માતર ટોલ પ્લાઝા નજીક ફોરવ્હીલર, ટ્રેલર અને લક્ઝરી બસ વચ્ચે અકસ્માત : હાઈડ્રોલિક રેસ્ક્યુ સાધનોની મદદથી એક કલાકની જહેમતે ડ્રાઈવરને બહાર કાઢ્યો
કરજણ, તા. 18: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર આજે વહેલી સવારે માતર ટોલ પ્લાઝાથી વડોદરા તરફ આશરે બે કિલોમીટર દૂર ત્રિપલ અકસ્માત સર્જાતા અફરાતફરી મચી હતી. સવારે આશરે 6:30 વાગ્યાના સુમારે ફોરવ્હીલર, લાંબા ટ્રેલર અને બાડમેરથી સુરત તરફ જઈ રહેલી મુસાફરોથી ભરેલી લક્ઝરી ટ્રાવેલ્સ બસ વચ્ચે અથડામણ થઈ હતી.
અકસ્માતમાં ટ્રાવેલ્સ બસનો ડ્રાઈવર કેબિનમાં ગંભીર રીતે ફસાઈ ગયો હતો. અકસ્માતની જાણ થતાં જ કરજણ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ડ્રાઈવરની સ્થિતિ નાજુક હોવાથી ફાયર જવાનોએ સમય ગુમાવ્યા વિના હાઈડ્રોલિક રેસ્ક્યુ સાધનો વડે બચાવ કામગીરી શરૂ કરી હતી.
લગભગ એક કલાકની જહેમત બાદ ફાયર જવાનોએ બસની કેબિનના પતરા અને સ્ટીયરિંગનો ભાગ કાપીને ડ્રાઈવરને સુરક્ષિત રીતે બહાર કાઢ્યો હતો. ત્યારબાદ તેને એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
કરજણ ફાયર વિભાગની સમયસર અને કુશળ બચાવ કામગીરીથી ગંભીર રીતે ફસાયેલા ડ્રાઈવરનો જીવ બચાવવામાં સફળતા મળી હતી. ઘટનાને પગલે હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિકને અસર થઈ હોવાનું જાણવા મળ્યું હતું. અકસ્માતના ચોક્કસ કારણ અંગેની વધુ વિગતો સત્તાવાર તપાસ બાદ સામે આવશે.
રિપોર્ટર: મુકેશ અથોરા