Entertainment

અંબાણીના ગણેશોત્સવમાં ટિફની ટ્રમ્પનો દેશી અંદાજ, મનીષ મલ્હોત્રાના લહેંગામાં લાગી રોયલ

અંબાણી પરિવારના નિવાસસ્થાન એન્ટિલિયામાં આયોજિત ગણેશોત્સવમાં આ વખતે બોલિવૂડના અનેક મોટા સ્ટાર્સની સાથે એક ખાસ મહેમાન પણ આકર્ષણનું કેન્દ્ર બની હતી. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ટિફની ટ્રમ્પે અંબાણી પરિવારના ગણેશોત્સવમાં હાજરી આપી હતી. આ દરમિયાન તેનો ભારતીય અંદાજ જોવા મળ્યો હતો. ટિફનીએ જાણીતા ડિઝાઈનર મનીષ મલ્હોત્રાનો પેસ્ટલ શેડનો લહેંગા પહેર્યો હતો અને પરંપરાગત ભારતીય જ્વેલરી સાથે પોતાનો લુક પૂર્ણ કર્યો હતો. અંબાણી પરિવારના આ ખાસ ગણેશોત્સવમાં બોલિવૂડના અનેક જાણીતા ચહેરાઓ પણ જોવા મળ્યા હતા. કેટરિના કૈફ, વિકી કૌશલ, કરીના કપૂર, સૈફ અલી ખાન, કરિશ્મા કપૂર, કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા સહિત અનેક કલાકારો ફેસ્ટિવ લુકમાં પહોંચ્યા હતા. જોકે, ટિફની ટ્રમ્પની હાજરીએ ખાસ ધ્યાન ખેંચ્યું હતું.

ટિફનીએ આ પ્રસંગ માટે પેસ્ટલ પિસ્તા-ગ્રીન રંગનો સુંદર લહેંગો પસંદ કર્યો હતો. તેની સાથે બ્લશ-કોરલ પિંક રંગનો દુપટ્ટો પહેર્યો હતો. બંને રંગોના કોમ્બિનેશને તેના લુકને નરમ અને ભવ્ય બનાવ્યો હતો. લહેંગા પર બારીક કારીગરી કરવામાં આવી હતી, જેમાં થ્રેડ વર્ક, મોતી અને ફ્લોરલ મોટિફ્સનો સુંદર ઉપયોગ જોવા મળ્યો હતો. લહેંગાની બોર્ડર પણ ખાસ રીતે તૈયાર કરવામાં આવી હતી. સામાન્ય રીતે જોવા મળતી ભારે અથવા સોલિડ બોર્ડરની જગ્યાએ તેમાં સ્કેલપ્ડ ફિનિશ આપવામાં આવી હતી. ફ્લોરલ એમ્બ્રોઇડરી અને પર્લ ડિટેલિંગને કારણે લહેંગાની બોર્ડર વધુ આકર્ષક લાગી રહી હતી. સમગ્ર આઉટફિટમાં ડિઝાઇનને એવી રીતે રાખવામાં આવી હતી કે લુક ભવ્ય હોવા છતાં વધુ પડતો ભારે ન લાગે.

લહેંગા સાથે ટિફનીએ જે ચોલી પહેરી હતી તેમાં સ્વીટહાર્ટ નેકલાઇન અને શોર્ટ સ્લીવ્ઝ હતી. ચોલી પર પણ પર્લ્સ, ક્રિસ્ટલ્સ અને એમ્બ્રોઇડરીથી જાળીદાર પેટર્ન તૈયાર કરવામાં આવી હતી. ચોલીની નેકલાઇન પર આઇવરી રંગની એમ્બેલિશમેન્ટનું લેયરિંગ કરવામાં આવ્યું હતું. તેના કારણે ગળામાં અલગથી નેકલેસ ન પહેર્યો હોય તો પણ જ્વેલરી જેવી ભવ્ય અસર જોવા મળતી હતી. ટિફનીએ પોતાના આ લુકને વધુ શાહી બનાવવા માટે પોલ્કી જ્વેલરી પસંદ કરી હતી. તેણે હેવી નેકલેસ સાથે ઝુમ્મર સ્ટાઇલના ઇયરિંગ્સ અને માંગ ટીકો પહેર્યો હતો. પેસ્ટલ રંગના લહેંગા સાથે પરંપરાગત પોલ્કી જ્વેલરીનું કોમ્બિનેશન તેના સમગ્ર લુકને રોયલ ટચ આપી રહ્યું હતું.

ટિફનીના મેકઅપની વાત કરીએ તો તેણે ખૂબ જ સોફ્ટ ગ્લેમ લુક પસંદ કર્યો હતો. મેકઅપમાં ગ્લોઇંગ સ્કિનને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું. આઇબ્રોને શેપ આપીને બ્લેક આઇલાઇનરથી આંખોને હાઇલાઇટ કરવામાં આવી હતી. સાથે જ આંખો પર સોફ્ટ સ્મોકી ઇફેક્ટ આપવામાં આવી હતી. મસ્કરાના થિક કોટથી આંખોને વધુ ડિફાઇન કરવામાં આવી હતી. ગાલ પર વોર્મ બ્લશ અને હોઠ પર ન્યૂડ-પિંક શેડની લિપસ્ટિક સાથે ટિફનીએ મેકઅપ પૂર્ણ કર્યો હતો. તેના મેકઅપને આઉટફિટ અને જ્વેલરી સાથે મેચ કરવામાં આવ્યો હતો, જેના કારણે સમગ્ર લુક સોફ્ટ અને એલિગન્ટ જોવા મળ્યો હતો.

ટિફનીએ આ ખાસ અવસરની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર પણ શેર કરી હતી. તસવીરોમાં તે ભારતીય પરંપરાગત વસ્ત્રોમાં જોવા મળી હતી. વિદેશી પૃષ્ઠભૂમિ હોવા છતાં ભારતીય તહેવાર માટે પસંદ કરેલો તેનો લુક ખાસ ચર્ચામાં રહ્યો હતો. મનીષ મલ્હોત્રાના ડિઝાઇન કરેલા લહેંગા અને પરંપરાગત જ્વેલરીએ તેના દેખાવને સંપૂર્ણ ભારતીય ટચ આપ્યો હતો. ટિફની ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમની બીજી પત્ની માર્લા મેપલ્સની પુત્રી છે. ટિફની તેમના એકમાત્ર સંતાન છે. ભારતની મુલાકાત દરમિયાન તે એકલી નહોતી આવી. તેની સાથે તેની માતા માર્લા મેપલ્સ, પતિ માઇકલ બોલોસ અને પુત્ર એલેક્ઝાન્ડર પણ હાજર હતા.

અંબાણી પરિવારના ગણેશોત્સવમાં ટિફનીની હાજરીથી આ ઉજવણીમાં આંતરરાષ્ટ્રીય રંગ પણ જોવા મળ્યો હતો. એક તરફ બોલિવૂડના કલાકારો ભારતીય તહેવાર માટે પરંપરાગત અને ફેસ્ટિવ આઉટફિટમાં પહોંચ્યા હતા, તો બીજી તરફ ટિફનીએ પણ ભારતીય ફેશન અને જ્વેલરીને પસંદ કરીને પોતાના લુકથી સૌનું ધ્યાન ખેંચ્યું હતું. પેસ્ટલ પિસ્તા-ગ્રીન લહેંગા, કોરલ-પિંક દુપટ્ટો, પોલ્કી જ્વેલરી અને સોફ્ટ ગ્લેમ મેકઅપના કોમ્બિનેશને ટિફનીના આ લુકને ખાસ બનાવ્યો હતો. ગણેશોત્સવની તસવીરો સામે આવ્યા બાદ તેનો આ દેશી અવતાર ફેશન અને સોશિયલ મીડિયા બંનેમાં ચર્ચાનો વિષય બન્યો છે.

Most Popular

To Top