પેટ્રોલ પંપ પર UPI પેમેન્ટને લઈને નવો વિવાદ ઉભો થયો છે. મધ્યપ્રદેશમાં પેટ્રોલ પંપ ડીલર્સે ચેતવણી આપી છે કે જો ₹2,000થી વધુના UPI ટ્રાન્ઝેક્શન પર લાગનારા MDR (Merchant Discount Rate) ચાર્જને પરત લેવામાં નહીં આવે તો 16 ઓક્ટોબરથી આવા પેમેન્ટ સ્વીકારવાનું બંધ કરવામાં આવી શકે છે. આ નિર્ણય લાગુ પડે તો મધ્યપ્રદેશના અંદાજે 4,700 પેટ્રોલ પંપ પર તેની અસર થઈ શકે છે.
મધ્યપ્રદેશ પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશનના જણાવ્યા અનુસાર ₹2,000 સુધીના UPI પેમેન્ટ ચાલુ રહેશે, પરંતુ તેનાથી વધુ રકમના ટ્રાન્ઝેક્શન પર રોક લગાવવાની તૈયારી છે. ડીલર્સનું કહેવું છે કે પેટ્રોલ અને ડીઝલના વ્યવસાયમાં પહેલેથી જ નક્કી માર્જિન પર કામ કરવું પડે છે. આવી સ્થિતિમાં ડિજિટલ પેમેન્ટ પર વધારાનો ખર્ચ આવે તો તેની સીધી અસર તેમના વ્યવસાય પર પડી શકે છે.આ મુદ્દો માત્ર મધ્યપ્રદેશ પૂરતો સીમિત રહ્યો નથી. મુંબઈ પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશન અને ઓલ ઈન્ડિયા પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશને પણ આ અંગે વિરોધ નોંધાવ્યો છે. બંને સંગઠનોએ કેન્દ્રીય નાણામંત્રી અને ભારતીય રિઝર્વ બેંકને પત્ર લખીને પેટ્રોલ પંપોને MDR ચાર્જમાંથી સંપૂર્ણ મુક્તિ આપવાની માંગ કરી છે. ડીલર્સ સંગઠનોનું કહેવું છે કે આ નિર્ણય પર પુનર્વિચાર થવો જોઈએ.
ડીલર્સ એસોસિએશનના જણાવ્યા પ્રમાણે ₹2,000થી વધુના દરેક UPI ટ્રાન્ઝેક્શન પર આશરે ₹5 MDR ચાર્જ લાગવાની શક્યતા છે. તેના પર 18 ટકા GST ઉમેરાતા કુલ ખર્ચ લગભગ ₹5.90 સુધી પહોંચી શકે છે. ડીલર્સનું કહેવું છે કે દરેક ટ્રાન્ઝેક્શન પર આટલો વધારાનો ખર્ચ તેમના માટે મુશ્કેલી ઊભી કરી શકે છે.એસોસિએશનના દાવા મુજબ એક સરેરાશ પેટ્રોલ પંપ પર દરરોજ આશરે 100 એવા UPI ટ્રાન્ઝેક્શન થાય છે, જેની કિંમત ₹2,000થી વધુ હોય છે. આ ગણતરી પ્રમાણે દરરોજ લગભગ ₹590નો વધારાનો ખર્ચ થઈ શકે છે. મહિનાના હિસાબે આ રકમ આશરે ₹17,400થી ₹17,700 સુધી પહોંચી શકે છે. મધ્યપ્રદેશના અંદાજે 4,700 પેટ્રોલ પંપને ધ્યાનમાં લેવામાં આવે તો કુલ વધારાનો આર્થિક બોજ કરોડો રૂપિયામાં પહોંચી શકે છે.
પેટ્રોલિયમ ડીલર્સનું કહેવું છે કે પેટ્રોલ અને ડીઝલના ભાવ તેઓ પોતાની રીતે વધારી શકતા નથી, કારણ કે ઈંધણનું વેચાણ નિર્ધારિત માર્જિન પર થાય છે. તેથી ડિજિટલ પેમેન્ટનો વધારાનો ખર્ચ ગ્રાહકો પર નાખવો તેમના માટે સરળ નથી. એસોસિએશને માંગ કરી છે કે જો MDR ચાર્જ લાગુ કરવામાં આવે તો તેનો ખર્ચ પેટ્રોલ પંપ ડીલર્સની જગ્યાએ તેલ કંપનીઓએ ઉઠાવવો જોઈએ.આ મુદ્દે કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT)એ પણ ચિંતા વ્યક્ત કરી છે. સંગઠનના જણાવ્યા પ્રમાણે છેલ્લા કેટલાક વર્ષોમાં દેશમાં ડિજિટલ અને કેશલેસ પેમેન્ટને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં UPI પેમેન્ટ સાથે વધારાનો ચાર્જ જોડાય તો ડિજિટલ ટ્રાન્ઝેક્શન પર અસર પડી શકે છે.હાલમાં આ મુદ્દે પેટ્રોલ પંપ ડીલર્સ અને સંબંધિત સંગઠનો તરફથી MDR ચાર્જમાંથી રાહતની માંગ કરવામાં આવી રહી છે. જો 16 ઓક્ટોબર સુધીમાં મુદ્દાનો ઉકેલ નહીં આવે તો મધ્યપ્રદેશમાં ₹2,000થી વધુના UPI પેમેન્ટ અંગે ડીલર્સ દ્વારા જાહેર કરાયેલ નિર્ણય અમલમાં આવે છે કે નહીં, તેના પર સૌની નજર રહેશે.