો ફટકો, 78 ગોડાઉનમાં 15 ફૂટ પાણી, કરોડોનું નુકસાન

વાપી નજીક આવેલા વલવાડા ગામના રોયલ હબ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં દમણગંગા નદીના પૂરના કારણે ભારે તબાહી સર્જાઈ છે. ઉપરવાસમાં ભારે વરસાદ બાદ મધુબન ડેમમાંથી મોટી માત્રામાં પાણી છોડવામાં આવતા નદીનું જળસ્તર ઝડપથી વધી ગયું હતું. જેના કારણે પાર્કમાં આવેલા અંદાજે 78 ગોડાઉનમાં 10થી 15 ફૂટ સુધી પૂરનું પાણી ઘૂસી ગયું હતું. આ ઘટનાથી અનેક નાના અને મધ્યમ ઉદ્યોગકારોને કરોડો રૂપિયાનું નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. પૂરના પાણીમાં ગોડાઉનમાં રાખેલો તૈયાર માલ, કાચો માલ, મશીનરી, ઇલેક્ટ્રિકલ સાધનો અને અન્ય કિંમતી સામગ્રી સંપૂર્ણપણે બગડી ગઈ છે. કેટલાક સ્થળોએ મશીનો લાંબા સમય સુધી પાણીમાં ડૂબેલા રહેતાં હવે તેનો ઉપયોગ કરવો પણ મુશ્કેલ બન્યો છે. ઘણા ઉદ્યોગકારોનું કહેવું છે કે તેમને માલસામાન બહાર કાઢવાનો સમય પણ મળ્યો નહોતો અને કલાકોમાં જ આખા ગોડાઉન પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.

રોયલ હબ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં પ્રિન્ટિંગ, ટેક્સટાઇલ, ઓઇલ, પેકેજિંગ અને મેડિકલ સાધનો બનાવતા અનેક નાના ઉદ્યોગો કાર્યરત છે. પૂરના કારણે આ તમામ ઉદ્યોગોના ઉત્પાદન પર સીધી અસર પડી છે. તૈયાર થયેલો માલ અને ગ્રાહકોને મોકલવાના ઓર્ડર પણ બગડી જતાં વેપારીઓને આર્થિક નુકસાન ઉપરાંત સમયસર સપ્લાય ન કરી શકવાની ચિંતા પણ સતાવી રહી છે. હાલ પાણી ઓસર્યા બાદ સમગ્ર ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં કાદવનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. પ્રવેશદ્વારથી લઈને આંતરિક રસ્તાઓ સુધી ભારે કિચડ ભરાઈ ગયો છે. જેના કારણે વાહનોની અવરજવર મુશ્કેલ બની છે. કર્મચારીઓ અને ઉદ્યોગકારોને ગોડાઉન સુધી પહોંચવામાં પણ ભારે મુશ્કેલી પડી રહી છે. કેટલીક જગ્યાએ લોકો કાદવમાં લપસી પડ્યાના બનાવો પણ સામે આવ્યા છે.

અસરગ્રસ્ત ઉદ્યોગકારો હાલમાં ગોડાઉનમાં ભરાયેલા કાદવને સાફ કરવાની અને બગડેલો માલ બહાર કાઢવાની કામગીરીમાં વ્યસ્ત છે. નુકસાન કેટલું થયું છે તેનો ચોક્કસ અંદાજ હજુ આવી શક્યો નથી. પરંતુ પ્રાથમિક અંદાજ મુજબ અનેક કરોડ રૂપિયાનું નુકસાન થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ દરમિયાન સ્થાનિક ઉદ્યોગકારોમાં વહીવટી તંત્ર સામે નારાજગી પણ જોવા મળી રહી છે. તેમનો આક્ષેપ છે કે પાણી ઓસર્યાને કલાકો વીતી ગયા છતાં સ્થળ પર કોઈ જવાબદાર અધિકારી પહોંચ્યા નથી. અસરગ્રસ્તોનું કહેવું છે કે તાત્કાલિક સર્વે કરીને વાસ્તવિક નુકસાનનો અંદાજ લગાવવો જોઈએ અને રાહત કામગીરી શરૂ કરવી જોઈએ.

ઉદ્યોગકારોએ સરકાર પાસે વિશેષ સહાય પેકેજ અને યોગ્ય વળતરની માંગ કરી છે. તેમનું કહેવું છે કે નાના અને મધ્યમ ઉદ્યોગો માટે આ નુકસાનમાંથી બહાર આવવું સરળ નથી. ગોડાઉનમાં રાખેલી કરોડો રૂપિયાની મશીનરી અને માલસામાન પાણીમાં બગડી ગયો છે. તેથી સરકાર તાત્કાલિક સર્વે કરીને અસરગ્રસ્તોને આર્થિક સહાય આપે તેવી માંગ ઉઠી રહી છે. હાલ તમામની નજર સરકાર અને વહીવટી તંત્રની આગામી કાર્યવાહી પર છે. આગામી દિવસોમાં નુકસાનનું સંપૂર્ણ મૂલ્યાંકન થયા બાદ જ વાસ્તવિક નુકસાનનો આંકડો સામે આવશે. દમણગંગા નદીના પૂરે ફરી એકવાર નીચાણવાળા ઔદ્યોગિક વિસ્તારોમાં પૂર નિયંત્રણ, ડ્રેનેજ વ્યવસ્થા અને આગોતરી તૈયારીની જરૂરિયાત પર ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.

Most Popular

To Top