પરિવાર અને સામાજિક આગેવાનોની ન્યાય અને યોગ્ય વળતર માટે કંપની સમક્ષ માંગ :
( પ્રતિનિધિ )વડોદરા,તા.18
જીએસએફસી કંપનીમાં ગેસ ગળતરની ઘટનામાં સારવાર હેઠળ રહેલા કોયલી ગામના યુવાન કેયુર બિપીનભાઈ પરમારનું 10 દિવસની સારવાર બાદ દુઃખદ અવસાન થયું છે. ગેસ ગળતર બાદ ગંભીર અસર થતાં કેયુર પરમારને પ્રથમ શ્રીજી હોસ્પિટલ અને ત્યારબાદ ઝાયડસ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. છેલ્લા 10 દિવસથી તેઓ જીવન સામે જંગ લડી રહ્યા હતા, પરંતુ આજે સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.

કોયલી ગામના કેયુર પરમાર જીએસએફસી કંપનીમાં ફરજ બજાવતા હતા. ગેસ ગળતરની ઘટના બાદ તેમની તબિયત ગંભીર બનતા પરિવારજનો અને તબીબી ટીમ દ્વારા સતત સારવાર આપવામાં આવી રહી હતી. જોકે લાંબી સારવાર બાદ પણ તેમની સ્થિતિમાં સુધારો ન થતાં આજે તેમણે અંતિમ શ્વાસ લીધો હતો. યુવાનના અવસાનના સમાચાર મળતા કોયલી ગામ તેમજ પરિવારજનોમાં શોકની લાગણી પ્રસરી છે.
કેયુર પરમારના દુઃખદ અવસાન બાદ પરિવારને ન્યાય અપાવવા અને કંપની સમક્ષ યોગ્ય વળતર સહિતના હક્કોની રજૂઆત માટે સ્થાનિક આગેવાનો દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ધારાસભ્ય, તાલુકા પ્રમુખ તથા માજી સરપંચ દ્વારા જીએસએફસી કંપની સમક્ષ ધારદાર રજૂઆત કરવામાં આવી છે. આગેવાનો દ્વારા શોકમગ્ન પરિવારને યોગ્ય સહાય અને વળતર મળે તેમજ પરિવારના હક્કોનું રક્ષણ થાય તે અંગે કંપની સમક્ષ રજૂઆત કરવામાં આવી હોવાનું જણાવાયું છે. ગેસ ગળતર જેવી ઔદ્યોગિક ઘટનામાં વધુ એક યુવાનનું મોત થતાં સુરક્ષા વ્યવસ્થા અને અસરગ્રસ્ત પરિવારો માટેની જવાબદારી અંગે પણ સવાલો ઊભા થયા છે. કેયુર પરમારના અવસાનથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. 10 દિવસ સુધી જીવન માટે ઝઝૂમ્યા બાદ યુવાને અંતિમ શ્વાસ લેતા કોયલી ગામમાં શોકનો માહોલ છવાયો છે.